Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કોઠારીયા આજીડેમ પાસેથી પકડાયેલ ઇંગ્લીશ દારૂના ગુનામાં આરોપીના આગોતરા જામીન રદ

આરોપી બનાવ બાદ નાસતો ફરે છેઃ જામીન આપી શકાય નહિં

રાજકોટ તા. ર૧: અહીંના આજીડેમ કોઠારીયા ગામ પાસેથી બોલેરો ગાડીમાંથી ઇંગ્લીશ દારૂ મળી આવતાં પોલીસે પ્રોહિબીશન એકટ અન્વયેનો ગુનો દાખલ કરેલ હતો. આ ગુનામાં નાસતા ફરતાં આરોપી ટ્રાવેલીંગના ધંધાર્થી મયુર બળવંતભાઇ બગથરીયાએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી પી. એન. દવે એ નકારી કાઢી હતી.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, તા. ર૯-૧-ર૦નાં રોજ કોઠારીયા ગામ પાસેના આજીડેમ નજીક ૧ર૦૦ બોટલ ઇંગ્લીશ દારૂ સાથે પોલીસે બોલેરો ગાડી પકડી પાડી હતી અને ગાડીનો ડ્રાઇવર પોલીસને જોઇને ગાડી રેઢી મુકીને નાસી ગયો હતો.

આ બનાવ અંગે પોલીસે પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમ્યાન હાલના આરોપી મયુર બળવંત બગથરીયાનું નામ ખુલતાં પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરતાં આરોપી નાસતો ફરતો હોય આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ સમીર ખીરાએ રજુઆત કરેલ કે, આરોપી છેલ્લા છએક માસથી નાસતો ફરે છે. દારૂના ગુનાઓમાં સંડોવાયેલ છે. તેથી તેને જો આગોતરા જામીન ઉપર છોડવામાં આવશે તો ફરી. આ પ્રકારનાં ગુનાઓ કરે તેમ હોય તેની આગોતરા અરજી રદ કરવી જોઇએ ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી.એસ. જજ શ્રી પી. એન. દવેએ આરોપીની આગલોતરા જામીન અરજી રદ કરવી જોઇએ. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી સમીર એમ. ખીરા રોકાયા હતાં.

(2:44 pm IST)