Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

'સૂજલામ સુફલામ જળસંચય અભિયાન' આર્શીવાદરૂપ : વરસાદનું ટીપે-ટીપું ધરતીમાની ગોદમાં સંઘરાઈ રહ્યુ છે

દુષ્કાળના સંકટ બાદ હવે ભાજપ સરકારે અતિવૃષ્ટિના સંકટ સામે બાથ ભીડી છેઃ મુખ્યમંત્રી સાચા અર્થમાં પાણીદાર નેતા પુરવાર થયા છે : રાજુભાઈ ધ્રુવ

રાજકોટ, તા. ૨૧, પાણી પહેલાં પાળ બાંધી લે તે સાચો નેતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ ઉકિતને સો ટકા સાચી ઠેરવી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન, દીર્ઘદ્રષ્ટિ વાપરીને 'સુજલામ સુફલામ જળસંચય યોજના' ઘડી હતી. મોદીજીના પગલે પગલે ચાલી રહેલા રાજયના વર્તમાન મુખ્યમંત્રીશ્રીએ આ યોજના યોગ્ય સમયે, યોગ્ય રીતે કાર્યાન્વિત કરીને સાચા અર્થમાં પ્રજાભિમુખ નેતા હોવાની સાબિતી વધુ એકવખત આપી છે. ગત ઉનાળામાં નર્મદા ડેમ સહિત રાજયના મોટાભાગના જળાશયો ખાલી થઇ જતાં ગુજરાતની માથે મંડરાઈ રહેલાં ઘેરા જળસંકટના જોખમમાંથી પ્રજાને ઉગારી લેવા મુખ્યમંત્રીએ અગમચેતી વાપરી હતી. વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે હેતુથી, ચોમાસું બેસવાના બે માસ પૂર્વે રાજયભરમાં નદી, નાળાં, કૂવા, તળાવની સફાઈ તેમજ ઊંડા ઉતારવાની કામગીરી જબરદસ્ત ઝૂંબેશ તરીકે, યુધ્ધના ધોરણે શરૂ કરાવી દીધી હતી, આજે જયારે ગુજરાતની પ્રજા માથેનું જળસંકટ ટળી ગયું છે ત્યારે જળસંચય અભિયાનની કામગીરી ખરા અર્થમાં નેત્રદીપક પુરવાર થઇ છે. એકતરફ સરકારે વરસાદી જળસંચયની અભૂતપૂર્વ કામગીરી કરી દેખાડી છે તો બીજીતરફ, હાલ, અતિવૃષ્ટિના કારણે પૂરના સંકટમાં દ્યેરાયેલા લોકોને ઉગારવા અને સલામત સ્થળે ખસેડવાની બચાવ-રાહતની કામગીરી પણ સરકારે યુધ્ધના ધોરણે ઉપાડી છે લીધી છે અને તેના પર મુખ્યમંત્રીશ્રી સીધી દેખરેખ રાખી રહ્યા છે. તેમ ભાજપ પક્ષ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.

દુનિયાભરમાં મીઠા પાણીના સ્ત્રોતો ઝડપભેર ખૂટી રહ્યા છે ત્યારે આજનો સમય પાણીના એક એક ટીપાને ઈશ્વરનો પ્રસાદ ગણવાનો સમયમાં વરસાદી પાણીનો જમીનમાં મહત્ત્।મ સંગ્રહ કરવા અને ભાવિ પેઢીને જળ સમૃધ્ધિનો વારસો આપવાની સહુકોઈની જવાબદારી છે ત્યારે ગુજરાતની પાણીદાર ભાજપ સરકારે આ જવાબદારી સુપેરે નિભાવી છે. જળસંચય અભિયાનને સફળ બનાવીને લોકોએ પણ સક્ષમ અને મજબૂત સમાજ હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુજલામ સુફલામ જળસંચય મહાઅભિયાનમાં સમાજના દાતા-શ્રેષ્ઠીઓ, ધંધાર્થીઓ અને ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે આર્થિક સહયોગ આપ્યો હતો.

જળસંચય અભિયાન હેઠળ, રાજયભરમાં નદી, નાળાં, તળાવો, સરોવરો અને કૂવાઓની સફાઈ તેમજ ઊંડા ઉતારવાનો ભગીરથ પુરુષાર્થ કરવામાં આવ્યો હતો. રાજય સરકારે આ કાર્ય માટે ઉદાર હાથે નાણાકીય ફાળવણી કરી એટલું જ નહિ, ઠેકઠેકાણે ટ્રક, ટ્રેકટર, ડમ્પર, જેસીબી સહિતના જરૂરી તમામ સાધન-સરંજામ પૂરાં પાડવામાં કોઈ કસર છોડી નહોતી. આના પરિણામે, ચોમાસામાં ગુજરાતમાં ૧૧૦ કરોડ ધનફૂટથી વધુ વરસાદી પાણીનો સંગ્રહ થવાનો અંદાજ મૂકાયો હતો પરંતુ, વાસ્તવમાં એથીયે વધુ પાણી સંદ્યરાશે તેમ અત્યારે જણાઈ રહ્યું છે. પારસમણીના સ્પર્શ જેવા આ જળસંચય અભિયાન થકી ગુજરાતભરમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં દુષ્કાળ ભૂતકાળની બીના બની જશે. જળસંચય અભિયાન સાચા અર્થમાં ગુજરાતને પાણીદાર,ઙ્ગનમૂનેદાર અને શકિતશાળી રાજય બનાવવાનું અભિયાન પુરવાર થઇ રહ્યું હોવાની શ્રદ્ઘા શ્રી રાજુભાઈ ધ્રુવે વ્યકત કરી છે.

ગયા મે-જુન માસ દરમિયાન, આખા ગુજરાતમાં ૧૭,૫૦૦ જેટલાં જળસંચય કાર્યો સંપન્ન થયા હતાં. આટલા મોટા ફલક પર રાજયભરમાં જળસંચયના કાર્યો એ ખુદ એક મોટી સિદ્ઘિ છે; ફળસ્વરૂપે ગુજરાતમાં આ વખતનું ચોમાસું સાચા અર્થમાં 'સુજલામ સુફલામ' બની રહેવાનું છે. એક અંદાજ મુજબ, ગુજરાતમાં આ ચોમાસે બે કરોડ ઘનમીટર વિસ્તારમાં ૨૦૦૦ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે જે રાજયની સિકલ બદલવામાં સિંહફાળો આપશે, જેના યશના અધિકારી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સમસ્તની પ્રજા છે. તેમ શ્રી રાજુભાઈ ધ્રુવે નિવેદનના અંતમાં ઉમેર્યું છે.(૩૭.૧૮)

(3:53 pm IST)