Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

કેવડીયા કોલોનીના પ્રવાસે ગયેલા વોર્ડ નં. ૯ના મહિલા ભાજપ ઉપપ્રમુખ અનસુયાબેન વાછાણીનું ડુબી જતાં મોત

આદિતેશ્વર મહાદેવ મંદિર પાસે ઉભા હતાં ત્યારે ચક્કર આવ્યા ને પાણીમાં પડી જતાં તણાઇ ગયાઃ ગઇકાલે કડવા પાટીદાર સમાજના પચાસથી વધુ મહિલાઓ બસ બાંધી ગત રાત્રે પ્રવાસમાં ગયા હતાં: સવારે ઘટના બનતાં ગમગીની

રાજકોટ તા. ૨૦: સાધુ વાસવાણી રોડ પર રહેતાં અને વોર્ડ નં. ૯ના ભાજપના મહિલા ઉપપ્રમુખ ૬૫ વર્ષિય અનસુયાબેન રતિભાઇ વાછાણીનું કેવડીયા કોલોનીના પ્રવાસમાં આદિતેશ્વર મહાદેવ મંદિર પાસે ડૂબી જતાં મોત નિપજતાં પ્રવાસની ખુશી શોકમાં પરિણમી હતી. બનાવની જાણ થતાં સ્વજનોમાં અને વિસ્તારમાં શોક છવાઇ ગયો હતો. કુલ પંચાવન જેટલા કડવા પટેલ મહિલાઓ બસ બાંધીને ગત રાત્રે કેવડીયા કોલોનીના પ્રવાસે રવાના થયા હતાં અને આજે સવારે આ ઘટના બની હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સાધુ વાસવાણી રોડ પર જનકપુરી સોસાયટીમાં રહેતાં અને શહેરના વોર્ડ નં. ૯ના ભાજપના ઉપપ્રમુખ પદે રહેલા અનસુયાબેન રતિભાઇ  વાછાણી તથા અન્ય મહિલાઓ મળી કુલ પપ મહિલાઓ શુક્રવારે રાતે બસ ભાડે કરી કેવડીયા કોલોનીના પ્રવાસે ગયા હતાં. બે પુરૂષ વડીલ પણ સાથે હતાં. આજે સવારે બધા કેવડીયાના આદિતેશ્વર મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતાં. અહિ પાણીના કાંઠા પાસે અનસુયાબેન ઉભા હતાં ત્યારે અચાનક ચક્કર આવી જતાં બેલેન્સ ગુમાવ્યું હતું અને પાણીમાં પડી જતાં વ્હેણમાં તણાઇ ગયા હતાં.

ત્યાં પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં હોઇ તુર્ત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. ૧૦૮ પણ બોલાવી લેવાઇ હતી. જો કે કમનસિબે અનસુયાબેનનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. બનાવની જાણ રાજકોટ ભાજપ આગેવાનોને થતાં તાકીદે પોસ્ટ મોર્ટમ અને મૃતદેહને રાજકોટ પહોંચાડવા સુધીની વ્યવસ્થા કરાવાઇ હતી. સાંજે મૃતદેહ રાજકોટ પહોંચશે.

મૃત્યુ પામનાર અનસુયાબેન વાછાણીને સંતાનમાં બે પુત્રો છે. પતિ રતિભાઇ વાછાણીને ઇન્દીરા સર્કલ પાસે રૂદ્ર ડિઝીટલ કલરલેબ છે. અનસુયાબેન વોર્ડ નં. ૯માં વર્ષોથી ભાજપ કાર્યકર તરીકે સક્રિય હતાં અને વિસ્તારના પ્રશ્નો બાબતે સતત કાર્યશીલ રહ્યા હતાં. ઘટનાની જાણ થતાં વિસ્તારના રહેવાસીઓ અને અન્ય કાર્યકરોમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી. પ્રવાસ ટુંકાવી તમામ મહિલાઓ રાજકોટ આવવા રવાના થઇ ગયા હતાં. અનસુયાબેનના નિષ્પ્રાણ દેહને ખાસ એમ્બ્યુલન્સ મારફત રાજકોટ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાંજે અનસુયાબેન વાછાણીના નિવાસસ્થાને જશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે વિવિધ પ્રોજેકટના લોકાપર્ણ અને ખાતમુહુર્ત માટે રાજકોટમાં હોઇ તેમને બનાવની જાણ થતાં શોક વ્યકત કર્યો હતો અને તેઓ સાંજે અનસુયાબેન વાછાણીના નિવાસ સ્થાને જશે તેમ જાણવા મળ્યું છે.

(3:42 pm IST)
  • રાજકોટમાં સાંજે પ વાગ્‍યાથી ૭ સુધીમાં : 2 ઈંચ વરસાદ ખાબકયો access_time 8:28 pm IST

  • લીંબડીમાં સવારથી ધોધમાર વરસાદ અમરેલીના કુંકાવાવમા વરસાદના પ્રારંભથી લોકો ઝુમી ઉઠયા. access_time 1:10 pm IST

  • રાજકોટ થી જૂનાગઢ વચ્ચે ધોધમાર ભારે વરસાદ ચાલુ : સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદ પડી રહયા અહેવાલો : આ લખાય છે ત્યારે સવારના 8 વાગ્યાથી રાજકોટ ની ભાગોળે રિબડાથી ગોંડલ, જેતપુર અને ઠેઠ જૂનાગઢ સુધી જોરદાર વરસાદ ચાલુ છે : જૂનાગઢમાં અત્યારે વીજળીના કડક ભડાકા સાથે વરસાદ રીતસર તૂટી પડ્યો છે : જૂનાગઢ જઇ રહેલા રાજકોટના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનીષ રાડિયા અને શૈલેષ ડાંગરે જણાવ્યું હતું કે રિબડાથી આગળ ઠેઠ જેતપુર અને તેથી આગળ અતિ ભારે વરસાદ ચાલુ છે : સામે કાઈ દેખાય નહિ તેવો ભારે વરસાદ પડી રહ્યો છે : જૂનાગઢમાં પણ વરસાદ ધોધમાર પડી રહ્યો હોય, આજે જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન ઉપર ભારે અસર પડે તેવી પૂરી સંભાવના છે access_time 5:05 pm IST