Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મણીબા ખાચરને ૧૯ વીઘા જમીન માટે ભાણેજ દિનેશ અને જયરાજે પતાવી દીધાઃ બંને સકંજામાં

દિનેશે ભુપગઢ રોડ પર આવેલી જમીન ખેડી નાંખી'તીઃ પણ મણીબાએ પોતાની આ જમીન ગાયોને ચરાવવા આપી દીધી'તીઃ વારંવાર કહેવા છતાં જમીન વાવા આપતા નહોતાં: આથી કાસળ કાઢી નાંખ્‍યું : હડમતીયા (ગોલીડા)માં વૃધ્‍ધાની હત્‍યાનો ભેદ કલાકોમાં ઉકેલાયોઃ બે ભાણેજ દિનેશ અને જયરાજની આકરી પુછતાછ : દિનેશ જાતવડા રીઢો ગુનેગારઃ અગાઉ સરપંચના હાથપગ ભાંગી નાંખ્‍યા'તાઃ બે વાર પાસાની હવા ખાધી છે : બુધવારે રાત્રે દસેક વાગ્‍યે મણીબા ખાટલામાં બેઠા'તા ત્‍યારે દિનેશે પાછળથી ગળામાં દોરી નાંખી ફાંસો દઇ દીધોઃ સવારે ભાઇ જયરાજ સાથે મળી મહિન્‍દ્રા ગાડીમાં લાશ અને લાકડા ભરી સ્‍મશાને પહોંચી ગયા!! : બે ભાઇઓ હત્‍યા કરી નાનીમાની લાશની વિધી કરવા નીકળ્‍યા ને ત્રીજા ભાઇએ પોલીસને તથા સગાઓને ફોન કરી દીધો

રાજકોટ તા. ૨૧: સરધારના હડમતીયા (ગોલીડા) ગામમાં રહેતાં ૭૫ વર્ષના કાઠી વૃધ્‍ધા મણીબા નાનાભાઇ ખાચરની હત્‍યા કરી બારોબાર અંતિમવિધીનો પ્રયાસ કરવાના બનાવમાં આજીડેમ પોલીસે કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્‍યો છે. બે કોૈટુંબીક ભાણેજ ગોલીડાના જ દિનેશ કાથડભાઇ જાતવડા અને તેના ભાઇ જયરાજ ઉર્ફ કાળુ કાથડભાઇ જાતવડાએ નાનીમા મણીબાની ૧૯ વીઘા જમીન પચાવી પાડવા માટે હત્‍યા કર્યાની વિગતો ખુલતાં પોલીસે બંનેને સકંજામાં લીધા છે. બુધવારે રાત્રે દસેક વાગ્‍યે મણીબા ખાટલામાં બેઠા હતાં ત્‍યારે પાછળથી દિનેશે ગળામાં દોરી નાંખી ફાંસો દઇ પતાવી દીધા હતાં. બાદમાં સવારે નાના ભાઇ જયરાજ ઉર્ફ કાળુ  સાથે મળી લાશની અંતિમવિધી કરવા પહોંચી ગયો હતો. પણ આ બંનેના સગા મોટા ભાઇ ઉમેદભાઇ જાતવડાએ જ પોલીસને અને બીજા સગાને જાણ કરી દેતાં ભાંડો ફુટી ગયો હતો.

હત્‍યાના બનાવ અંગે આજીડેમ પોલીસે રાજકોટ આજી વસાહત પાસે ખોડિયારપરા-૨૬માં રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં મુળ વિછીયાના મોટા હડમતીયાના શિવકુભાઇ સાર્દુળભાઇ સોનારા (કાઠી) (ઉ.૪૦)ની ફરિયાદ પરથી હત્‍યાનો ભોગ બનનાર મણીબાના કોૈટુંબીક ભાણેજો દિનેશ કાથડભાઇ જાતવડા અને જયરાજ ઉર્ફ કાળુ કાથડભાઇ જાતવડા (રહે. બંને ગોલીડા) સામે આઇપીસી ૩૦૨, ૧૧૪, ૨૦૧ મુજબ હત્‍યા કરી પુરાવાનો નાશ કરવા પ્રયાસ કરવા સબબ ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે.

 શિવકુભાઇએ જણાવ્‍યું હતું કે મારા સસરા પીઠુભાઇના કાકી મણીબા નાનભા ખાચર ગોલીડા ગામે એકલા રહેતાં હતાં. ગુરૂવારે સવારે સાડા નવેક વાગ્‍યે મારા પત્‍નિના ફઇના દિકરા ઉમેદભાઇ કાથડભાઇ જતાવડાએ મને ફોન કરીને વાત કરી હતી કે તમારા માતાના કાકી મણીબેન ગુજરી ગયા છે, તમે ગોલીડા આવો. આવી વાત કરતાં હું અને મારા મામા ધીરૂભાઇ વીકમા બાઇક લઇને ગોલીડા પહોંચ્‍યા હતાં અને ઉમેદભાઇને ફોન કરતાં તેણે ડેમની પાળી પાસે આવવાનું કહેતાં હું ત્‍યાં ગયો હતો.

