Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ગ્રીનલેન્ડ ચોકડીએ ન્યુ રીયલ જન્માષ્ટમી મેળો-ર

મધ્યમવર્ગ પણ મોજથી મહાલી શકે તેવુ આયોજન : કોઇપણ રાઇડમાં ફકત રૂ.૨૦ : રમકડા અને ખાણીપીણીના અનેક સ્ટોલ : આવકની ૧૫ ટકા રકમ સેવામાં વાપરવા આયોજકોનો નિરધાર : જન્માષ્ટમીએ મટકી ફોડનું આયોજન

રાજકોટ તા. ૨૧ : સાતમ આઠમના મેળાની રાહ જોઇને બેસી રહેલા લોકોની તૃષા સંતોષવા શહેરના સામાકાંઠે ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ ખાતે મનોરંજનના મેળાવી માહોલને ખુલ્લો મુકી દેવાયો છે.

ગઇ કાલથી ધમધમતા થયેલ 'ન્યુ રીયલ જન્માષ્ટમી મેળા-ર' ના સમગ્ર આયોજનની વિગતો પત્રકાર પરિષદમાં વર્ણવતા આયોજકોએ જણાવેલ કે તા. ૨૦ ઓગષ્ટથી તા. ૯ સપ્ટેમ્બર અનેમ કુલ ૨૦ દિવસીય આ ખાનગી લોકમેળાનું અમે આયોજન કરેલ છે.

ખાસ કરીને મધ્યમ વર્ગ મનોરંજનના દરીયામાં ધુબાકા મારી મજા લઇ શકે તે હેતુથી એન્ટ્રી ફી રૂ. ૨૦ તેમજ કોઇપણ રાઇડમાં ફકત રૂ.૨૦ નો દર નકકી કરેલ છે. જે શહેરના અન્ય મેળાઓમાં રૂ.૩૦ થી ૪૦ વસુલાઇ રહ્યા છે.

વિશાળ મેળામાં કયાંય પાણી ન ભરાય તેવી સમથળ વ્યવસ્થા કરાઇ છે. ચુસ્ત સીકયુરીટી સ્ટાફ ઉપરાંત સીસીટી કેમેરા તેમજ આગના બનાવ સામે રક્ષણ માટે ફાયર સેફટીગયુશનની પણ વ્યવસ્થા કરેલ છે.

સૌરાષ્ટ્રના ગામો ગામથી લોકો રાજકોટનો મેળો માણવા આવતા હોય છે ત્યારે આનંદ કરવાની પુરતી તક મળે તે માટે અહી નાના બાળકોથી માંડીને મોટેરાઓ ભરપૂર મનોરંજન માણી શકે તેવી અવનવી રાઇડસ ગોઠવવામાં આવી છે. રમકડાના સંખ્યાબંધ સ્ટોલ તેમજ ખાણીપીણીના સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે.

મેળાની જે કઇ આવક થશે તેમાંથી ૧૫ ટકા ભાગ સેવામાં વાપરવા આયોજકોએ નિરધાર કર્યો છે. સાતમ આઠમના દિવસોમાં પણ વૃધ્ધાશ્રમના વડીલો અને અનાથાશ્રમના બાળકો તેમજ મંદબુધ્ધીના બાળકોને મેળો વિનામુલ્યે માણવા મળે તેવી વ્યવસ્થા પણ વિચારવામાં આવી છ.ે

વધુને વધુ લોકોએ રાજકોટની ભાગોળે, ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ ખાતે આયોજીત 'ન્યુ રીયલ જન્માષ્ટમી મેળા-ર' નો ભરપુર આનંદ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે.

તસ્વીરમાં પત્રકારો સમક્ષ વિગતો વર્ણવતા આયોજકો કૌશિકભાઇ મીરાણી, હિમાંશુભાઇ અદાણી, જીતુભાઇ મજેઠીયા, ચિંતનભાઇ મજેઠીયા, રાજેન્દ્રસિંહ ચાવડા અને ટીમના સભ્યો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:42 pm IST)