Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રાજકોટ રહેતાં રૂષિતાબેન ગાંધીની લંડન સ્થિત પતિ વિરૂધ્ધ ત્રાસ અને દહેજધારાની ફરિયાદ

સાસુ-સસરાના પણ આરોપીમાં નામઃ પતિ ચારિત્ર્ય પર શંકા કરતોઃ રૂમમાં પુરી મારકુટઃ સાસુ-સસરા કહેતાં-તારા માવતર કંઇ વ્યવહાર કરતાં જ નથીઃ ભારત આવવા ટિકિટના પૈસા પણ માવતરેથી મંગાવવા પડતાં

રાજકોટ તા. ૨૧: હાલ રાજકોટ રહેતાં મહિલાએ લંડન સ્થિત પતિ અને રાજકોટ રહેતાં સાસુ-સસરા સામે ત્રાસ અને દહેજધારાની ફરિયાદ નોંધાવી છે.

 લંડન ખાતે સાસરૂ ધરાવતાં અને હાલ રાજકોટ ન્યુ જાગનાથ પ્લોટ યુનિક હોસ્પિટલ સામે માવતરે રહેતાં રૂષિતાબેન રક્ષિત ગાંધી (ઉ.૩૯)ની ફરિયાદ પરથી મહિલા પોલીસે લંડન નોર્બરી ગ્રોવ, મિલહિલ ખાતે રહેતાં તેણીના પતિ રક્ષિત અરવિંદભાઇ ગાંધી તથા હાલ રૈયા રોડ વિમાનગરમાં રહેતાં સાસુ સરલાબેન ગાંધી, સસરા અરવિંદભાઇ મુળજીભાઇ ગાંધી સામે આઇપીસી ૪૦૬, ૪૯૮ (ક), ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, દહેજધારાની કલમ-૩, ૪ મુજબ ગુનો નોંધ્યો છે.

રૂષિતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે  હું ૨૮/૭થી માતા-પિતાના ઘરે રહુ છું. મારા લગ્ન ૨૦૦૩માં થયા છે. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર અને એક પુત્રીની પ્રાપ્તિ થઇ છે. જેમાં વીર ૯ વર્ષનો અને આન્યા ૫ વર્ષથી છે. લગ્ન બાદ અમે સંયુકત કુટુંબમાં રહ્યા હતાં. એ પછી પતિ, સાસુ, સસરાએ શારીરિક માનસિક ત્રાસ શરૂ કર્યો હતો. ૨૦૦૪માં પતિ લંડન ગયેલા અને તેના એક મહિના પછી હું પણ ત્યાં ગઇ હતી. સાસુ સસરા પણ પાછળથી ત્યાં રહેવા આવ્યા હતાં. તે એવુ કહેતાં હતાં કે તારા માવતર પક્ષ તરફથી વ્યવહાર ઓછા છે, કોઇ વ્યવહાર કરતાં જ નથી. પતિ ચારિત્ર્ય પર શંકા કરવા માંડ્યો હતો અને બધાને સોનાની વસ્તુ ચડાવવા માંગણી કરતો હતો. પતિ-સસરા રૂમમાં પુરીને મારકુટ કરતાં હતાં.

લંડનમાં પતિએ એવું પણ કહી દીધું હતું કે તારે તારા મમ્મી-પપ્પા સાથે કોઇ સંબંધ રાખવાનો નથી. ફોન પર વાતચીત પણ કરવા દેતા નહિ. હું છુપાઇને વાત કરું તો તે રેકોર્ડ કરી લેતાં અને ખબર પડતાં માર મારતાં હતાં. મારા સંતાનોને પણ મારકુટ થવા માંડી હતી. જ્યારે પણ મારે ઇન્ડિયા આવવું હોય ત્યારે ટિકિટના પૈસા મારા માવતરેથી મંગાવવા પડતાં હતાં. હું લંડનમાં જોબ કરતી તેના પૈસા આવતાં તે પણ પતિ લઇ લેતો હતો. મેં ૧૪ વર્ષથી ભેગા કરેલા પૈસા પતિએ લઇ લીધા છે. તેમજ મારા ઘરેણા પણ રાખી લીધા છે.

ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી અપાય છે અને જો ફરિયાદ ન ખેંચે તો પતિ પાસપોર્ટ, ઘરેણા, આધાર કાર્ડ, પાનકાર્ડ લઇ લંડન જતો રહેશે તેવી પણ ધમકી આપે છે. તેમ ફરિયાદમાં જણાવાયું છે. મહિલા પોલીસમાં અરજી કરતાં ત્યાં બધાને બોલાવતાં ત્યાંથી બહાર નીકળ્યા બાદ પણ ગાળો દઇ ધમકી આપી હતી. તેમ ફરિયાદમાં જણાવાતાં પીએસઆઇ એને. એસ. સવનિયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)