Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

શ્રી આશાપુરા માતાજીના જય જયકાર સાથે રાજકોટથી માતાના મઢ કચ્છ જઇ રહેલ પદયાત્રી સંઘનું પ્રસ્થાન

રાજકોટ : માતાજીના નવલા નોરતાના દિવસો નજીક આવી રહ્યા હોયત કચ્છમાં આવેલ માતાના મઢ શ્રી આશાપુરા ધામ ખાતે પગપાળા જવા વિશાળ સંખ્યામાં ભાવિક ભકતો સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએથી નિકળી રહ્યા છે. જે મુજબ દર વર્ષે પદયાત્રા યોજતા રાજકોટના માં આશાપુરા પદાયાત્રી સંઘ દ્વારા આજે સવારે રાજકોટથી વાજતે ગાજતે પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ. વહેલી સવારે આશાપુરા માતાજી મંદિર ઠેબચડાના ગાદીપતિ શ્રી પદુબાપુના આશીર્વચનો સાથે આ પદયાત્રાને પ્રસ્થાન કરાવાયુ હતુ. બાવન ગજની ધજા શ્રી મયુરસિંહ લખુભા જાડેજા (રાવકી) તરફથી જુનો થડો ગણાતા માં આશાપુરા મંદિર બેડીનાકા ખાતે ચડાવવામાં આવ્યા બાદ આગળ વધેલ પદયાત્રા પેલેસ રોડ ખાતે શ્રી આશાપુરા માતાજીના મંદિરે આવી પહોંચતા માતાજીના જય જયકાર સાથે માર્ગો ગજાવી દેવાયા હતા. રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહજીએ આ પ્રસંગે ઉપસ્થિત રહી સર્વે પદયાત્રીઓનો સત્કાર કર્યો હતો. અહીંથી આગળ વધેલ આ પદયાત્રા પ્રથમ રાત્રી રોકાણ હરીપરના પાટીયા પાસે કરશે. બાદમાં સુરજબારી પોષ્ટ, અંજાર, દેશલપર થઇ આગળ વધી તા. ૨૯ ના માતાના મઢ કચ્છ પહોંચી જશે. દરમિયાન જય માં આશાપુરા મિત્ર મંડળ શ્રી ભગવતી ગ્રુપ પ્રહલાદ પ્લોટ દ્વારા પણ છેલ્લા ૧૮ વર્ષથી યોજવામાં આવતી માતાના મઢ કચ્છની પદયાત્રાને બાવન ગજની ધજા લહેરાવી સંતો મહંતોની ઉપસ્થિતીમાં વિદાય આપવામાં આવી હતી. માં આશાપુરા માતાજીની આરતી, રાસ ગરબાની રમઝટ બોલાવાઇ હતી. પદયાત્રીઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મા આશાપુરા મિત્ર મંડળ ભગવતી ગ્રુપ ભગવતી ચોક પેલેસ રોડ તરફથી સેવા કેમ્પ સુરજબારી ચેક પોષ્ટ પાસે યોજવામાં આવે છે. સેવાના ઉદેશ્યથી આ કેમ્પમાં માતાના મઢ જતા પદયાત્રીઓને નિઃસ્વાર્થ ભાવે આ કેમ્પ પર નાતજાતના ભેદભાવ વગર ૨૪ કલાક સ્વાદિષ્ટ ભોજન, ચા-નાસ્તો, મેડીકલ સારવાર, રહેવા જમવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. આ કેમ્પ તા. ૨૨ અને ૨૩ એમ બે દિવસ સતત સેવાકાર્યોથી ધમધમશે. આ કેમ્પના પ્રણેતા સ્વ. મયુરભાઇ ચાવડા, સ્વ. કેતનભા ચાવડાને શ્રધ્ધાંજલી અર્પી પદયાત્રીઓને વિદાય શુભેચ્છા અપાઇ હતી. સેવાભાવી માઇ ભકત નિતિન મેવાડા, નિરજ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજુભાઇ ચાવડા તેમજ સેવાભાવી કાર્યકરો સેવા આપી રહ્યાનું વિનોદભાઇ પોપટની એક યાદીમાં જણાવાયુ છે. ટુંકમાં માતાના મઢ કચ્છ તરફના માર્ગો પદયાત્રીઓના પગરવથી ધમધમતા બની જશે. ગામો ગામથી પદયાત્રીઓ કચ્છ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં પેલેસ રોડ ખાતે શ્રી આશાપુરા માતાજીના મંદિરેથી માં આશાપુરા પદયાત્રી સંઘના નેજા તળે પ્રસ્થાન પામી રહેલ પદયાત્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:35 pm IST)