Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રાજકોટમાં ઉપવાસ કરી રહેલા જુનાગઢના નિલેષ દેવાણીની તબિયત પણ રાત્રે લથડી

સારવાર હેઠળઃ લોહાણા મહાપરિષદની કાર્યશૈલી સામે ઉપવાસ શરૂ કર્યા'તા

રાજકોટ તા. ૨૧: લોહાણા મહાપરીષદની અણધડ કાર્યશૈલી સામે રાજકોટમાં શનિવારથી જુનાગઢના નિલેશભાઇ વૃંદાવનદાસ દેવાણી (ઉ.૪૨) અને બગસરાના જુના વાઘણીયાના હિરેનભાઇ રમણિકભાઇ મશરૂ (ઉ.૩૦) નામના બે રઘુવંશી યુવાનોએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું. જેમાં અન્ય યુવાનો પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતાં. ગઇકાલે હિરેનભાઇની તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. મોડી રાત્રે સવા બારેક વાગ્યે નિલેષભાઇની તબિયત પણ બગડતાં તેમને પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હિરેનભાઇ અને નિલેષભાઇએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કેઅમારી લડાઇ કોઇની સામે વ્યકિતગત નથી, પરંતુ લોહાણા મહાપરિષદ દ્વારા સર્જવામાં આવતી અવ્યવસ્થાઓ સામેની છે. ગામો ગામ નિયુકત કરાયેલા મહાજનના હોદેદારોમાંથી જે લોકો સમાજ માટે ખરેખર કોઇ કામ કરતા ન હોય તેઓને બદલીને તેમના સ્થાને સમાજ માટે દોડતા હોય તેઓની નિમણુંક કરવા અમારી મુખ્ય માંગણી છે. લોહાણા જ્ઞાતિના ગરીબ બાળકો, વિધવાઓને તેમજ વ્યાજના ચક્રમાં ફસાતા યુવાનોને મદદરૂપ બનવા કોઇ ચકકર વ્યવસ્થા કરવા આ બન્ને લડત કારોએ સૂચન કર્યુ છે. લોહાણા મહાપરિષદ દાતાઓ પાસેથી લાખો-કરોડો રૂપિયા ઉઘરાવે છે. તો આ ગરીબ મધ્યમ વર્ગના લોકો સુધી મદદ પહોંચતી કેમ નથી? તેવા સવાલો પણ ઉઠાવ્યા છે.  જુદા-જુદા ૧૦ મુદ્દા સાથે આ બંનેએ વિસ્તૃત રજૂઆત કરી હતી.

મોડી રાત્રે નિલેષભાઇને ચક્કર આવતાં અને પેટમાં દુઃખાવો ઉપડતાં સિવિલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે એ-ડિવીઝન પોલીસમાં એન્ટ્રી નોંધાવી હતી. (૧૪.૫)

(11:54 am IST)