Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ઢેબરભાઈની આજે ૧૧૩મી જન્મજયંતિ

વકીલાતના વ્યવસાયને તિલાંજલી આપી અંગ્રેજો સામેની લડાઈમાં જોડાયા'તા : દુકાળના સમયે લોકોની વચ્ચે જ રહેલા

રાજકોટ : એક સમયના સૌરાષ્ટ્ર રાજયના મુખ્યમંત્રી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ એવા સ્વ. ઉચ્છરંગરાય નવલશંકર ઢેબર કે જેઓને આપણે સૌ ''ઢેબરભાઈ''ના વહાલસોયા નામથી ઓળખીએ છીએ. આજરોજ એમની જન્મજયંતિ પ્રસંગે આપણે સૌ તેઓને શત્ શત્ વંદન કરીએ.

સૌરાષ્ટ્રમાં જન્મેલા અને પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લીધુ હતું. એવા ઢેબરભાઈ સ્વરાજય મળ્યુ તે પહેલા વકીલાત કરતા હતા. સન ૧૯૩૬માં તેમણે વકીલાતને તિલાંજલી આપી બ્રીટીશરો સામેની લડત અને લોકજાગૃતિના કામમાં સંપૂર્ણ રીતે જોડાયા. આ દરમિયાન તેઓ ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલના વધુ સંપર્કમાં આવ્યા. રાજકોટ સત્યાગ્રહ (શાસ્ત્રી મેદાનમાં) અને તેની લડતના તેઓ એક અગ્રીમ નેતા બન્યા. ઉપરાંત વિરમગામ સત્યાગ્રહ માટે ગાંધીજીએ તેમને ખાસ પસંદ કરેલ. નાની - મોટી લડતોમાંની તેમની સક્રિયતાને કારણે તેઓએ ઘણીવાર જેલવાસ ભોગવ્યો.

સ્વરાજ બાદ સૌરાષ્ટ્ર રાજયની રચના થઈ. શ્રી ઢેબરભાઈ મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી તરીકે તેઓએ જમીન માલિકી સુધારણા કાયદો બનાવી તેનો સાંગોપાંગ અમલ કરાવ્યો. જેના કારણે હજારો કિશાનો જમીનના માલિક બન્યા. આજે પણ સૌરાષ્ટ્રના જમીનમાલિક ખેડૂતો તેઓને આભારની લાગણીથી યાદ કરે છે. જેના કારણે જ હજારો ખેડૂત પરીવારોના જીવનમાં ઉજાશ પથરાયો.

આ ઉપરાંત ગ્રામ વિકાસ, કૃષિ અને સિંચાઈ, પશુપાલન, રસ્તા, વિજળી, જાહેર આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગો તથા આંતર માળખાકીય સુવિધાઓ ક્ષેત્રે તેઓને બેનમૂન કામગીરી કરી. પંચાયત અંગેનો ધારો લાવી પંચાયતરાજની સ્થાપના કરી. તેમના કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રમાં બે ભીષણ દુષ્કાળના વર્ષો આવેલા. દુષ્કાળ દરમિયાન ઢેબરભાઈની સરકારે લોકો માટે પીવાની પાણીની વ્યવસ્થા, અનાજની વ્યવસ્થા, પશુઓને ઘાસચારો તથા રાહતકામો શરૂ કરાવેલ. ઉપરાંત ખેડૂતો માટે બિયારણ, તગાવી વગેરેની વ્યવસ્થા પૂરૂ પાડવામાં કોઈ કચાસ ન રાખી. આવા કપરા સમયે મુખ્યમંત્રી તરીકે ઢેબરભાઈ તથા તેમના પ્રધાનમંડળના સાથીઓ ધોમધખતા તાપમાં પણ સતત પ્રવાસ કરીને લોકોની વચ્ચે રહેતા.

શ્રી ઢેબરભાઈ શરૂઆતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકેની જવાબદારી અદા કરી અને પછીથી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમાયા અને દિલ્હી ગયા. ત્રણ ટર્મ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની જવાબદારી ઉજ્જવળ રીતે નિભાવી. રાષ્ટ્રીય કક્ષાએ તેઓએ ખાદીગ્રામોદ્યોગ, કૃષિ ગૌસેવા, આદિવાસી ઉત્કર્ષ જેવા સેવાકાર્યો અને અનેક રચનાત્મક કામો કરતા રહ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે તેમના નિવાસસ્થાનની વાત ત્યારે પોતાની પસંદગી જૂની દિલ્હીમાં આવેલ હરીજન કોલોનીમાં એક સાદા મકાનમાં ઉતારી જયાં મહાત્મા ગાંધી દિલ્હીની મુલાકાત સમયે રહેતા હતા. આ મકાનમાં એરકન્ડીશનર જેવી વ્યવસ્થા તો નહતી પણ માત્ર એક પંખો અને થોડો જરૂરી સામાન જ હતા.

શ્રી ઢેબરભાઈ એક સાદા, નિરાભિમાની, નિઃસ્પૃહિ, અકિંચન, સંવેદનશીલ અને કુશળ વહીવટકર્તા હતા. રાષ્ટ્રીય દિન અને લોકસેવામાં પોતાનું સંપૂર્ણ જીવન વ્યતીત કરનાર આ ઉમદા લોક નેતાને જન્મજયંતિએ હૃદયપૂર્વક નમન કરીએ.

શ્રી મનસુખ કાલરીયા

પ્રવકતા - કોંગ્રેસ મો.૯૪૨૬૯ ૯૪૪૫૦

(1:29 pm IST)