Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કલબ યુવી દ્વારા સાંજે બિઝનેશ વિંગનું લોન્ચીંગ

કડવા પાટીદારોની સંસ્થાનું નવુ કદમઃ પાટીદાર વેપારીઓને એક મંચ પર લાવવા પ્રયાસઃ રાજકોટના સ્વામીનારાયણ મંદિર : સભાગ્રહમાં પ્રેરક સમારોહઃ પૂ.અપૂર્વમુની સ્વામી 'સિક્રેટ ઓફ સકસેસ' પર પ્રવચન આપશેઃ ઓનલાઇન રજીસ્ટ્રેશન

રાજકોટ તા.૨૧: નવરાત્રી મહોત્સવ, સાંસ્કૃતિક મહોત્સવ, વિમેન્સ વિંગના અલગ-અલગ કાર્યોથી સતત કાર્યરત રહેતા 'કલબ યુવી'ની નવી વિંગ એટલે કે બિઝનેશમેન વિંગનું આજે તા.૨૧ના શનિવારથી અપૂર્વમુની સ્વામીના અધ્યક્ષસ્થાનેથી લોંચીગ થઇ રહ્યુ છે. લોચીંગ સેરેમનીમાં ૫૦૦૦ થી વધુ વેપારી પરીવાર હાજર રહેશે.

કલબ યુવીના એમ.ડી.મહેન્દ્રભાઇ ફળદુએ જણાવ્યા મુજબ વિશ્વવંદનીય સંતવર્ય પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે પ.પૂ.મહંતસ્વામી મહારાજના આર્શીવાદથી બી.એ.પી.એસ.ના વિધ્વાન સંત પૂ.અપૂર્વમુની સ્વામીના હસ્તે, કલબ યુવી પરિવારના ઉદ્યોગપતિઓની હાજરીમાં કલબ યુવી બિઝનેશમેન વિંગ લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ સાંજે રાખવામાં આવેલ છે. કાર્યક્રમમાં પૂજય અપૂર્વમુની સ્વામી પાટીદાર પ્રેરણાની સાથે સાથે પોતાની વિધ્વતાસભર અને આધુનીક અભિગમ યુકત રસાળ શૈલીમાં 'સિક્રેટ ઓફ સકસેસ' વિષય પર વ્યકત્વ દ્વારા કલબ યુવી બિઝનેશમેન વિંગના સભ્ય, પરિવારના સભ્યોને સફળતાના શિખરો સર કરવાની પ્રેરણા પુરી પાડશે.

કલબ યુવીના ચેરમેન, જાણીતા ઉદ્યોગપતિ અને દાતા એવા મૌલેશભાઇ ઉકાણીએ જણાવેલ છે કે સમગ્ર વિશ્વમાં પાટીદાર પરીવાર બિઝનેશથી ઓળખાય છે. નાના-મોટા વેપારીઓને પોતાના બિઝનેશમાં સતત કેમ સફળતા મળતી રહે તે મુદે માર્ગદર્શન અને પ્લેટફોર્મની પુરૂ પાડવાની નેમ સાથે કલબ યુવી દ્વારા બિઝનેશમેન વિંગની સ્થાપના કરવામાં આવી છે. કલબ યુવીની વિશાળ ટીમે આ વિચાર પરીવારના ઉદ્યોગપતિ તેમજ વેપારીવર્ગ સમક્ષ મુકતા વેપારી વર્ગનો આ બિઝનેશમેન વિંગને સફળ બનાવવામાં આગવો સહયોગ પ્રાપ્ત થયો છે.

