Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

લૂંટના આરોપીએ ગાંધીગ્રામ પોલીસ મથકના પહેલા માળેથી સંડાસની બારીમાંથી ઠેકડો માર્યોઃ ભાગ્યો પણ પકડાઇ ગયો

ગયા મહિને રિક્ષાગેંગના ત્રણ શખ્સોને ગાંધીગ્રામ પોલીસે પકડ્યા તેમાં આ શખ્સનું નામ ખુલ્યું'તું: પ્ર.નગર પોલીસ પાસેથી ગત સાંજે જ કબ્જો લેવાયો'તો : અજય ઉર્ફ અજો કોળીને પોલીસ મથક નજીકથી જ હેડકોન્સ. રશ્મિનભાઇ પટેલ, એએસઆઇ ધીરૂભાઇ, કોન્સ. કનુભાઇ સહિતે દબોચી લીધોઃ જેલમાં જવું ગમતું ન હોવાથી ભાગ્યાનું રટણઃ વધુ એક ગુનાનો આરોપી બન્યો

રાજકોટ તા. ૨૧: લૂંટના ગુનામાં પકડાયેલા પોપટપરાના કોળી શખ્સની ગાંધીગ્રામ પોલીસ મથકમાં પહેલા માળે પુછતાછ થઇ રહી હતી ત્યારે તે કુદરતી હાજતે જવાના બહાને સંડાસમાં ગયા બાદ બારીના કાચ હટાવી ઠેંકડો મારી ભાગતાં દોડધામ મચી ગઇ હતી. જો કે પોલીસ મથકથી નજીકથી જ તેને દબોચી લીધો હતો. ઠેકડો મારતાં પગમાં દુઃખાવો ઉપડતાં સારવાર કરાવાઇ હતી. તેની સામે  પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવા સબબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બાબતે ગાંધીગ્રામના હેડકોન્સ. રશ્મિનભાઇ આદ્રોજાની ફરિયાદ પરથી પોપટપરા-૧૪માં ક્રિષ્ના પાર્ક સામે કાજલ પાનની બાજુમાં રહેતાં અજય ઉર્ફ અજો માનસીંગ પરસોડા (ઉ.૧૯) સામે આઇપીસી ૨૨૪, ૫૧૧ મુજબ પોલીસ કસ્ટડીમાં હતો તે વખતે કુદરતી હાજતે જવાના બહાને બાથરૂમની બારીમાંથી ભાગી જવા સબબ ગુનો દાખલ કરાયો છે.

રશ્મિનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ગાંધીગ્રામ પી.આઇ.ના રાઇટર તરીકેની ફરજ પર ૨૦મીએ પોલીસ મથકમાં હાજર હતાં. પર્સનલ રૂમમાં એેએસઆઇ ધીરૂભાઇ ગોબરભાઇ, લોકરક્ષક ભુમીબેન પ્રવિણભાઇ પણ હતાં. ગાંધીગ્રામ પોલીસે લૂંટના ગુના નં. ૯૩/૧૮ આઇપીસી ૩૯૫, ૩૪ ના કામે અજય ઉર્ફ અજો પરસોડાને  ૨૦મીએ સાંજે પોણા આઠેક વાગ્યે અટક કર્યો હતો. તેને સ્ટાફ રૂમમાં બેસાડી પુછતાછ કરવામં આવી હતી. આ વખતે તેણે પોતાને કુદરતી હાજતે જવું છે તેમ કહેતાં પોતે તેને સ્ટાફ રૂમના બાથરૂમમાં લઇ ગયા હતાં. અજય ઉર્ફ અજાએ અંદર જઇ સ્ટોપર મારી દીધી હતી. થોડીવાર બાદ કોઇએ ધૂબાકો માર્યાનો અવાજ આવતાં તપાસ  કરતાં ગ્રાઉન્ડ ફલોરમાં પાર્કિંગમાં કોન્સ. સુમિતાબેન, તંજુમબેન ઉભા હોઇ તેણે કહેલ કે આરોપીએ બારીમાંથી કુદકો માર્યો છે અને ભાગ્યો છે. આથી પોતે તેમજ એએસઆઇ ધીરૂભાઇ, કોન્સ. કનુભાઇ સહિતનાએ પીછો કર્યો હતો અને પોલીસ મથકથી આશરે ૨૦૦ મીટર દૂર આકાર એપાર્ટમેન્ટના મેદાન પાસેથી અજય ઉર્ફ અજોને પકડી લીધો હતો.

તેની પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કે જેલમાં જવું ગમતું ન હોવાથી કુદરતી હાજતનું બહાનુ કરીને પોતે બારીના કાચ કાઢીને બારીમાંથી કૂદકો મારી ભાગ્યો હતો. તેણે કૂદકો મારવાને કારણે જમણા પગમાં દુઃખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.

અજય ઉર્ફ અજાને પ્ર.નગર પોલીસે વાહન ચોરીના ગુનામાં પોલીસે પકડ્યો હતો. તે ગાંધીગ્રામ પોલીસના લૂંટના ગુનામાં પણ સામેલ હોઇ ગઇકાલે જ તેનો કબ્જો ગાંધીગ્રામ પોલીસે લીધો હતો.  ગયા મહિને ૧૫-૬ના રોજ ગાંધીગ્રામ પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડીને લૂંટતા ત્રણ શખ્સોને પકડ્યા હતાં. જેમાં સાગ્રીત તરીકે અજય ઉર્ફ અજાનું નામ ખુલ્યું હતું.  પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ અને સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:49 pm IST)