Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

માતાના ઘરે જઇ રહેલા વાળંદ મહિલા દિવ્યાબેન એકટીવા સહિત આઇશરની ઠોકરે ચડ્યા : મોત

નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પરશુરામ ચોકડી પાસે વધુ એક વખત જીવલેણ અકસ્માત :કિડવાઇનગરના વિઠલાપરા પરિવારમાં ગમગીનીઃ માસુમ પુત્ર મા વિહોણો થયો

એકટીાવને ઉલાળીને પલ્ટી મારી ગયેલુ આઇસર તથા એકટીવા ચાલક દિવ્યાબેન વિઠલાપરાનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર અગાઉ પણ જીવલેણ અકસ્માત સર્જાઇ ચુકયા છે. ત્યાં વધુ એક બનાવ આ રોડ પર પરશુરામ ચોકડી પાસે બન્યો છે. કિડવાઇનગર-૪ 'યમુના' ખાતે રહેતાં દિવ્યાબેન સુનિલભાઇ વિઠલપરા (ઉ.૨૯) નામના વાળંદ મહિલા માતાના ઘરે જઇ રહ્યા હતાં ત્યારે આઇશરે તેણીને એકટીવા સહિત ઉલાળી દેતાં મોત નિપજ્યું હતું. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સોમનાથ-૨ પાસે કિડવાઇનગરમાં રહેતાં દિવ્યાબેન વિઠલાપરા ગઇકાલે પોતાનું એકટીવા જીજે૨૭એન-૫૨૬૯ હંકારી નવા રીંગ રોડ પર રહેતાં પોતાના માતા જ્યોતિબેન કિશોરભાઇ વાઘેલાના ઘરે જવા નીકળ્યા હતાં. ત્યારે પરશુરામ ચોકડી પાસે આઇસર નં. જીજે૩એઝેડ-૬૨૭૧ના ચાલકે ઠોકરે ચડાવતાં તેણી ફંગોળાઇ ગયા હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે આઇસર પર પલ્ટી મારી ગયું હતું. દિવ્યાબેનને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ ત્યાં તેણીએ દમ તોડી દીધો હતો.

બનાવ અંગે યુનિવસ્ર્ટિીના પીએસઆઇ પી.એ. ગોહેલે મૃતકના પતિ સુનિલભાઇ પ્રફુલભાઇ વિઠલપરા (ઉ.૩૦)ની ફરિયાદ પરથી આઇસર ચાલક સામે ગુનો નોંધ્યો છે. સુનિલભાઇ યુનિવર્સિટી રોડ પર ધ મેન સલૂન નામે દૂકાન ધરાવે છે. સંતાનમાં એક વર્ષનો પુત્ર ક્રિશ છે. જે મા વિહોણો થઇ ગયો છે. દિવ્યાબેન માતા-પિતાના એકના એક દિકરી હતાં અને એક ભાઇથી મોટા હતાં.

(1:28 pm IST)