Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ખોખડદડ-પડવલાના રસ્તે અને લાલપરીથી વડાળીના રસ્તે સૌની યોજનાનની પાઇપલાઇનમાં તોડફોડ મામલે બે ગુના નોંધાયાઃ આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટઃ પાંચ દિવસમાં બે વખત ખોખડદડથી પડવલા જવાના રસ્તે તથા લાપાસરી ગામના ડેમથી વડાળી જવાના રસ્તા પરની ગુજરાત સરકારની સૌની યોજનાની ફેસ-૨ લિંક-૩ પેકેજ-૫ અંતર્ગત આવેલી પાઇપલાઇન ચેઇન-૧૦૪ (કિ.મી.) તથા ચેઇન-૧૦૮ (કિ.મી.)ની પાઇપ લાઇનના વાલ્વ તોડી સરકારી મિલ્કતને નુકસાન કરવામાં આવતાં ભરપુર માત્રામાં પાણી વેડફાઇ ગયું હતું. આ પાઇપ લાઇનમાં તોડફોડ કરનારા અજાણ્યા શખ્સો સામે ફોજદારી દાખલ કરાવવામાં આવી છે.

આજીડેમ પોલીસે મુળ તમિલનાડુ તિરૂણવેલીના અને હાલ રાજકોટ કસ્તુરબાધામ ત્રંબામાં રહેતાં મેઘા એન્જીનિયરીંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્ર્કચર લિ. નામની કંપનીના સિનીયર એન્જિનીયર કનગરાજ ચેલપ્પા (ઉ.૩૩)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ધી પ્રિવેન્શન ઓફ ડેમેજ એન્ડ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ-૩ મુજબ બે ગુના દાખલ કર્યા છે.

૧૭/૭ના સવારે સાડા દસેક વાગ્યે ખોખડદડ પડવલા રોડ પરની લાઇનના વાલ્વમાં તથા ૨૦/૭ના સવારે સાડા નવેક વાગ્યે લાપાસરીથી વડાળીના રસ્તા તરફથી લાઇનના વાલ્વમાં તોડફોડ કરી પાણીનો વ્યવય કરવામાં આવ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પાઇપલાઇન રિપેરીંગની કામગીરીમાં બધા રોકાયા હોઇ જેથી ફરિયાદ નોંધાવવામાં મોડુ થયાનું ફરિયાદમાં જણાવાયું છે. પીએસઆઇ આર. વી. કડછા અને એએસઆઇ આર. જે. જાડેજાએ તપાસ શરૂ કરી છે.

(11:50 am IST)