Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કામનાથ મહાદેવની વાજતે ગાજતે વરણાંગી : રસની રમઝટ સાથે ભકિતગીતો ગુંજયા

રાજકોટ : અત્રેના પૌરાણિક અને આસ્થાના પ્રતિકસમા કામનાથ મહાદેવ મંદિરના ૬૯ માં પાટોત્સવ નિમિતે પરંપરાગત વરણાંગી (ફુલેકુ) યોજવામાં આવેલ. રાસની રમઝટ અને ભકિત ગીતોની સુરાવલીઓ સાથે નિજમંદિરેથી શરૂ થયેલ આ વરણાંગી રૈયાનાકા, પરાબજાર, ધર્મેન્દ્રરોડ, સાંગણવા ચોક, આશાપુરા મંદિર, કોઠારીયા નાકા, દરબારગઢ થઇ કામનાથ મંદિરે સમાપન થયેલ. આ ફુલેકા દરમિયાન જામખંભાળીયાના આંબાવાડી કલાવૃંદ તેમજ આદીવાસી ગ્રુપ અને રાસમંડળીઓને ભારે જમાવટ કરી હતી. સાંગણવા ચોકમાં બાવન બેડાનો રાસ રાખવામાં આવતા ભારે ભીડ જામી હતી. ફુલેકામાં શણગારેલ સ્કુટી, ઘોડા, બલુન, બળદ ગાડુ, સીદી બાદશાહ ગ્રુપ, ગોંડલવાળા આજયભાઇ આહીરનું રાસ મંડળ, જામવાડીલના અજયભાઇ આહીર રાસ મંડળ, ગોંડલનું અજયભાઇ આહીર રાસ મંડળ, દિલીપભાઇની સરપદડની રાસ મંડળી, હરીશભાઇ મોરણીયાની હમીપર રાસ મંડળી, લાભુભાઇની ઇશ્વરીયા રાસ મંડળી, જનરેટરની ગાડી, ડી. જે. રોનક અને ડી. જે. વિનય, જામખંભાળીયાનું આંબાવાડી કલાવૃંદ, ગડુ વેરાવળની ધૂન મંડળી, વિમલભાઇનું સંકીર્તન મડળ, કામનાથ દાદાની પાલખી, જામખંભાળીયાની ધૂન મંડળની બહેનો, ફુલની તોપ વગેરે સામેલ થયેલ. સંધ્યાકાળે આશાપુરા માતાનામ મંદિરે ૨૧૦૦ દીવાની આરતી કરવામાં આવેલ. કકકડ પરિવારના ભાઇઓ, ભોલા મહારાજ, બ્રહ્માનંદ પાઠશાળાના આચાર્ય હર્ષદભાઇ શાસ્ત્રીજી, લખનદાસ બાપુ, કામનાથ ટીમ, લતાવાસીઓ, ધર્મપ્રેમી ભાવિકોએ સેવા આપી હતી. કામનાથ મહાદેવની પાલખી માર્ગો ઉપરથી પસાર થઇ ત્યારે ઠેરઠેર ફુલડે વધામણા થયા હતા. મોટી સંખ્યામાં લોકો સાથે જોડાયા હતા. તેમ મુખ્ય ટ્રસ્ટી પ્રિયવદન શાંતિલાલ કકકડની યાદીમાં જણાવાયુ છે.

(3:33 pm IST)