Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

BAPS સ્વામિનારાયણ વાડીએ જળઝીલણી મહોત્સવની ધામેધૂમે ઉજવણી

રાજકોટઃ ભારતીય સંસ્કૃતિમાં ભાદરવા સુદ-૧૧ 'જળઝીલણી' તથા 'પાશ્વ પરિવર્તિની' એકાદશી તરીકે પ્રસિદ્ધ છે. ચાતુર્માસ દરમ્યાન પોઢેલા ભગવાન આજના દિવસે પાશ્વ તરફ પોતાનું પડખું ફેરવે છે. એ નિમિતે આ અવસર ઉજવવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં ભગવાનની કૃપાથી વરસાદ વરસે છે જેથી નદી-નાળા છલકાઇ જતા હોઇ છે તેમજ પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે. ભગવાને કરેલા ઉપકારનું ઋણ વાળવા સૌ ભકતો જળઝીલણીનો ઉત્સવ ઉજવે છે. ઠાકોરજીને નદી કે તળાવમાં સ્નાન તથા વિહાર કરાવડાવી ભકિત અદા કરે છે. રાજકોટ ખાતે પણ ગોંડલ ચોકડી પાસે આવેલ BAPS સ્વામિનારાયણ વાડીમાં આ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં ઠાકોરજી સાથે વિધ્નહર્તા દેવ ગણપતિજીને જળવિહાર કરાવવા માટે ગોંડલ ચોકડીથી સ્વામિનારાયણ વાડી સુધી શોભાયાત્રા દ્વારા લઇ જવામાં આવ્યા હતા. પૂ. અક્ષરપ્રકાશ સ્વામીએ વ્યસનોથી પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે લાખો લોકોના જીવનનું કઇ રીતે પરિવર્તન કર્યું તેના અદ્દભુત પ્રસંગોનું રસપાન કરાવ્યું હતું. પૂ. વિશ્વેશતીર્થ સ્વામીએ ભોગવિલાસના આ યુગમાં સદાચાર યુકત જીવન જીવતા સત્સંગી સમાજની ભેટ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે આપી છે તેની વાતો કરી હતી. તેમજ પૂ. અક્ષરકીર્તિ સ્વામીએ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે પરિવાર-પરિવાર વચ્ચેના ઝઘડાઓ, કુટુંબોની આંતરીક કલેહ અને વિવાદોને કઇ રીતે શમાવ્યા તે વિષયક વકતવ્યનો લાભ આપ્યો હતો. અંતમાં BAPS સ્વામીનારાયણ મંદિર રાજકોટના સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામીએ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે વહેમ અને અંધશ્રદ્ધાથી મુકત લાખો હરિભકતોનો સત્સંગ સમાજ તૈયાર કર્યો તે વિષયક વકતવ્યનો લાભ આપ્યો હતો. કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામીએ દીક્ષાંત પ્રવચનો લાભ આપ્યો હતો. આ સમગ્ર ઉત્સવમાં પ આરતી દ્વારા ભકતોએ ઠાકોરજીને ભકિત અર્પણ કરી હતી અને સંતોએ ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પૂજન કર્યું હતું. 'જળઝીલણી ઉત્સવ'ના અંતિમ ચરણમાં જળકુંડમાં વિધ્નહર્તા દેવ ગણપતિજી મહારાજનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે પણ પૂ. મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં જળઝીલણી ઉત્સવ ખુબજ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

(3:59 pm IST)