Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

આજ જાને કી જીદ ન કરો

અદ્દભૂત લવસ્ટોરી ધરાવતુ મુંબઈનું ગુજરાતી નાટકનો શુક્રવારે રાજકોટ ખાતે શોઃ પોલીસમેન અને રૂપજીવીની લવસ્ટોરી અને સર્જાય છે અનેક ઘટનાઓ... ન ચૂકવા જેવું નાટકઃ હેમુ ગઢવી હોલ ખાતે નાટ્યરસીકો માટે અનોખો પ્રયોગ : નાટકની ટીકિટનું વેચાણ પૂરજોશમાં ચાલુ

રાજકોટ, તા. ૨૧ : શહેરમાં નાટકના સફળ પ્રયોગ સમયાંતરે થાય છે. વ્યવસાયિક ધોરણે પણ અહિં મુંબઈના નાટકો આવે અને ભજવાય છે. શનિવારે તા.૨૭મી જુલાઈએ હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટની રંગભૂમિ માટે, નાટ્યરસીકો માટે એક અનોખો અને અપૂર્વ પ્રયોગ થવા જઈ રહ્યો છે. ૧૦૨ નોટઆઉટ ફિલ્મ જેમના નાટક પરથી બની, જેમણે એમાં સ્ક્રિપ્ટ લખી એ જાણીતા - નિવડેલા ગુજરાતી નાટ્ય લેખક સૌમ્ય જોષીનું આલેખિત દિગ્દર્શિત નાટક 'આજ જાને કી જીદ ના કરો' રાજકોટમાં ભજવાશે.

શું હશે આ નાટકમાં? જોધપુરના કલાકારો દ્વારા ખાસ અંદાજમાં ગવાયેલા ટાઈટલ ટ્રેક સાથે પડદો ખુલે છે અને દર્શક પહોંચી જાય મુંબઈના લોકલ ટ્રેનના પ્લેટફોર્મ પર માંડ માંડ પકડેલી એ લાસ્ટ લોકલ ટ્રેનમાં સમાજ દ્વારા તિરસ્કૃત એક રૂપજીવીની અને અને એક પોલીસમેન મળે છે... અને એકબીજાથી સાવ જ અજાણ્યા અને તદ્દન અલગ વ્યકિતત્વ ધરાવતા એક પુરૂષ અને એક સ્ત્રીના જીવનના અતલ ઉંડા પડો ખુલે છે અને જે વાત સર્જાય છે એ છે સૌમ્ય જોષીનું વન મોર માસ્ટર પીસ - 'આજ જાને કી ઝીદ ના કરો..'

અમદાવાદ સ્થિત સૌમ્ય જોષી છેલ્લા કેટલાય વર્ષોથી માત્ર ગુજરાતી અને મુંબઈની ગુજરાતી રંગભૂમિને નહિં બલ્કે પોતાની ઓડિયન્સને પણ નવેસરથી ડિફાઈન કરવાનું કામ પ્રભાવશાળી રીતે અને છતાંયે સહજતાપૂર્વક કરી રહ્યા છે. ''વેલકમ ઝીંદગી'' અને ''૧૦૨ નોટઆઉટ'' જેવા મૌલિક, સ્તરીય અને અત્યંત સફળ થયેલા નાટકો હોય, કે ૧૦૨ નોટઆઉટ પરથી અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર અભિનિત એ જ નામે બનેલી ફિલ્મનું સ્ક્રિપ્ટ રાઈટીંગ હોય, સૌમ્યના મજબૂત અને આઉટ ઓફ ધ બોકસ થીંકીંગનો પરિચય દરેક તબક્કે જોવા મળશે.

રાજકોટમાં આ નાટકનો શો લાવી રહ્યા છે વિદેહી એન્ટરટેઈનમેન્ટના દેવલ વોરા અને આયોજનમાં ભરપૂર સહયોગ સાંપડ્યો છે ટી પોસ્ટનો. નાટકની ટીકીટનું વેચાણ પૂર જોશમાં ચાલુ હોવાનું યાદીમાં જણાવાયુ છે.(૩૭.૧૫)

(3:57 pm IST)