બાદમાં ઉમેદભાઇએ વાત કરી હતી કે મણીકાકીને મારા ભાઇ દિનેશે જ મારી નાંખી છે અને તે મહિન્‍દ્રાની ખુલ્લી ગાડીમાં લાશ અને લાકડા ભરી સ્‍મશાને ગયા છે. ઉમેદભાઇની આ વાત સાંભળતા જ હું અને ધીરૂભાઇ તથા ઉમેદભાઇ સ્‍મશાને ગયા હતાં. ત્‍યાં મણીબાની લાશ નનામી ઉપર પડી હતી અને યુટીલીટી ગાડીમાં લાકડા ભરેલા પડયા હતાં. ત્‍યાં પોલીસ પણ આવી ગઇ હતી. પોલીસને પણ ઉમેદભાઇએ જ જાણ કરી હતી.

ઉમેદભાઇએ વધુમાં કહ્યું હતું કે આજે સવારે સાડા સાતેક વાગ્‍યે ભાઇ દિનેશ અને કાળુએ મારા ઘર પાસે આવ્‍યા હતાં અને દિનેશે વાત કરી હતી કે મણીકાકીની ગોલીડામાં ભુપગઢ રોડ પર આવેલી ૧૯ વીધા જમીન મેં આ વર્ષે ખેડી નાંખી છે અને તે જમીન મારે વાવવી છે. આ બાબતે મેં અવાર-વનાર મણીકાકીને કહ્યું છે પરંતુ તે જમીન વાવાવ આપવાની ના પાડે છે અને બીજા કોઇને ગાયો ચરાવવા આપી દીધી છે. આ ઉપરાંત મણીકાકીના નામની જમીન અગાઉ ડૂબમાં ગઇ હતી તેના વળતરના પૈસા પણ આવ્‍યા હતાં. મણીકાકીના ભાગના ૧૦ હજાર મારી પાસે હતાં તે તેને આપવા છતાં તે લેતાં નહોતાં. આ કારણે તેની સાથે મારે અગાઉ પણ ઝઘડો થયો હતો. બુધવારે રાત્રે દસેક વાગ્‍યે મણીકાકા ફળીયામાં ખાટલા પર બેસા હતાં ત્‍યારે પાછળથી દોરી નાંખી ફાંસો દઇ મારી નાંખ્‍યા છે. તમે સગાવ્‍હાલાને ફોન કરી દ્યો નહિતર હું અને કાળુ અમારી રીતે સ્‍મશાને જઇ અંતિમવિધી કરી નાંખશું.

ઉપરોક્‍ત વાત દિનેશે તેના મોટા ભાઇ ઉમેદભાઇને કરી હતી. આ વાત ઉમેદભાઇ દ્વારા મને (ફરિયાદી)ને જાણવા મળતાં અમે સ્‍મશાને પહોંચ્‍યા હતાં ત્‍યારે મણીબાની લાશ જોવા મળી હતી. તેમના ગળા ઉપર અને હાથમાં પણ ઇજાના નિશાન હતાં. મણીબાએ પોતાની ૧૯ વીઘા જમીન દિનેશને વાવવા ન આપી ગાયોને ચરાવવા માટે આપી દેતાં તેનો ખાર રાખી દિનેશે હત્‍યા નિપજાવી નાના ભાઇ જયરાજ સાથે મળી લાશની બારોબાર અંતિમવિધીનો પ્રયાસ કર્યાનું જાણવા મળ્‍યું હતું. જેથી આ મુજબ મેં ફરિયાદ કરી છે. તેમ ફરિયાદી શિવકુભાઇએ જણાવ્‍યું હતું.

એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં પી.આઇ. પી.એન. વાઘેલા, પીએસઆઇ કે. જી. સિસોદીયા, પીએસઆઇ જી.એન. વાઘેલા, ભક્‍તિરામભાઇ, વિરેન્‍દ્રસિંહ, કનકસિંહ, મહિપાલસિંહ સહિતની ટીમ વધુ તપાસ કરે છે. બંને આરોપી પોલીસના સકંજામાં આવી ગયા હોઇ વિશેષ પુછતાછ શરૂ થઇ છે. દિનેશ અગાઉ પણ મારામારી સહિતના ગુનામાં પાસામાં જઇ આવ્‍યો છે. જો દિનેશ અને જયરાજના સગા મોટા ભાઇ ઉમેદભાઇએ પોલીસને અને બીજા સગાને જાણ ન કરી હોત તો મણીબાની લાશની બારોબાર અંતિમવિધી પણ થઇ ગઇ હોત. બંનેની વિધીવત ધરપકડ બાદ રિમાન્‍ડ માંગણીની તજવીજ થશે. આ બનાવે ગામમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

(12:17 pm IST)