Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

શહેરના પ૦ હજારથી વધુ બાળકોને ઓરી અને રૂબેલાની રસી અપાય

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા : ઓરી-રૂબીલા રસીકરણની બાળકોને કોઇ આડ-અસર થતી નથીઃ વાલીઓ ગભરાય નહિઃ બીનાબેન આચાર્ય -જૈમીન ઠાકરની અપીલ

રાજકોટ, તા.૨૦: મહાનગરપાલિકા દ્વારા ૧૬ જુલાઈ ૨૦૧૮ના રોજ શહેરમાં પ્રથમ તબક્કામાં ૯ માસથી ૧૫ વર્ષનાં બાળકોને ઓરી અને રૂબેલાનું રસીકરણ ચાલુ કરેલ છે. જેમાં પચાસ હજાર થી વધુ બાળકોને રસી આપવામાં આવી હોવાનું બીનાબેન આચાર્ય તથા આરોગ્ય સમિતિ ચેરમેન જૈમીન ઠાકરે જણાવ્યુ હતું.

આ અંગે તેઓએ જણાવ્યું હતુ કે, મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજીત ૮૦૦ જેટલી શાળામાં સાડા ત્રણ લાખ ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને ૧૫૦ થી વધારે વેકસીનેશન ટીમ દ્વારા ઓરી અને રૂબેલા (MR) નું રસીકરણ કરવામાં આવનાર છે.

આજ રોજ સુધીમાં રાજકોટ શહેરમાં ૧૮૨ શાળામાં ૫૦,૨૦૦ થી વધુ, નવ માસથી પંદર વર્ષનાં બાળકોને સલામત રીતે રસીકરણ કરેલ છે. અત્યાર સુધીમાં આત્મીય, જસાણી, મોદી, કેન્દ્રીય વિદ્યાલય, કોટક સ્કુલ, મુરલીધર, માસુમ તથા કોર્પોરેશનની શાળાઓ વિગેરે જેવી શાળામાં ૧૦૦% ૯ માસથી ૧૫ વર્ષનાં બાળકોને રસીકરણ કરેલ છે.

આ કાર્યક્રમને IMA, IAP, પ્રાઈવેટ શાળાના સંચાલકો, મુસ્લીમ સમાજના અગ્રણીઓ તથા મુસ્લીમ સમાજના ડોકટર એશોસીએશનના પ્રમુખ ડો. કાદરીએ સફળ બનાવવા અપીલ કરેલ છે.ઓરી-રૂબેલા રસીકરણથી બાળકોને કોઈ આડ-અસર થતી નથી, તેથી વાલીઓએ ગભરાયા વગર પોતાના બાળકોને ઓરી-રૂબેલાનું રસીકરણ કરાવવા મેયરએ અને આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીએ અપીલ કરેલ.

(3:38 pm IST)