Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

શુક્રવારના લીધે આશૂરાનો શોક બેવડાયો : આજે રાત્રે વિસર્જન

આજે બપોરથી ફરી ફરતા તાજીયા : ઠેર ઠેર નિયાઝ - પ્રસાદનું થતું વિતરણ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં ગઇરાતે ફરેલા તાજીયા : હિન્‍દુ - મુસ્‍લિમોએ ઉતારેલી માનતાઓ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં આજે બપોરે તાજીયાઓ જુલુસરૂપે નીકળ્‍યા છે. જેમાં હિન્‍દુ - મુસ્‍લિમ ભાઈ - બહેનોના કોમી એકતાના દર્શન જોવા મળ્‍યા હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં ગઇરાતે આખી રાત તાજીયાઓ જુલૂસ રૂપે ફર્યા હતા અને આજે બરાબર ૧૦મી મહોર્રમ શુક્રવારે આવતા આશૂરાહ' પર્વનો શોક મુસ્‍લિમોમાં બેવડાઇ ગયો છે.

જો કે સર્વત્ર તાજીયાઓ ફરીને વ્‍હેલી સવારે પોતપોતાના સ્‍થળે માતમમાં આવી ગયા હતા જે આજે શુક્રવારની ન્‍યાઝ પછી રાબેતા મુજબ બપોરે ફરી જે તે જગ્‍યાએથી ઉપડી પોતાના રૂટ ઉપર ફરશે અને રાત્રિના ૧૨ થી ૧ વાગ્‍યા સુધીમાં તમામ તાજીયાઓ વિસર્જીત થશે.

બીજી તરફ ગઇરાત્રે લતે લતે યોજાયેલી હુસેની મહેફિલો અશ્રુભેર પૂર્ણાહુતિ પામી હતી ત્‍યારે તાજીયાની સમક્ષ અનેક હિન્‍દુ - મુસ્‍લિમ ભાઇ-બહેનો માનતાઓ પૂરી કરતા નજરે પડતા કોમી એકતાના દર્શન જોવા મળ્‍યા હતા.

મહોર્રમ માસના ૯ અને ૧૦ તારીખના રોઝા અગત્‍યના હોય અનેક મુસ્‍લિમ ભાઇ-બહેનોએ કાલે અને આજે રોઝા રાખ્‍યા છે. જેના લીધે રોઝા ખોલાવવાના સાંજે જાહેર કાર્યક્રમો પણ યોજાયા હોઇ નિયાઝ - સબિલ પર ભારે વિતરણ ચાલી રહ્યુ છે.

પૈગમ્‍બર સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈનએ તેના સાથીદારો સાથે ઇરાકના રેતાળ પ્રદેશમાં ધર્મની કાજે આપેલી આહૂતિની સ્‍મૃતિમાં કરબલાના ૭૨ શહીદોની યાદમાં મહોર્રમ માસ મનાવાઇ રહ્યો છે ત્‍યારે આજે શુક્રવારના દિને જ બરાબર ૧૦મી મહોર્રમ આશૂરા'નો પર્વ આવતા મુસ્‍લિમોનો શોક બેવડાઇ જવા પામ્‍યો છે.

અત્રે એ યાદ રહે કે કરબલાની ઘટના ઘટી ત્‍યારે ૧૦મી મહોર્રમના દિવસે પણ શુક્રવાર હતો.

(11:24 am IST)