Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ખેડુતોને ટેકાના ગેરેન્ટેડ ભાવની કેન્દ્રની યોજના ગુજરાતમાં લાગુ કરોઃ કાલે રાજકોટમાં સૌરાષ્ટ્રના ર૬ યાર્ડોના વેપારીઓની મીટીંગ

ખેડુતોના હિતમાં તાકીદે આ યોજના લાગુ કરવા માટે સૌરાષ્ટ્રના તમામ વેપારીઓ દ્વારા સરકારમાં એકી સાથે રજુઆત કરવાનો નિર્ણય લેવાશે

રાજકોટ, તા., ર૧: કેન્દ્ર સરકારે ખેડુતોને ટેકાના ગેરેન્ટેડ ભાવ મળી રહે તે માટે જાહેર કરેલ યોજના ગુજરાતમાં તાકીદના ધોરણે લાગુ કરવાની માંગણી સાથે આવતીકાલે રાજકોટમાં સૌરાષ્ટ્રના ર૬ યાર્ડોના વેપારી એસોસીએશનના હોદેદારોની મીટીંગ મળનાર છે.

રાજકોટ કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે ખેડુતોને ટેકાના ગેરેન્ટેડ ભાવ મળે તે માટે આશા અમ્બ્રેલા યોજના જાહેર કરેલ છે. આ યોજના ભાવાંતર યોજના તરીકે પણ ઓળખાય છે. હાલમાં મગફળી સહીતના ખરીફ પાકોની આવકો  ચાલુ થઇ છે ત્યારે ભાવાંતર યોજના નીચે  રજીસ્ટ્રેશન જરૂરી છે. પણ તે ટુંકાગાળામાં શકય ન હોય ે અને ગત વર્ષે જે સંસ્થાઓ દ્વારા ખરીદી થઇ તેના દુષ્પરીણામોથી કેન્દ્ર સરકારે ભાવાંતર યોજના જેવી સારી યોજના જાહેર કરી હોય આ યોજનાનો લાભ દરેક ખેડુતોને સમયસર મળે તે જરૂરી છે. જેથી કેન્દ્રએ લાગુ કરેલ ભાવાંતર યોજના ગુજરાતમાં તાકીદે લાગુ કરવાની માંગણી સંદર્ભે આવતીકાલે સૌરાષ્ટ્રના ર૬ યાર્ડો કે જે ચાલુ હાલતમાં છે તે વેપારી એસોસીએશનના હોદેદારો અને વેપારીઓની રાજકોટ ખાતે રાજકોટ માર્કેટ યાર્ડ ખેડુત કેન્ટીંન બીલ્ડીંગ ખાતે મીટીંગ યોજાશે.

ભાવાંતર યોજના તુરતમાં અમલમાં લાવવા માટે હાલમાં ખેડુતોનું રજીસ્ટ્રેશન શકય ન હોય ખેડુતોના બેન્ક લોન ખાતામાંથી વાવેતરના એરીયાના હેકટર વાઇઝ ડેટા મેળવવામાં આવે તેમજ રાજય સરકાર દ્વારા શરૂઆતથી જ મગફળી વેચતા યાર્ડમાંથી ડેટા મેળવી મધ્યમ કિંમતનો રેકોર્ડ રાખવાનું તાત્કાલીક ધોરણે ચાલુ કરવા અને મગફળી પકવતા વિસ્તારની સરકારી તંત્રો દ્વારા કઢાતી આનાવારી મુજબનું ઉત્પાદન ગણવામાં આવે અને ઉત્પાદન મુજબની રકમ ડાયરેકટ ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી માંગણી છે.

કેન્દ્ર સરકારે આશા અમ્બ્રેલા (ભાવાંતર યોજના) જાહેર કરી છે.  પરંતુ રાજય સરકાર દ્વારા તેની અમલવારી કરવામાં વિલંબ કરાતા ખેડુતોને ભારે નુકશાન થઇ રહયું છે. ચાલુ વર્ષથી જ આ યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવે તો ખેડુતો લુંટાતા બચે. આ યોજનાનો ગુજરાતમાં તાત્કાલીક અમલવારી થાય તે માટે સૌરાષ્ટ્રના ર૬ યાર્ડના વેપારી એસોસીએશનના હોદેદારો અને વેપારીઓની રાજકોટ યાર્ડ ખાતે મીટીંગ મળશે અને આ મીટીંગમાં આ યોજના તાત્કાલીક લાગુ કરવાની માંગણી સાથે સૌરાષ્ટ્રના તમામ યાર્ડોના વેપારી પ્રતિનિધિઓ દ્વારા એકી સાથે સરકારમાં રજુઆત કરવાનો નિર્ણય લેવાશે. આ યોજનાથી ખેડુતોને વધુ લાભ મળે તે માટે પણ ચર્ચા કરવામાં આવશે અને જરૂર પડયે વેપારીઓ પણ ખેડુતોને મદદરૂપ થશે તેમ અંતમાં કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું.

(2:35 pm IST)