Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ભગવતીપરામાં ભત્રીજાને ત્‍યાં ૬ વર્ષથી રહેતાં પાકિસ્‍તાની નાગરિક વેલાભાઇ મહેશ્વરીનું મોત

બે દિવસ પહેલા મુન્‍દ્રા બીજા ભત્રીજાના ઘરે ગયા ત્‍યાં બેભાન થઇ ગયા ને દમ તોડી દીધોઃ ભારતમાં રોકાવા માટેની મુદ્દત પુરી થઇ ગઇ હતી : મુંન્‍દ્રા પોલીસને જાણ કરાઇ

રાજકોટ તા. ૨૦: ભગવતીપરામાં ભત્રીજા ભેગા છ વર્ષથી રહેતાં પાકિસ્‍તાની નાગરીક વેલાભાઇ કાયાભાઇ પાતારીયા (ઉ.૫૧) બે દિવસ પહેલા મુન્‍દ્રા બીજા ભત્રીજા લાખુભાઇને ત્‍યાં ગયા હોઇ ત્‍યાં બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું છે. ભારતમાં રોકાવા માટેની રેસિડેન્‍ટ પરમિટ ૨૦૧૬માં જ પુરી થઇ ગઇ હોઇ અને મુદ્દત વધારવા માટેની અરજી કરવામાં આવી હોઇ આ બાબતે હોસ્‍પિટલ ચોકી મારફત મુન્‍દ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મૃત્‍યુ પામનાર વેલાભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના અને અપરિણીત હતાં. ભત્રીજા બાબુભાઇ માલશીભાઇ પાતારીયાના કહેવા મુજબ તેના કાકા વેલાભાઇને નાનપણથી માનસિક તકલીફ હતી. હાલમાંછ વર્ષથી તેઓ રેસિડેન્‍ટ પરમીટ મેળવીને ભારતમાં પોતાના ઘરે રહેતાં હતાં. ૨૦૧૬માં આ પરમીટ પુરી થઇ ગઇ હોઇ તેની મુદ્દત વધારવા માટે જરૂરી અરજી અને કાર્યવાહી કરી હતી. પણ ઓનલાઇન મેસેજ આવ્‍યો ન હોઇ મુદ્દત વધારવાના કાગળોમાં સહી સિક્કા થઇ શક્‍યા નહોતાં.

વેલાભાઇને તેના બીજા ભત્રીજા લાખુભાઇ કે જે મુન્‍દ્રાના ભુજપુર ગામે રહે છે ત્‍યાં બે દિવસ પહેલા ડાડાના દર્શન કરવા માટે લઇ ગયા હતાં. પણ ગઇકાલે ત્‍યાં વેલાભાઇ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં ખસેડયા હતાં. અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. મૃતક પાકિસ્‍તાની નાગરિક હોઇ અને રેસિડેન્‍ટ પરમીટ પુરી થઇ ગઇ હોઇ આ બાબતે હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે મુન્‍દ્રા પોલીસને જાણ કરી હતી.

(12:34 pm IST)