Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ક્રિષ્ના પાર્કમાં દરોડો વખતે જેટલી ગાડી હતી તેના માલિકોને બોલાવવા તજવીજ

રાજકોટ તા. ૨૧: કુવાડવા રોડના ક્રિષ્ના વોટર પાર્કમાં પરમ દિવસે નિવૃત એએસઆઇની જન્મદિવસની પાર્ટીમાં પોલીસે દરોડો પાડી ૧૦ લોકોને નશો કરેલા પકડી લીધા હતાં. બાકીના ૨૦એ નશો કર્યો હોવાનું નહિ જણાતાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. દરમિયાન આ અંગેની તપાસ જેમના સુપરવિઝનમાં ચાલી રહી છે તે ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈનીએ કહ્યું હતું કે દરોડા વખતે વોટર પાર્ક ખાતે જેટલા વાહનો હતાં તેની ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી પોલીસે કરી હતી. આ વાહનોના માલિકોને બોલાવવા તજવીજ થઇ રહી છે.

દરોડો પડ્યો ત્યારે ઘણા ભાગી ગયાની વાતો વહેતી થઇ હતી. દરમિયાન ભાગી ગયેલા પૈકીના પાંચની ગત સાંજે ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચમાં અતુલભાઇ વૃજલાલ જોબનપુત્રા (ઉ.૫૪), જયેશભાઇ અનંતરાય કાચલીયા (ઉ.૫૫), મુકુંદરાય દુર્લભજી ચોટાઇ (ઉ.૬૮), હિતેષભાઇ ચંદ્રકાંતભાઇ ઠક્કર (ઉ.૫૨) અને મહેન્દ્રસિંહ ચંદુભા ઝાલા (ઉ.૫૬)નો સમાવેશ થાય છે. આ તમામની પુછતાછ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ડીસીપી સૈનીએ એમ પણ કહ્યું હતું કે જે ડીવીઆર કબ્જે થયું છે તે એફએસએલમાં મોકલવા પણ સુચના અપાઇ છે. એસીપી એસ.આર. ટંડેલ, પી.આઇ. પી.આર. પરમાર, પીએસઆઇ એમ. કે. ઝાલા અને ટીમો વિશેષ તપાસ કરે છે.

(3:37 pm IST)