Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ત્રણ મહિના બાદ પ્રદ્યુમન પાર્ક ઝુ ખુલ્યુ

સરકારની ગાઇડલાઇન હેઠળ સેનીટાઇઝ, થર્મલ ગનથી ટેમ્પરેચર મપાશે : સવારે ૯ થી સાંજે ૫:૩૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

રાજકોટ તા. ૨૧: કોરોનાની બીજી લહેર અત્યંત ઝડપથી ફેલાતા સરકારની સૂચનાથી બંધ થયેલ પ્રદ્યુમન પાર્કમાં આવેલ ઝૂ હવે અનલોકની પ્રક્રિયામાં આજથી ખુલ્યુ છે. સવારે ૯ થી સાંજે ૫:૩૦ વાગ્યા સુધી ખુલ્લુ રાખવાની સરકારે છૂટ આપતા  પ્રદ્યુમન પાર્ક ઝૂ કોરોનાની ગાઇડલાઇન હેઠળ શરૂ કરવામાં આવ્યુ છે.

નોંધનીય છે કે, પ્રાણીઉદ્યાનની મુલાકાતે આવનાર લોકોને સેનેટાઈઝ કરવામાં આવશે તથા થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે. માસ્ક પહેરવું ફરજીયાત રહેશે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. પ્રાણીઉદ્યાનનો સમય સવારે ૯.૦૦ થી સાંજે ૫:૩૦ વાગ્યાનો રહેશે, તેમજ ઈલેકટ્રીક કાર પણ ચાલુ રખાશે. દર શુક્રવારે બંધ રહેશે.

રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. CZA નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ દર વર્ષે નવા નવા વન્યપક્ષીઓ, વન્યપ્રાણીઓ વિનિમય હેઠળ અન્ય ઝૂ પાસેથી મેળવી ઝૂ નો વિકાસ કરવામાં આવે છે.

ઝૂ નો ટોટલ વિસ્તાર ૧૩૭ એકરમાં છે અને નૈસર્ગિક વાતાવરણમાં પ્રાકૃતિક પર્યાવરણનો અહેસાસ થાય છે. ઝૂ ખાતે હાલ જુદી જુદી ૫૫ પ્રજાતીના કુલ ૪૪૬ પ્રાણીઓ, પક્ષીઓ આવેલ છે.

(5:03 pm IST)