Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

શિક્ષણને આત્મસાત કરતા તનુજા રક્ષિત કલોલા

જીતના કઠીન સંઘર્ષ હોગા... જીત ઉતની હી શાનદાર હોગીઃ બાળકો, પતિદેવ, સાસુ-સસરા તેમજ દાદાજીની સંભાળ છતાં તમામ ગૃહકાર્યો આપમેળે પુર્ણ કરી શાળા-કોલેજો, ટયુશન વગર ઘર બેઠા જ શિક્ષણ ક્ષેત્રની સર્વોચ્ચ પદવી હાંસીલ કરી... અધ્યાપક બનવાની તિવ્ર ઇચ્છા

રાજકોટ : 'અકિલા' કાર્યાલય ખાતે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે તનુજાબેન કલોલા, ધારાશાસ્ત્રી રક્ષિતભાઈ કલોલા અને પત્રકાર ઋષિ દવે નજરે પડે છે. નીચેની તસ્વીરમાં તનુજાબેનની સફળ શિક્ષણ યાત્રાના માર્ગદર્શક દાદાજી પરસોતમભાઈ કલોલા, વસંતભાઈ કલોલા, પ્રતિમાબેન કલોલા, રક્ષિતભાઈ કલોલા, સુપુત્રો ચિ. દેવાંશ અને ચિ. આદિત્ય નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

રાજકોટ, તા., ર૧: સફળતાની જેમ શિક્ષણ પામવા કોઇ સીમાડા નથી હોતા. તેમા માત્ર તિવ્ર ઇચ્છા જ અને કઠોર પરીશ્રમ સફળતારૂપી ચાવી છે. તેથી જ સફળતાની ટોચે રહેલા પ્રતિભા સંપન્ન વિભુતીઓ નશીબદારની વ્યાખ્યા વર્ણાવે છે કે જે વ્યકિતએ આખો દિવસ અને રાત મહેનત કરી છે જ્ઞાનના ગ્રંથો વાંચ્યા છે સખત પરીશ્રમ કર્યો છે તકલીફોમાં પણ આગળ વધ્યા આત્મવિશ્વાસની સાથે તન અને મનને ધ્યાનમાં રાખી સતત કાર્ય કરે અને સફળ થાય તેને લોકો નસીબદાર કહે છે.

રાજકોટના જ ગૃહીણી જાણીતા સરકારી વકીલ અને કાયદા તજજ્ઞ તરીકે ખ્યાતી પ્રાપ્ત રક્ષિત કલોલાના ધર્મપત્ની તનુજા કલોલાએ આત્મવિશ્વાસ ઉત્સાહ ઉમંગ થકી સમગ્ર પરિવારની હુંફથી શિક્ષણ ક્ષેત્રે સર્વોચ્ચ ડીગ્રી હાંસલ કરી ખરા અર્થમાં શિક્ષણને આત્મસાત કર્યુ છે.

રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી રક્ષીત કલોલાના શુભલગ્ન તનુજા સાથે થયા છે. લગ્ન પહેલા તનુજા કલોલાએ માત્ર ધો. ૧૦ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. નાનપણથી જ તેજસ્વી તનુજા કલોલાએ લગ્ન બાદ ખુબ મહેનત કરીને પીએચડી અને નેટની પરીક્ષામાં જવલંત સફળતા મેળવી અનેક ગૃહીણીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

તનુજા કલોલાએ ૧૯૯૩માં ધો.૧૦માં ૭૦ ટકા મેળવ્યા હતા. બાદમાં લગ્નજીવનના દોઢ દાયકા બાદ ફરી તનુજાને શિક્ષણ મેળવવાની અદમ્ય ઇચ્છા થઇ આ ઇચ્છાને મુર્તિમંત કરવા એક માત્ર સખત પરીશ્રમને સફળતાની સીડી ગણી પરીવારના જતન સાથે છેલ્લા ૧૧ વર્ષમાં જીપીએસસી ટોપ-૧૦માં સ્થાન મેળવી શિક્ષણ ક્ષેત્રે નર્વો કિર્તીમાન સ્થાપ્યો છે.

