Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

હરે કૃષ્ણ... ઈસ્કોન મંદિરે જન્માષ્ટમી મહોત્સવ

શ્રી ઈસ્કોન મંદિર, રાજકોટ દ્વારા શનિ- રવિ બે દિવસીય ધાર્મિક કાર્યક્રમો : અન્નકૂટ દર્શન- અખંડ કિર્તન- સાંસ્કૃતિક કાર્યક્રમ ગુરૂપૂજા- બ્રહ્મસંહિતાનું ગાન

રાજકોટ,તા.૨૧: ઈસ્કોન મંદિર શ્રી શ્રી રાધા- નીલમાધવ ધામમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ તા.૨૪ શનિવારનાં રોજ ઉલ્લાસભેર ઉજવવામાં આવશે. સવારે ૪:૩૦ વાગ્યે મંગળા આરતી, કિર્તન, જપયજ્ઞથી શરૂ થઈ સવારે ૮ વાગ્યે ગુરૂપૂજા, શૃંગારદર્શન, ફૂલોનાં શણગાર (ફૂલ બંગલા)નાં દર્શન થશે. ત્યારબાદ ત્રણ કલાક શ્રી કૃષ્ણ લીલાપારાયણ થશે. આખો દિવસ અન્નકૂટ દર્શન રહેશે તથા હિંડોળાનાં દર્શન પણ રહેશે. પવિત્ર ભગવન્નામ ''હરે કૃષ્ણ''નું અખંડ કીર્તન ચાલુ રહેશે.

સાંજે મંદિરનાં ભકતો કિર્તન કરશે. મંદિરનાં ભકતો તથા શ્રી પ્રહલાદ સ્કૂલ (ઈસ્કોન મંદિર દ્વારા સંચાલિત) દ્વારા નૃત્ય, નાટક વિગેરે જેવાં ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઈસ્કોન મંદિર રાજકોટનાં પ્રમુખ શ્રી વૈષ્ણવસેવાપ્રભુજી સાંજે ૭:૩૦ વાગ્યાથી ૮:૩૦ સુધી હરિકીર્તન તથા પ્રવચન આપશે. જન્માષ્ટમી સમારંભનાં મુખ્ય મહેમાન તરીકે શ્રી જશોમતિનંદન પ્રભુ (ઈસ્કોન ગુજરાત પ્રમુખ) ઉદ્બોધન કરશે. રાત્રે ૧૦:૩૦ વાગ્યે મુખ્ય મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક થશે જેની સાથે બ્રહ્મસંહિતાનું ગાન થશે તથા ત્યારબાદ આરતી તથા કીર્તન થશે.

તા.૨૫ના નંદોત્સવ ઉજવાશે. તે દિવસે ઈસ્કોનનાં સંસ્થાપકાચાર્ય શ્રી શ્રીમદ્દ એ.સી. ભકિતવેદાંત સ્વામી પ્રભુપાદજીનો જન્મોત્સવ, દિવ્ય વ્યાસપૂજા મહોત્સવ તરીકે ઉજવાશે. સવારે ૧૦થી બપોરે ૧ સુધીમાં શ્રીલ પ્રભુપાદની ગુરૂપૂજા, તેમને શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ તથા અભિષેક અને ત્યારબાદ આરતી વિગેરે કાર્યક્રમો કરવામાં આવશે. સર્વે ભકતોને ઈસ્કોન રાજકોટના પ્રમુખ શ્રી વૈષ્ણવસેવા દાસ દ્વારા આમંત્રણ અપાયું છે. સ્થળઃ ઈસ્કોન મંદિર, હરે કૃષ્ણ ભૂમિ, કણકોટ પાટીયા સામે, મોટામવા, કાલાવડ રોડ રાજકોટ મો.૯૮૯૮૫ ૫૦૧૮૫

તસ્વીરમાં ઈસ્કોન મંદિરના સેવકો સર્વશ્રી મુકુંદહરીપ્રભુ, સાક્ષીગોપાલ, બદ્રી ગોવિંદ દાસબાપુ અને સુરેશ ગુપ્તા નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી) (૩૦.૪)

 

(3:13 pm IST)