Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

૩૦મી સુધીમાં શહેરને પ્લાસ્ટીકમુકત બનાવવા જોરદાર ઝુંબેશ : તંત્ર તૂટી પડયું

તમામ વેપારીઓ-નાગરિકો પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરે તેજ લક્ષ્યાંક : કોર્પોરેશનનો તમામ સ્ટાફ-પ્લાસ્ટીક જપ્તીમાં લાગી જશે : મ્યુ કમિશનર ઉદિત અગ્રવાલ-ડે. કમિશનર ચેતન ગણાત્રાએ કર્મચારીઓની બેઠક યોજી તાકીદ કરી

રાજકોટ, તા. ર૦ : દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરેલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ ઉપર તા.૪-૬-૨૦૧૯ના જાહેરનામાથી પ્રતિબંધ મુકવામાં આવેલ છે, જે અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, આરોગ્ય-ફૂડ વિભાગ, અન્ય જગ્યા રોકાણ શાખાના સ્ટાફ ઉપરાંત વિવિધ શાખાઓના વોર્ડ ઓફિસરશ્રીઓ અને કર્મચારીશ્રીઓની બનેલી વોર્ડ વાઈઝ ટીમો દ્વારા શહેરમાં તમામ સ્થળોએ સદ્યન ચેકિંગ અને સિંગ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી શરૂ કરવા મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે આદેશ આપેલ છે. આ આદેશ અંતર્ગત આજે મહાનગરપાલિકાના  સેન્ટ્રલ ઝોન ખાતેના કોન્ફરન્સ હોલમાં વિવિધ શાખાના સ્ટાફ સાથે મીટિંગ યોજવામાં આવી હતી જેમાં નાયબ કમિશનરશ્રી ચેતન ગણાત્રાએ ઉપસ્થિત અધિકારીઓશ્રીઓ અને કર્મચારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. નાયબ કમિશનરચેતન ગણાત્રાએ મીટિંગમાં ઉપસ્થિતોને સંબોધન કરતા એમ કહ્યું હતું કે, દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રીએ દેશના પર્યાવરણને ભારે નુકશાન કરી રહેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ઘ અભિયાન છેડવા કરેલા આહ્વાન અનુસંધાને રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવી રહયું છે, સ્ટાફ ઓછો પડે છે,  તેથી તેની સાથે બીજી શાખાઓના સ્ટાફને સપોર્ટ આપી આ અભિયાનને વધુ અસરકારક બનાવવામાં આવનાર છે. જાહેર જનતા અને વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરે તેવી ટેવ પાડવી ખુબ જ જરૂરી છે.  જયાં સુધી માર્કેટમાં ઝબલા અને પ્લાસ્ટીકની વસ્તુઓ વેચાતી રહેશે ત્યાં સુધી વેપારીઓ અને લોકો તેને વાપરશે. લોકોની અને વેપારીઓની ટેવ સુધારવા અને તેમની ટેવ બદલાવવા આજથી જ આ અભિયાન શરૂ કરવામાં આવી રહયું છે.

આ અભિયાનમાં દરેક સ્ટાફને જુદાજુદા વિસ્તાર ડિફાઇન કરવામાં આવેલ છે, દરેક સ્ટાફે નોકરીના સમયથી વધારા સમયે આ કામગીરી કરવાની રહેશે. શહેરના તમામ હોકર્સ ઝોનમાં તેમજ શાકભાજી-ફ્રુટ, ફરસાણ અને કરિયાણાના વેપારીઓ સહિત તમામ વ્યવસાયિક સ્થળોએ ફોકસ કરવામાં આવશે. તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં શહેરમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ થાય તેવો નિર્ધાર છે. લોકો અને વેપારીઓ પ્લાસ્ટિક વાપરતા બંધ થઇ જાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે. વોર્ડ ઓફિસરોને જુદાજુદા વોર્ડની જવાબદારી સોપવામાં આવેલ છે, તેમની નીચેના સ્ટાફ સાથે સંકલન કરી જે તે વોર્ડની ટીમો આ કામગીરી કરશે, તેમ નાયબ કમિશનરશ્રી ચેતન ગણાત્રાએ જણાવ્યું હતું.

 આ સંપૂર્ણ અભિયાન ત્રણ ફેઈસમાં વેચાયેલો છે. પ્રથમ તબક્કામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, બીજા તબક્કામાં મહાઝુંબેશ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવશે અને ત્રીજા તબક્કામાં એકત્રિત કરેલું પ્લાસ્ટિક રીસાઈકલ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. રાજકોટ શહેરમાં જાહેરનામાંથી તમામ કેરી બેગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ અભિયાન નેશનલ લેવલનું છે જેમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સામેલ છે. તા. ૦૧ ઓકટોબર સુધીમાં તમામ વેપારીઓ અને નાગરિકો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ જ કરે તેવા હેતુથી આજથી જ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

(3:21 pm IST)