ગૃહીણીઓ માટે પ્રેરણારૂપ બનેલ તનુજા રક્ષીતભાઇ કલોલાની શૈક્ષણીક સિધ્ધીમાં ડોકીયુ કરીએ તો ૧૯૯૩માં ધો.૧૦, ર૦૦૯માં ધો.૧રમાં ૮૬ ટકા, બીએ ફર્સ્ટકલાસ-ર૦૧ ર, ર૦૧પ માં એમએ ફર્સ્ટ કલાસ, જીસેટની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમે નેટ ર૦૧૭માં, ર૦૧૮માં પીએચડીની પદવી તો તાજેતરમાં જાહેર થયેલ જીપીએસસીની કસોટીમાં સમગ્ર ગુજરાત રાજયમાં ટોપ-ટેનમાં તનુજાબેન સ્થાન પામ્યા છે.

આજની નારીનો સામાન્ય રીતે લગ્ન બાદ ગૃહ કાર્ય અને પરિવારની સાર-સંભાળમાં જ મોટા ભાગનો સમય પસાર થતો હોય છે. લગ્ન બાદ પરીવારોની જવાબદારી અન્ય સામાજીક આર્થિક સ્થિતિને કારણે અનેક બહેનો આગળ અભ્યાસ છોડી દેતા હોય છે. આ સંજોગોમાં તનુજાબેન રક્ષીતભાઇ કલોલાએ નવો રાહ અપનાવ્યો હતો. ઘરમાં દિકરા  ચિ.દેવાંશ, ચિ.આદિત્ય, પતિદેવ, સાસુ, સસરા અને વયોવૃધ્ધ દાદાજીની સંભાળ તેમજ ઘરના તમામ કાર્યો જાતે કરી સમય મળ્યે શિક્ષણ કાર્ય અપનાવી લેતા.

જીપીએસસીની કઠીન કસોટીમાં ટોપ ટેનમાં સ્થાન પામનાર તનુજાબેન રક્ષીતભાઇ કલોલાએ મેળવેલી ડીગ્રી અને ખરા શિક્ષણની સફળતા વર્ણવતા કહે છે કે ગૃહકાર્ય પુર્ણ કરી રાત્રે બે વાગ્યા સુધી લેખન-વાંચન ખુબ ખંતથી કરતી બાદમાં વહેલી પાંચ વાગ્યે ઉઠીને ફરી પાછુ બાકી રહી ગયેલુ શિક્ષણ કાર્ય પુર્ણ કરતા હતા.

પરિવારની સાર સંભાળ ઉપરાંત કઠીન ગણાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ટોપર બનનાર તનુજાબેન રક્ષીતભાઇ કલોલા કહે છે કે જે સાધન કે સુવિધા છે તેનો ઉપયોગ કરવો અને ફરીયાદને પગલે સગવડને અનુરૂપ બની કાર્ય કરવાથી ચોક્કસ પરીણામ મળે છે. માત્ર પરીણામ જ નહિ શિરમોર સફળતા પણ હાંસીલ થઇ શકે છે.  તનુજા બેને વધુમાં તેની સફળતા વર્ણવતા જણાવ્યું કે મારી તમામ પદવી મેળવવાની અને પરીક્ષામાં સફળ થવામાં મારા દિકરાઓ, પતિ, મારા સાસુ-સસરા અને દાદાજીનો ખુબ સહકાર અને આશીર્વાદ છે. તેના પ્રયાસોને કારણે જ હું આ શિક્ષણ મેળવી શકી છું. જીપીએસસીમાં ટોપર ઉર્તીણ થયા બાદ હવે અધ્યાપક તરીકેની કારકીર્દી  બનાવવાની તીવ્ર ઇચ્છા તનુજાબેને વ્યકત કરી છે. તનુજાબેન તેમના પીએચડીના માર્ગદર્શક ડો.હરેશભાઇ ઝાલાનો ખુબ સહકાર અને માર્ગદર્શન સાંપડયું હોવાનું જણાવી આભાર દર્શન વ્યકત કર્યુ છે.

