Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

જયાપાર્વતીના જાગરણની રાત્રે બાઈક અથડાયા બાદ યુવાનની હત્‍યાના ફરાર આરોપીને ઝડપી લેતી પોલીસ : રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

રાજકોટ: શહેરમાં જયાપાર્વતીની મોડીરાત્રે નાણાવટી ચોક નજીક એક યુવાનની છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે મામલે હત્યામા સંડોવાયેલા 4 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. નાણાવટી ચોક નજીક બાઇક અથડાવવા જેવી સામાન્ય બાબતે આકાશ ભગવાનજી રાઠોડ નામના યુવાનને ચાર ઈસમોએ મોતને ઘાટ ઉતાર્યો હતો.

રંગીલા રાજકોટમાં જયાપાર્વતીના જાગરણના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આકાશ રાઠોડ નામના યુવાનની વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતે 4 ઈસમો દ્વારા છરીના ઘા મારીને હત્યા નિપજાવામાં આવી હતી. જેને લઈને શહેરની ગાંધીગ્રામ પોલીસે 4 ઇસમોની શોધખોળ હાથ ધરી હતી.

આ 4 ઈસમો જામનગર રોડ પરથી ઝડપાયા છે. ઇસમોની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આકાશ રાઠોડ નામના યુવાન સાથે પ્રથમ વાહન અથડાવવા બાબતે બોલાચાલી થતા મુખ્ય આરોપી સેજાદ ઉર્ફ નવાબ સુલતાનભાઈ જલવાણી નામના યુવાને આકાશને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

જ્યારે તેની સાથે રહેલા વિનય ઉર્ફ મુસ્તાન રાજુભાઇ ઉકેડીયા, અંકિત રાજુભાઇ અજલાણી, ફેજલ રાજુભાઇ અજલાણી નામના 3 આરોપીઓને આકાશને પકડી રાખ્યો હતો. હાલ પોલીસે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

પોલીસે આરોપી પાસેથી મુદામાલની છરી તથા બે મોટર સાઈકલ તથા હત્યાના બનાવ વખતે પહેરેલ કપડાં કબ્જે કર્યા છે.

બનાવ બાદ આરોપીને ઝડપી લેવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ઈન્‍ચાર્જ સંયુકત નાયબ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરીઅે સુચના આપતા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા, મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દીયોરા તથા અેસ.ડી પટેલના માર્ગદર્શન હેઠળ અેસ.સી.અેસ.ટીના સેલના પોલીસ ઈન્સપેક્ટર વી.વી.ઓડેદરાઅે આરોપીને વોચ ગોઠવી ઝડપી લીધા હતાં.

(5:24 pm IST)