Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

આહીર એકતા મંચ દ્વારા ગુરૂવારે થેલી-ચકલીઘર-ચબુતરાનું વિનામુલ્યે વિતરણ

રાજકોટ તા. ૨૧ : પ્લાસ્ટીકનો વપરાશ નુકશાન કર્તા પુરવાર થઇ રહ્યો છે ત્યારે લોકો કાપડની થેલીનો ઉપયોગ કરતા બને તેવા આશયથી આહીર એકતા મંચ ગુજરાત એકમ દ્વારા તા. ૨૬ ના ગુરૂવારે રાજકોટમાં થેલી વિતરણનો કાર્યક્રમ હાથ ધરાયો છે.

આ અંગે વિગતો વર્ણવતા મંચના આગેવાનોએ જણાવેલ કે લોકોમાં જાગૃતી લાવવાના ભાગરૂપે અમે કાપડની થેલી વિતરણનો કાર્યક્રમ હાથ ધરેલ છે. સાથો સાથ પર્યાવરણલક્ષી બીજા એક કાર્યક્રમના ભાગરૂપે ચકલીઘર અને ચબુતરાનું પણ વિતરણ કરવામાં આવનાર છે.

એજ રીતે ઘર આંગણે વાવી શકાય તેવા ફુલ છોડનું પણ રાહત દરે વેંચાણ કરાશે.

ખાસ કરીને પ્રવાસન સ્થળો, પરીક્રમા, દરીયા કીનારા, નદી નાળા, શેરીઓ, પાર્ટી પ્લોટો જેવા જાહેર સ્થળોએ પ્લાસ્ટીકની થેલીઓ, બોટલો ખુલ્લેઆમ ફેંકાતા હોય ભયંકર પ્રદુષણ ફેલાય છે. લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા આહીર એકતા મંચ દ્વારા અપીલ કરાશે. ગમે ત્યાં જાવ ત્યારે સાથે થેલી અચુક સાથે રાખવા સલાહ અપાશે.

રાજકોટમાં તાજેતરમાં જ ૧૫૦ ફુટ રીંગરોડ, મવડી ચોકડી ખાતે દેવાયત બાપુની પ્રતિમાનું અનાવરણ થયુ છે. ત્યારે આ સ્થળ પણ ઉજાગર બને તેવા આશયથી થેલી વિતરણ, ચબુતરા વિતરણ અને ચકલી ઘર વિતરણ માટે આ ચોકની પસંદગી ઉતારવામાં આવી છે.

તા. ૨૬ ના ગુરૂવારે સાંજે ૬ વાગ્યે દેવાયત બાપુની પ્રતિમા, મવડી ચોકડી, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે થેલી અને ચકલી ઘર સહીતના વિતરણ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા આહીર એકતા મંચના સર્વશ્રી અર્જુન આંબલીયા, મુકેશભાઇ જોટવા, ગીતાબેન જોટવા અને વી. ડી. બાલા નજરે પડે છે. (૧૬.૩)

(3:56 pm IST)