Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જગ્યા રોકાણ ત્રાટકયું

પરાબજાર-ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાંથી રેકડી-પાથરણાના દબાણો દૂરઃ ફેરિયાઓમાં દોડધામ મચી

ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે સીસીટીવી કેમેરાના આધારે દબાણો દૂર કરવા સૂચનાઓ આપી હતી

બજારોના રસ્તા ખુલ્લાઃ દબાણો દૂરઃ આજે ધર્મેન્દ્ર રોડ સહિતના બજાર વિસ્તારોમાં રસ્તા પરથી ગેરકાયદે દબાણો દૂર કરવા ઝુંબેશ હાથ ધરાયેલ તે વખતની તસ્વીરમાં એસ્ટેટ ઓફિસર બી.બી. જાડેજા, એસ્ટેટ ઈન્સ્પેકટર નયનભાઈ વગેરે દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

રાજકોટ, તા. ૨૧ :. શહેરની મુખ્ય બજારોમાં રેકડી-પાથરણાવાળાઓનું બેફામ દબાણ હોવાની ફરીયાદ ગઈકાલે વેપારીઓ દ્વારા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડને કરાઈ હતી. જે અનુસંધાને તેઓએ ગઈકાલે સીસીટીવી કેમેરા મારફત રસ્તા પરના દબાણોનું ચેકીંગ કરાવી અને આજથી બજાર વિસ્તારમાં જોરશોરથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાવી હતી. પરિણામે આજે સવારે પરાબજરા, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં રેકડીધારકો અને ફેરિયાઓમાં દોડધામ મચી ગઈ હતી.

 આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે જગ્યા રોકાણ વિભાગનો કાફલો પરાબજાર, દાણાપીઠ, જ્યુબેલી શાકમાર્કેટ, રૈયાનાકા ટાવર, સોનીબજાર, ધર્મેન્દ્ર રોડ સહિતની મુખ્ય બજારોમાં ફરી વળ્યો હતો અને રસ્તા પરથી સાઈન બોર્ડ અન્ય ચીજવસ્તુઓ તથા પાથરણા અને રેકડીના દબાણો જપ્ત કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

આમ બજારોમાં જગ્યા રોકાણ વિભાગ ત્રાટકતા જ રેકડીધારકો અને ફરીયાઓમાં દોડધામ મચી ગયેલ અને મુખ્ય બજારોમાંથી શેરી-ગલીમાં ફરીયાઓ દોડી ગયા હતા. આથી બજારના મુખ્ય રસ્તાઓ ઉપરથી ખાંડ બે થી ત્રણ રેકડીઓ અને પરચુરણ સામાન જપ્ત થયો હતો.

આ કાર્યવાહી એસ્ટેટ ઓફિસર બી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જગ્યા રોકાણ ઈન્સ્પેકટરોએ હાથ ધરી હતી. જ્યારે ડીવાયએસપી શ્રી ઝાલાના માર્ગદર્શન હેઠળ વિજીલન્સ પોલીસનો બંદોબસ્ત સાથે રહ્યો હતો.(૨-૨૦)

(4:08 pm IST)