Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

હાર્ડવેર મેન્યુફેકચર્સ એસોસિએશનના સભ્ય અશોકભાઇ નસીત પર રાજેશ ભંડેરીનો હુમલો

૫૦ ફુટ રોડ પર સુતા હનુમાન મંદિર પાસે બનાવઃ એસોસિએશનની મિટીંગનું બેનર પણ ભંડેરીએ તોડી નાંખી નુકસાન કરાયાની ફરિયાદ

રાજકોટ તા. ૨૧: સહકાર રોડ પર રઘુવીર સોસાયટી-૪માં રહેતાં હાર્ડવેર મેન્યુફેકચર્સ એસોસિએશનના સભ્ય અશોકભાઇ વલ્લભભાઇ નસીત (ઉ.૪૩) નામના પટેલ યુવાનને ૫૦ ફુટ રોડ પર સુતા હનુમાનજીના મંદિર પાસે હતાં ત્યારે રાજેશ રમેશભાઇ ભંડેરી (રહે. દેવપરા) અને એક અજાણ્યા શખ્સે ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી તેમજ ઝાપટ મારી એસોસિએશનના બેનર લગાવ્યા હોઇ તે ફાડી નાંખી નુકસાન કરતાં ફરિયાદ થઇ છે.

ભકિતનગરના પીએસઆઇ ડી. એ. ધાંધલ્યાએ અશોકભાઇની ફરિયાદ પરથી રાજેશ ભંડેરી અનેઅજાણ્યા શખ્સ સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૩૨૩, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. અશોકભાઇ અને તેના મિત્ર જીજ્ઞેશભાઇ વીરડીયા, જૈમીનભાઇ આંબલીયા, દિલીપભાઇ રૂપારેલીયા રાજકોટ શહેર હાર્ડવેર મેન્યુફેકચર્સ એસોસિએશનના કારોબારી સભ્યો છે. તા.૨ ઓકટોબરના રોજ મિટીંગ રાખવાની હોઇ જેથી આ બાબતના બેનરો અલગ-અલગ જગ્યાએ લગાવ્યા હતાં. આ બેનરો રાજેશ ભંડેરીએ તોડી નાંખી રૂ. ૧૯૦૦નું નુકસાન કર્યુ હોઇ તેને સમજાવવા જતાં ધોકા સાથે આવી ગાળો દઇ ઝાપટ મારી ઇજા કરી હતી. અશોકભાઇના કહેવા મુજબ આવતા મહિને સભ્યોની જનરલ મિટીંગ છે. જેમાં મેમ્બર્સની ડિરેકટરી બનાવવાનું નક્કી કરવાનું હતું. આ મિટીંગ અંતર્ગત બેનર છપાવ્યા હતાં. જે બેનર પૂર્વ સભ્ય રાજેશ ભંડેરીએ તોડી નાંખતાં ડખ્ખો થયો હતો.

(2:35 pm IST)