ઓછુ ખાવ, રહો સ્વસ્થ પ્રાણાયામથી નવી તાજગી

રાજકોટ : ગૃહકાર્ય સાથે પરિવારની સંભાળ લઈ જીપીએસસી ટોપર બનનાર શ્રીમતી તનુજાબેન કલોલા આજે અનેક બહેનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તનુજાબેન કહે છે કે હું માત્ર એક રોટલી જ ખાઉં છું. સલાડ અને વેજીટેબલનો ઉપયોગ વધુ કરૂ છું. દરરોજ ૧૦ મિનિટ ભસ્ત્રિકા પ્રાણાયામ કરૂ છું. ઓછુ ખાવાથી વધુ સ્વસ્થ રહી શકાય છે તેમાંય પ્રાણાયામથી નવી તાજગી અનુભવાય છે.

જીપીએસસીની તમામ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શકઃ માત્ર આવડત જ લાયકાત

રાજકોટ : ગુજરાત રાજયમાં સરકારી ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષાનું સંચાલન કરતુ ગુજરાત પબ્લીક સર્વિસ બોર્ડની તમામ કાર્યવાહી પારદર્શક હોવાનું તનુજાબેન કલોલાએ જણાવી રાજય સરકારના કાર્યની ભારે પ્રશંસા કરી છે. તનુજાબેને જણાવ્યુ હતું કે જીપીએસસીમાં લાયકાતમાં લાગવગ હોવાની માન્યતા ખોટી છે. ત્યાં તમામ કાર્યવાહી સંપૂર્ણ પારદર્શક રીતે થાય છે. જીપીએસસીમાં ઈન્ટરવ્યુ વખતે કે પરીક્ષા સમયે અધિકારીઓ ખૂબ સૌજન્યપૂર્ણ વ્યવહાર કરે છે. ભરતી માટે ઈન્ટરવ્યુ સમયે એકસપર્ટોના નામના ડ્રો થાય છે. કોઈ લાગવગને અવકાશ રહેતુ નથી, માત્ર આવડત જ લાયકાત જીપીએસસીમાં બને છે. ગુજરાતમાં હવે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માટે કોઈ કસોટી અવરોધરૂપ નહિં હોય.

ટીવી, મોબાઈલના રસીયાઓ માટે લાલબત્તી...

શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી કારકિર્દી માટે ટીવીની સાથે મોબાઈલને પણ તિલાંજલી

રાજકોટ, તા. ૨૧ : આજનો યુવાવર્ગ તો દૂરની વાત છે, પરંતુ બાળકો, કિશોરો, મોટાભાગે મોબાઈલમાં ગેમ, વિડીયો, ગીત સહિતની ચુંબકીય આદતથી ઓતપ્રોત હોય છે. ત્યારે કહેવાય છે ને કે 'સામને હો મંઝીલ તો રાસ્તા ન મોડના, જો મન મેં હો વો ખ્વાબ ના તોડના, હર કદમ પે મિલેગી કામયાબી..... બસ સિતારે છૂને કે લીયે કભી જમીન ન છોડના...'

વિદ્યાર્થીકાળમાં જો શિક્ષણક્ષેત્રે તેજસ્વી કારકિર્દી ઘડવી હોય તો કેટલીક મનોરંજક બાબતોને તિલાંજલી આપવી જરૂરી છે. ટૂંકાગાળામાં શિક્ષણક્ષેત્રે અપૂર્વ સફળતા હાંસલ કરનાર તનુજાબેન રક્ષિતભાઈ કલોલાએ તો છેલ્લા ૧૫ વર્ષથી ટીવીને જ તિલાંજલી આપી દીધી છે. સામાન્ય રીતે ઘરમાં ધારાવાહિકોની સિરીયલો અવિરત ચાલુ જ હોય છે. જે મોટાભાગે બહેનો નિહાળતા હોય છે, પરંતુ શિક્ષણક્ષેત્રે સર્વોચ્ચ પદ પામવા ઉત્સુક તનુજાબેને ટીવીને દોઢ દાયકા સુધી તિલાંજલી આપી છે અને આધુનિક જમાનામાં મોબાઈલ ઉપકર્ણ જરૂરીયાત બની ગઈ છે, છતાં મોબાઈલ પણ ૧૨ વર્ષ સુધી ઉપયોગમાં લીધો નથી. તનુજાબેને ટીવી અને મોબાઈલને છોડીને અનેક સફળતાઓ હાંસલ કરી છે.

