Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

એ. જી. સ્ટાફ કવાર્ટર દરગાહ પાસે બુટલેગરની ટોળકીનો હુમલોઃ મુસ્લિમ આધેડ અને મિત્રોની હત્યાનો પ્રયાસ

હાર્દિક તારો એક વાર પગ ભાંગી નાંખ્યો છે છતાં તું કેમ સુધરતો નથી...કેમ પોલીસને બાતમી આપી દે છે...? કહી તૂટી પડ્યા : હાર્દિકે અગાઉ દારૂ પકડાવ્યો હોવાની શંકા કરી મહેબૂબ પઠાણ, તેનો ભાણેજ શાહરૂખ, કિશન, શાહરૂખ કાળીયો સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૧: એ. જી. સ્ટાફ કવાર્ટરની પાછળ બાજીશાહ પીરની દરગાહ સામેના રોડ પર બુધ-ગુરૂની મોડી રાત્રે મુસ્લિમ શખ્સોની ટોળકીએ કાવત્રુ રચી મુસ્લિમ આધેડ તથા તેના મિત્રો પર તેઓ દારૂ અંગે પોલીસને બાતમી આપી દે છે તેવી શંકા કરી ધોકા-પાઇપથી હુમલો કરી હાથ-પગ ભાંગી નાંખતા અને બે યુવાનને માથામાં ગંભીર ઇજા કરતાં યુનિવર્સિટી પોલીસે કાવત્રુ રચી હત્યાની કોશિષ કરવા સબબ ગુનો નોંધ્યો છે.

રૈયા ગામમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં મામદભાઇ ઉમરભાઇ વિકીયાણી (ઉ.૪૫) તથા તેના મિત્રો યુનિક, હાર્દિક, નજમુદ્દીન જસરાયા સહિતના બુધવારે સાંજે આઠેક વાગ્યે  બાઇકમાં બેસી યુનિવર્સિટી રોડ પ્રેમ મંદિર તરફ એ. જી. સ્ટાફ કવાર્ટર પાછળ આવેલી બાજીશાહ પીરની દરગાહ ખાતે ગયા હતાં. ત્યાં બહાર બેઠા હોઇ રાત્રીના દોઢેક વાગ્યે કિશન સાથે અજાણ્યો શખસ આવ્યા હતો અને ફોન પર વાત કરી હતી. એ પછી સફેદ રંગની એક કાર આવી હતી. જેમાં મહેબૂબ પઠાણ, તેનો ભાણેજ શાહરૂખ, બીજો એક શાહરૂખ સમા કાળીયો તથા જાડીયો છે અને જંગલેશ્વરમાં રહે છે તે તથા બીજા અજાણ્યા શખ્સો આવ્યા હતાં.

આ બધાએ ભેગા મળી ગાળો દઇ અચાનક પાઇપ-ધોકાથી હુમલો કરી દીધો હતો. હાર્દિકને કહેલ કે તું કે પોલીસને અમારા દારૂની બાતમી આપી દે છે? તે કેમ અમારો દારૂ પકડાવી દીધો? તારા ટાંટીયા એક વાર ભાંગી નાંખ્યા તો'ય તું કેમ સુધરતો નથી? કહી હુમલો કરી દીધો હતો. જેમાં ફરિયાદી મામદભાઇને બંને પગમાં, નજમુદ્દીનને માથામાં, યુનિકને માથામાં તથા પગે અને શરીરે ઇજા કરી હતી અને હાર્દિકનો અગાઉ પગ ભાંગી નાંખ્યો હોઇ જેથી તેને મારી નાંખવાની ધમકી આપી હવે કોઇ દિવસ પોલીસને બાતમી આપો નહિ તેમ કહી બધા ભાગી ગયા હતાં. બધાએ પ્રથમ સિવિલમાં સારવાર લીધી હતી. બાદમાં ખાનગીમાં રીફર થયા હતાં. યુનિકને વિશેષ સારવાર માટે અમદાવાદ લઇ જવાયો છે.

ત્રણ મહિના પહેલા હાર્દિકે મહેબૂબના દારૂની બાતમીઆપી હશે એ કારણે શંકા થતાં મહેબૂબ સહિતનાએ ટોળકી રચી આ હુમલો કર્યો હતો. પી.આઇ. ડી. વી. દવેની રાહબરી હેઠળ પીએસઆઇ એન. બી. ડોડીયા અને ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:29 pm IST)