કલબ યુવીના એમ.ડી.મહેન્દ્રભાઇ ફળદુએ વિશેષમાં જણાવેલ કે કલબ યુવી નવ વર્ષ પૂર્ણ કરી દસમું વર્ષ ઉજવી રહ્યુ છે, ત્યારે દસમાં વર્ષના શરૂઆતમાં વિમેન્સ વિંગ ચાલુ કરવામાં આવેલ, તેને અદભુત સફળતા મળેલ, ત્યારબાદ હવે બિઝનેશમેન વિંગ ચાલુ થઇ રહેલ છે. આ બિઝનેશમેન વિંગમાં કલબ યુવી સાથે સંકળાયેલ ઉદ્યોગપતિઓ, નાના-મોટા વેપારીઓ, સપ્લાયર,ડોકટરો, આર્કીટેક, એડવોકેટ, સહીતનાઓ સાથે મળીને 'કલબ યુવી બિઝનેશમેન વિંગ' હેઠળ નેશનલ, ઇન્ટરનેશનલ બિઝનેશ અન્વયે સેમિનાર કરવા, ઇન્ડસ્ટ્રીઝની વિઝીટ લેવી, મોટીવેશનલ પ્રોગામો, સરકારની પોલીસીઓ, આઇ.ટી.જી.એસ.ટી, બેંક પોલીસીઓ, સહીતના સેમીનાર કરવા, એક બિઝનેશમેન બીજા બિઝનેશમેનને કઇ રીતે ઉપયોગી થાય તે માટે કલબ યુવી મધ્યસ્થી બને તેવા આયોજન સાથે બિઝનેશમેન વિંગનું આજે શનિવારથી લોન્ચીંગ થનાર છે.

આ બિઝનેશમેન વિંગ પરિવારના નાનાથી મોટા થયેલ વેપારીઓ, સફળ ઉદ્યોગપતિઓ, કુનેહ, સુઝબુઝવાળા, સતત કાર્યરત, પરિવાર માટે કંઇક કરવાની ધગશવાળા ભાઇઓની કોર કમીટી બિઝનેશમેન વિંગને સફળ બનાવવા ભરપુર પ્રયત્નો કરશે. આ કમીટી નાના-મોટા વેપારીઓ, સફળ ઉદ્યોગપતીઓના અભિપ્રાયો સાંભળી તેનો એક કોમન એજન્ડા બનાવીને વેપારીઓને મુંઝવતા પ્રશ્નોનો સરળતાથી કેમ ઉકેલ લાવી શકાય તેે માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડવાનું કામ કરશે.

કલબ યુવીના ચેરમેન અને સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સના વા.ચેરમેન બિલ્ડર એશોસીએશનના ચેરમેન એવા સ્મિતભાઇ કનેરીયાએ જણાવેલ કે આપણા પરિવારના ઘણા જ નાના મોટા સપ્લાયરો, જોબ વર્કરો, પ્રોડકટ બનાવતા વેપારીઓ આપણા જ પરિવારના મોટા બિઝનેશમેન સુધી પહોંચી શકતા ન હોવાથી કલબ યુવીની ચેનલ મારફતે આ તમામ બિઝનેશમેનનું એક ગ્રુપ બનાવવા માટેનો આ ભગીરથ પ્રયાસ છે.

કલબ યુવીની કરો કમીટી દ્વારા કલબ યુવીની બિઝનેશમેન વિંગનો લોન્ચીંગ પ્રોગ્રામ તા.૨૧ને શનિવારે રાત્રે ૯ કલાકે કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં આવવા માટે તમામે www.bapsrajkot.org/clubuv પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

કાર્યક્રમને સફળ બનાવવા કલબ યુવીના ડાયરેકટરો મૌલેશભાઇ ઉકાણી (ચેરમેન) સ્મિતભાઇ કનેરીયા (વા.ચેરમેન), મહેન્દ્રભાઇ ફળદુ (એમ.ડી.) ભુપતભાઇ પાચાણી, શૈલેષભાઇ માકડીયા, એમ.એમ.પટેલ, જવાહરભાઇ મોરી,જીવનભાઇ વડાલીયા, મનુભાઇ ટીલવા, કાન્તીભાઇ ઘેટીયા તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યુ છે.તેમજ કલબ યુવીની કોર કમીટીના પુષ્કરભાઇ પટેલ, સુરેશભાઇ ઓગણજા, સંદિપભાઇ માકડીયા, અજયભાઇ દલસાણીયા, બીપીનભાઇ બેરા, પ્રફુલભાઇ કાથરોટીયા, આશીષ વાછાણી, રેનીશ માકડીયા સહીત કલબ યુવીની ૧૦૮ની ટીમ, સાંસ્કૃતિક કલબની ટીમ, વિમેન્સ વિંગની ટીમ,સતત કાર્યરત છે તેમ કલબ યુવીના મીડીયા ઇન્ચાર્જ રજનીભાઇ ગોલ મો.૯૮૨૫૧ ૧૦૧૨૧ની યાદીમાં જણાવાયું છે.

(11:47 am IST)