Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સાહિત્ય કૃતિમાં સામગ્રીના રૂપાંતર પર બધો મદારઃ ધીરેન્દ્ર મહેતા

રાજકોટ :  સાહિત્ય એકાદમી, દિલ્હી અને રાજકોટની લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલયના ઉપક્રમે કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ખાતે જાણીતા સાહિત્યકાર ધીરેન્દ્ર મહેતા સાથે સંવાદ યોજાયો હતો. સાહિત્ય એકાદમીના સલાહકાર સમિતિના સભ્ય તથા લેંગ લાયબ્રેરીના ઉપપ્રમુખ નીતિનભાઇ વડગામાએ સ્વાગત પ્રવચન કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતું. લાઇબ્રેરીના માનદ્ મંત્રીશ્રી પ્રવીણભાઇ રૂપાણીએ મુખ્ય વકતા ધીરેન્દ્ર મહેતાનું તેમજ સભ્ય બિપીનભાઇ મહેતા, રાજેશભાઇ માંડલિયા અને  હર્ષિદાબેન આરદેશણાએ અનુક્રમે વિનોદ જોશી, રત્નાકર પાટિલ અને ડો. દર્શનાબેન ધોળકિયાનું પુસ્તક ઘ્વારા સ્વાગત કર્યુ હતું. સાહિત્ય એકાદમીના  ગુજરાતી ભાષાના કન્વીનર અને કવિ-વિવેચક ડો. વિનોદ જોશીએે પ્રાસંગીક ઉદ્બોધન કર્યુ હતું. તથા કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તથા જાણીતા લેખિકા ડો. દર્શનાબહેન ધોળકિયાએ ધીરેન્દ્ર મહેતાનો પરિચય આપ્યો હતો.સર્જન પ્રક્રિયાની વાત કરતા ડો. ધીરેન્દ્ર મહેતાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે સર્જનની પ્રક્રિયા રહસ્યમય છે. સાહિત્યકૃતિમાં સર્જકતા જ સર્વોચ્ચ બને છે. સામગ્રી સર્જકતામાં કઇ રીતે રૂપાતરિત થાય છે એ મહત્વનું છે. પોતાની કાવ્યકૃતિઓ, વાર્તાઓ અને નવલકથાઓના ઉદાહરણો સાથે તેમણે જણાવ્યું હતું કે જયારે અનુભવમાં મુકવાનું બન્યું હોય તયારે જ કૃતિ આવે એવું નથી હોતું અનુભવ સમય અને નિરૂપણના સમય વચ્ચે એક અંતરાલ હોય છે. તેમણે પોતાની અત્યંત પ્રસિધ્ધ એવી '' ચિહન અને છાવણી'' ના સંદર્ભમાં કહયું હતું કે એ કથાઓએ પીડા એટલે શું એનો સાચો અર્થ મને સમજાવ્યો અને ઉમેર્યુ હતું કે કોઇ લેખક અહેવાલ નથી લખતો, એ કોઇ ઘટના જુએ છે. પછી એ કૃતિમાં અવતરે છે. અધ્યક્ષસ્થાનેથી ઉદ્બોધન કરતા લેંગ લાયબ્રરઙ્ગેી ના પ્રમુખ ડો. નિરંજનભાઇ પરીખે આ સાહિત્યક આયોજનને આવકાર્યુ હતું. લાયબે્રરીની વિવિધ પ્રવૃતિઓનો પરિચય આપ્યો હતો. મનોજભાઇ શુકલએ આભારદર્શન કર્યું હતું. રાજકોટના સાહિત્યરસિક ભાવીકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને માંણ્યો હતો. કાર્યક્રમની સફળતા માટે લાઇબ્રેરીના માનદ્ મંત્રીશ્રી પ્રવીણભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં તમામ સભ્યો તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સાહિત્ય એકાદામી, દિલ્હી ઘ્વારા એકાદમીના પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું.

(4:00 pm IST)