Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ભાદરવા માસમાં શ્રાદ્ધપક્ષ દરમ્યાન પિતૃઓના આશીર્વાદ મેળવવાનો મહિમા

।। અનાધિનીધનો દેવ શંખ, ચક્ર ગદાધર, અક્ષય પુંડરીકાક્ષ પ્રેતમોક્ષ/પિતૃમોક્ષ પ્રદોભવ ।।

આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક માસ એટલે કે મહિનાનો ખુબ મહિમા છે તો વાત કરીએ વિક્રમ સવંત ૨૦૭૫ માં ચાલતા ભાદરવા માસની, આ માસ ભગવાન વિષ્ણુનો પ્રિય માસ છે અને આ માસ દરમ્યાન જ સોળ શ્રાધ્ધ આવે છે આ સોળ શ્રાધ્ધ દરમ્યાન આપણે સૌ આપણા પિતૃઓના મોક્ષાર્થે કાગડાને કાગવાસ પણ આપીએ છીએ. ઉપરાંતમાં બ્રાહ્મણો પાસે વૈદિક મંત્રો દ્વારા તર્પણ તથા પિંડદાન પણ કરાવીએ છીએ. આ માસ દરમ્યાન ભગવાન વિષ્ણુ તથા આપણા સર્વપિતૃ દેવોના અઢળક આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ઘ પક્ષમાં દરેક કાર્યો કરવાથી અનેકગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે.

 ભાદરવા માસમાં સોળ શ્રાધ્ધ આવે છે કે જેમાં દરેક માસનો કોઈને કોઈ મહિમા છુપાયેલો છે, તો આ માસ દરમ્યાન પીપલ વૃક્ષ એટલે કે પીપળાના ઝાડને પાણી રેડવું, આ પાણીમાં કાળા તલ, જવતલ, પંચામૃત તથા ગંગાજળ પધરાવું પછી પાણી રેડવું અને પાણી રેડી દીધા પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવી સાથોસાથ શકય હોય તો મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનું સ્મરણ કરવું. ઉપરાંતમાં આ સોળ શ્રાદ્ધ દરમ્યાન આપણા સર્વપિતૃઓના મોક્ષાર્થે બ્રાહ્મણ પાસે તર્પણ વિધિ તથા પિંડદાનની વિધિ કરાવવી જોઈએ. આ માસ દરમ્યાન બ્રાહ્મણો પાસે સત્યનારાયણની કથા તથા શ્રીમદ્દ ભાગવત, વિષ્ણુ પુરાણનું વાંચન કરાવવું, ઉપરાંતમાં આ શ્રાદ્ધ પક્ષ દરમ્યાન બ્રાહ્મણને ભોજન કરાવવું, વસ્ત્રદાન કરવું, અન્ન દાન કરવું, આ દિવસો દરમ્યાન ગૌ માતા એટલે કે વંદનીય ગાય માતાને દ્યાસ ચારો નીરવો, પારેવાને ચણ આપવી, કુતરાને બુંદી-ગાંઠિયા તથા રોટલી આપવી, કુટુંબ પરિવારની દીકરીઓને દાન કરવું, વૃદ્ધો, વડીલોની સેવા કરવી, લુલા, લંગડા તથા વિકલાંગોની મદદ કરવી, ભિક્ષુકોને ભોજન કરાવવું , નાના બાળકોને બિસ્કીટ આપવા. સાથોસાથ ભગવાન વિષ્ણુની શ્રી વિષ્ણવે નમૅં મંત્રથી તથા સર્વપિતૃદેવોની ઓમ સર્વપિતૃ દેવાય નમૅં મંત્ર દ્વારા માળા કરવાથી ભગવાન વિષ્ણુ તથા સર્વપીતૃદેવોના અઢળક આશીર્વાદની પ્રાપ્તિ કરી શકાય છે.

આમ, આ ભાદરવા માસના સોળશ્રાધ્ધ દરમ્યાન આટલું કરવાથી ઘર બેઠા ગંગા નદીમાં સ્નાન તથા તીર્થના દર્શન કરવાનું તથા આપણા એક થી કરી એકોતેર પેઢીઓના પિતુઓના અનેરા આશીર્વાદની પ્રાપ્તિ થાય છે અને આપણા એકથી કરી એકોતેર પેઢીના જીવાત્માને ભગવાન વિષ્ણુ તેમજ દેવાધિદેવ મહાદેવના ચરણમાં મોક્ષ મળે છે અને આ દિવસોમાં બ્રાહ્મણને બોલાવી બ્રાહ્મણ પાસે ધાર્મિક કાર્ય કરાવનાર દરેક મનુષ્યને સુખ, શાંતિ, સમૃધ્ધિ, ધન, વૈભવ, તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ સર્વપિતૃ દેવાય નમઃ।।

શાસ્ત્રી રાજેશ શશીકાંતભાઈ ત્રિવેદી,

કર્મકાંડ-જયોતિષ, રાજકોટ મો. ૯૭૨૬૬ ૧૦૩૪૮

(12:59 pm IST)