Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પી.જી.વી.સી.એલ.ની બેદરકારીથી ઘંઉ બળી જતા વળતર મળવા ગ્રાહક કોર્ટમાં ધા

રાજકોટ તા.૨૧: ખેડૂતની અથાગ મહેનતથી તૈયાર કરવામાં આવેલ ૧૫ વીઘાના ઘઉં પી.જી.વી.સી.એલ.ની ઘોર બેદરકારીથી બળી જતા ખેડૂતે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરીને રૂ.૨,૩૦,૦૦૦નું વળતર માંગેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે ધોરાજીના ડો.કાનજીભાઇ શંભુભાઇ ઠુંમરે પોતાની ખેતીની જમીનમાં ૧૫ વીઘાના ઘઉંનુ વાવેતર કરેલ હતું આ ખેતરમાંથી પીજીવીસીએલની ઇલેકિટ્રક લાઇન પસાર થાય છે જે લાઇનનો ગાળો લાંબો છે અને ગાળાનાં વાયર ઢીલા છે તેમજ તેમાં સાંધા આવેલ છે. અને પોલ સાથે બાંધેલ છે જે લાંબા ગાળાના નીચા લટકતા વાયર હોવાથી તેમજ તેમાં જોલ પડતો હોવાથી પવનથી લટકતા વાયરમાં સ્પાર્ક થવાથી ફરીયાદી ડો.કાનજીભાઇ ઠુમરના ૧૫ વિઘાના ઘઉં સદંતર બળી ગયેલ.

આ અંગે ડો.કાનજીભાઇ ઠુંમરે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે સ્થળ તપાસ તથા પંચનામું કરેલ અને પંચનામામાં સ્પષ્ટ પણે પીજીવીસીએલની વિજ લાઇનમાં શોર્ટ સર્કીટ થવાથી ૧૫ વિધાના ઘઉં બળી ગયેલ તેવું સ્પષ્ટ જણાવેલ હતું. આ ઉપરાંત પોલીસે એફએસએલને જાણ કરતા એફએસએલના અધિકારીએ પીજીવીસીએલનાં વાયરીંગમાં સ્પાર્ક થવાથી ઘઉં બળી ગયેલ હોવાનું રોજકામ કરેલ. આ બાબતે ફરીયાદીએ પી.જી.વિ.સી.એલને જાણ કરતા કંપનીનાં નાયબ ઇજનેર તથા સ્ટાફે સ્થળ ઉપર આવી જાતનિરીક્ષણ કરેલ તથા રોજકામ પણ કરેલ જેમાં પણ પી.જી.વી.સી.એલ.ની લાઇનના વાયર લટકાવાથી સ્પાર્ક થવાથી ૧૫ વીઘાના ઘઉં બાલી ગયેલ હોવાનું સ્પષ્ટ થયેલ.

આ અંગે વળતર મેળવવા માટે ફરિયાદીએ તેમના એડવોકેટ મારફત પીજીવીસીએલ કંપનીને નોટીસ ફટકારેલ તેમ છતાં પણ વિજ કંપનીએ અલગ અલગ કારણો બતાવી વળતર ન ચુકવતા ફરિયાદી ડો.કાનજીભાઇ ઠુંમરે રાજકોટની ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી રૂ.૨,૩૦,૦૦૦નું વળતર આપાવવા માંગણી કરેલ છે.

આ કામમાં ફરીયાદી ડો.કાનજીભાઇ ઠુંમર વતી રાજકોટનાં એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, મનીષાબેન વ્યાસ, શીતલબેન સોની વગેરે રોકાયા છે.

(3:27 pm IST)