Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

લૂંટારૂ ત્રિપૂટીને ક્રાઇમ બ્રાંચે દબોચી : ૬ ગુના ઉકેલાયા

રૈયાધારના રોહિત ઉર્ફ ટકેશ પરમાર, ધવલ પતરીયા અને ગોંડલના નિતેશ ગોહેલને રૈયા રોડ પરથી પકડી લેવાયા :ગાંધીગ્રામ, માલવીયાનગર, ભકિતનગર, બી-ડિવીઝન અને થોરાળા પોલીસ મથકના ગુના ડિટેકટ થયાઃ ટકેશ અને મિતેશ અગાઉ પણ બે ગુનામાં સંડોવાયા'તા : હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. ઘનશ્યામસિંહ ચોહાણ અને કોન્સ. હરદેવસિંહ રાણાની ચોક્કસ બાતમી પરથી સફળતા : દિનદહાડે ગમે તેને છરી બતાવી મારકુટ કરી લૂંટ ચલાવી લેતાં

તસ્વીરમાં પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ બી. ટી. ગોહિલ, એ. એસ. સોનારા, એમ. એસ. મહેશ્વરી અને ટીમ તથા પકડાયેલા ત્રણેય લૂંટારા અને કબ્જે થયેલો મુદ્દામાલ તથા બે છરી જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧: શહેરમાં લૂંટ ચલાવતી ત્રિપૂટીને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધી છે. લૂંટ અને વાહન ચોરીના છ ગુનાનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ, ગોંડલના બે વાલ્મિકી અને એક લોધા શખ્સની ધરપકડ કરી રૂ. ૧,૧૯,૦૦૦નો મુદ્દામાલ પણ આ ત્રણેય પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ અને હરદેવસિંહ રાણાને મળેલી બાતમી પરથી ત્રણ શખ્સો રોહિત ઉર્ફ ટકેશ જીવણભાઇ પરમાર (વાલ્મિકી) (ઉ.૨૦-રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર), ધવલ ઉર્ફ લોધો કિશોરભાઇ પતરીયા (લોધા) (ઉ.૨૨) (રહે. ન્યુ રાજદિપ સોસાયટી-૧) તથા નિતેશ દિલીપભાઇ ગોહેલ (વાલ્મિકી) (ઉ.૧૯-રહે. ઉમવાડા રોડ, દેવદરબાર મંદિર સામે ગોંડલ)ને પકડી લેવાયા છે. આ ત્રણેય લૂંટ અને વાહન ચોરી કરતાં હોવાની ચોક્કસ બાતમી હોઇ તેના આધારે સકંજામાં લઇ વિશીષ્ટ પુછતાછ થતાં છ ગુનાનો ભેદ ખુલ્યો હતો.

આ ત્રણેયે માલવીયાનગર પોલીસની હદમાં પીડીએમ કોલેજ પાછળ રામનગરમાં વીસેક દિવસ પહેલા એક રિક્ષાચાલકને છરી બતાવી ઢીકા-પાટુનો માર મારી ૧૦ હજારનો મોબાઇલ અને રૂ. ૭૨૦૦ લૂંટી લીધાનું કબુલ્યું છે. આ ઉપરાંત નિર્મલા રોડ ફાયર બ્રિગેડ પાછળ જલારામ સોસાયટીમાં છોટુનગર ઝૂપડપટ્ટીના શાકભાજીના ધંધાર્થી યુવાનને તે રેંકડી લઇને જતો હતો ત્યારે છરી બતાવી ધોલધપાટ કરી રૂ. ૫૦૦૦નો મોબાઇલ ફોન તથા રૂ. ૨૦૦૦ રોકડા અને હાથમાંથી ૫૦૦૦નું ચાંદીનુ કડુ લૂંટી લીધુ હતું. આ ભેદ પણ ઉકેલાયો છે.

તેમજ વીસ દિવસ પહેલા જલારામ ચોક પટેલ વાડીની સામે શાકભાજીની લારી વાળાને માર મારી છરી બતાવી રૂ. ૧૦ હજારનો મોબાઇલ અને રૂ. ૮૦૦ રોકડા લૂંટી લીધા હતાં. આ અંગે ભકિતનગરમાં ગુનો નોંધાયો હતો. આ ગુનો પણ ત્રણેયએ કબુલ્યો છે. જ્યારે વીસ દિવસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડી પાસે મેળાના પાર્કિંગમાંથી નંબર વગરનું રૂ. ૨૫ હજારનું હોન્ડા ચોરી લીધુ હતું. તેમજ આજી જીઆઇડીસી રોડ પરથી રૂ. ૨૦ હજારનું બીજુ એક બાઇક અને પંદરેક દિવસ પહેલા લક્ષ્મીવાડી સર્કલ પાસેથી રૂ. ૩૦ હજારનું એકસેસ ચોરી કર્યુ હતું. આ અંગે જે તે પોલીસ મથકમાં ગુના નોંધાયા હતાં.  આ તમામ ગુના આ ત્રિપૂટીએ કબુલી લીધા છે. તેની પાસેથી ત્રણ વાહનો, ત્રણ મોબાઇલ ફોન, ચાંદીનું કડુ, ૧૦ હજારની રોકડ મળી રૂ. ૧,૧૯,૦૦૦નો મુદ્દામાલ અને બે છરી કબ્જે લેવામાં આવ્યા છે.

રોહિત ઉર્ફ ટકેશ અને નિતેશ અગાઉ પણ ગુનામાં સંડોવાઇ ચુકયા છે. રોીહત તાજેતરમાં જ ગાંધીગ્રામના મારામારીના અને વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો. જ્યારે નિતેશ એ-ડિવીઝનમાં વાહન ચોરીમાં પકડાયો હતો. ચોરાઉ વાહનોનો જ લૂંટમાં ઉપયોગ કરતાં હતાં.

લૂંટના ઉપરા ઉપરી એક જ મોડસ ઓપરેન્ડીથી બનાવ બન્યા હોઇ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાએ તાકીદે આ ગુના ડિટેકટ કરવા સુચના આપી હોઇ પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ આર. એસે. સોનારા, એમ.એસ. મહેશ્વરી, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, અજીતસિંહ પરમાર,  હરદેવસિંહ રાણા, હિતેષભાઇ કેશવાલા સહિતની ટીમે પેટ્રોલીંગ શરૂ કર્યુ હતું ત્યારે બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

(3:10 pm IST)