વુમન આઈકોન તનુજા કલોલાનું માર્ગદર્શન

રાજકોટ : સામાન્ય રીતે ગૃહિણી ગૃહકાર્ય પૂરતા જ સિમીત હોય છે ત્યારે ગૃહકાર્યને સંપૂર્ણપણે ન્યાય આપી અનેક પદવી મેળવનાર તનુજાબેન કલોલા આજે અનેક બહેનો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. શિક્ષણક્ષેત્રે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન માટે સાંજે ૫ થી ૭ દરમિયાન મો.૯૪૦૮૬ ૧૧૫૫૫ ઉપર સંપર્ક કરી શકાશે.

લગ્ન પહેલા પરિવારમાં સૌથી ઓછું અને બાદમાં સૌથી વધુ શિક્ષણ

રાજકોટ : બહેનો માટે પ્રેરણારૂપ બની ચૂકેલા તનુજાબેન રક્ષિતભાઈ કલોલાની શિક્ષણક્ષેત્રે સંઘર્ષગાથા કંઈક અલગ જ છે. તનુજાબેન લગ્ન પહેલા માત્ર ધો.૧૦ પાસ હતા, પરંતુ સાસરીયામાં સૌ કોઈ એજ્યુકેટેડ હતા. પરિણામે મનમાં ઓછું શિક્ષણ ખૂંચતું હતું તેથી મક્કમ નિર્ણય કરી ઉત્સાહ, ઉમંગ સાથે શિક્ષણક્ષેત્રે વધુ અભ્યાસ કરવાનું નક્કી કરેલ. ૧૯૯૩ બાદ ૨૦૦૯માં તનુજાબેને ધો.૧૨ સાયન્સની પરીક્ષા આપી જેમાં ૮૬% સાથે જવલંત સફળતા હાંસલ કરેલ. બાદમાં ૨૦૧૨માં બીએ (બેચલર ઓફ આર્ટ્સ) ગ્રેજ્યુએશન પૂર્ણ કરી આટ્ર્સ વિદ્યાશાખામાં માસ્ટર ડીગ્રી ૨૦૧૨માં પણ ફર્સ્ટ કલાસ માર્ક સાથે સંપન્ન કરેલ. ધો. ૧૨ બીએ, એમએ બાદ આત્મવિશ્વાસમાં ખૂબ વૃદ્ધિ થતાં જી-શેટની ૨૦૧૬માં લેવાયેલ પરીક્ષામાં તનુજાબેન રક્ષિતભાઈ કલોલા સમગ્ર ગુજરાત રાજયમાં ફર્સ્ટ રહ્યા હતા. બાદમાં વ્યાખ્યાતાની લાયકાત માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા લેવાતી નેશનલ ઈલેજીબીલીટી ટેસ્ટ ફોર આસીસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષામાં તનુજાબેને ૨૦૧૭માં પણ ઉચ્ચ ગુણે સફળ રહ્યા હતા. બાદમાં ડોકટરેટની પદવીવાળી પીએચડીની એન્ટ્રેન્સ ટેસ્ટમાં તનુજાબેન રક્ષિતભાઈ કલોલા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફર્સ્ટ રહ્યા હતા. હાલ તાજેતરમાં જ જાહેર થયેલ અધ્યાપક માટેની જીપીએસસીની પરીક્ષામાં પણ તનુજાબેને સમગ્ર ગુજરાત રાજયમાં ટોપ ૧૦માં મોખરાનું સ્થાન હાંસલ કર્યુ છે.

તનુજાબેનનું શિક્ષિત પરિવારમાં લગ્ન પહેલા સૌથી ઓછુ શિક્ષણ હતું, પરંતુ શિક્ષણ ક્ષેત્રની સર્વોચ્ચ પદવી મેળવી સમગ્ર કલોલા પરીવારમાં સૌથી વધુ અભ્યાસ કરી કલોલા પરિવાર અને બચાણી પરિવારનું ગૌરવ આસમાને પહોંચાડ્યુ છે.

(4:12 pm IST)