Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

હનીટ્રેપના ગુનામાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ, તા. ૨૧ :. અત્રે હનીટ્રેપના ગુન્હામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૧૦-૩-૨૧ના રોજ મિત્રતા કરવાના બહાને ફરીયાદીને રમણજી યાદવને માધાપર ચોકડીએ બોલાવી ફરીયાદીને હનીટ્રેપમા ફસાવી દીધેલ અને તે ગુન્હામાં પોલીસે ત્રણ સ્ત્રી તથા બે પુરૂષની અટકાયત કરી જેલ હવાલે કરેલ અને એક શખ્સ નાસતો ફરતો દર્શાવી બાકીના આરોપીઓ સામે ચાર્જશીટ કરેલ તે ગુન્હામાં જેલમાં રહેલ આરોપી જીજ્ઞેશ ઉર્ફે દીલીપ ઉર્ફે દીલો લાખાભાઈ ગોહીલ એ ચાર્જશીટ પછી સેસન્સ કોર્ટમાં જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ હાજર થઈ જામીન અરજીની વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે અને આવા આરોપીઓ ટૂંકા રસ્તેથી પૈસા મેળવવા આવા ગુન્હાઓ કરે છે અને આવા ગુન્હાઓ દિવસેને દિવસે વધતા જાય છે તેથી જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ તે ધ્યાને લઈ સેસન્સ જજ શ્રી પી.એમ. ત્રિવેદીએ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

(4:53 pm IST)