Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વાડીની બાજુમાં આવેલ સરકારી ખરાબાની ૧૪૪પ ચો.મી. જમીનનો કબજો કરી હોટેલ ખડકી દીધી!

જાગૃત નાગરીકે દબાણ અંગે અરજી કરી અને ગોંડલ મામલતદારની તપાસમાં ''ભોપાળું'' છતું થયું બાદ કાર્યવાહી : ગોંડલ મામલતદારની ફરીયાદ અંગે કોલીથડ ગામના નારણ વરીયા સામે જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ ગુન્હો નોંધાયોઃ નારણ પોલીસના સકંજામાં

રાજકોટ તા. ર૧: ગોંડલના કોલીથડ ગામે ખેડૂતે તેની વાડીની બાજુમાં આવેલ સરકારી ખરાબાની ૧૪૪પ ચો.મી. જમીનમાં ગેરકાયદે દબાણ કરી કબ્જો કરી હોટેલ ખડકી દીધાનું પ્રકાશમાં આવતા મામલતદારે ખેડૂત સામે જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ પોલીસ ફરિયાદ કરી છે.

મળતી વિગતો મુજબ ગોંડલના મામલતદાર કે. વી. નકુમે કોલીથડના ખેડૂત નારણ પ્રેમજીભાઇ વરીયા સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી નારણ વરીયાએ કોલીથડ ગામે આવેલ તેની ખેતીની જયમીન સર્વે નંબર ૭ર૭ર  પૈકી ૧ ની બાજુમાં આવેલ છે. સરકારી ખરાબાની સર્વે નંબર પ૪/૧ પૈકીની ૧૪૪પ ચો.મી. જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરી પાકા મકાનનું બાંધકામ કરી તેમાં ત્રણ રૂમ, કિચન, આધુનીક લોરીંગ બાથરૂમનું બાંધકામ કરી તેમાં છેલ્લા બે વર્ષથી છાપરવાડી રીવર ફ્રન્ટ હોમ સ્ટેટના નામે હોટેલ ચાલુ કરી દીધી હતી.

કોલીથડના ખેડૂત નારણ વરીયાના ગેરકાયદે દબાણ અંગે કોલીથડ ગામના પ્રકાશ અશોકભાઇ માંડવીયાએ ગોંડલ મામલતદાર કચેરીમાં અરજી કરતા મામલતદારે તપાસ કરી ડી.આઇ.એલ.આર. કચેરીના સર્વેયર મારફત જમીનની માપણી કરાવતા ખેડૂત નારણ વરીયાએ સરકારી ખરાબાની ૧૪૪પ ચો.મી. જમીનમાં ગેરકાયદે દબાણ કરી કબ્જો કરી હોટેલ ખડકી દીધાનું ખુલતા આ અંગે ગોંડલ મામલતદાર તથા ગોંડલ ડે. કલેકટરના રીપોર્ટ બાદ જીલ્લા કલેકટર દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરનાર ખેડૂત સામે જમીન પચાવી પાડવા પરના પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફોજદારી ફરીયાદ કરવાના આદેશ થતા ગોંડલ મામલતદારે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી.

આ ફરીયાદની તપાસ ગોંડલ ડી.વાય.એસ.પી. પ્રતિપાલસિંહ ઝાલાને સોપાતા તેઓના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકાના પી.એસ.આઇ. મહાવીરસિંહ પરમારે સરકારી જમીન પચાવી પાડનાર કોલીથડના ખેડૂત નારણ વરીયાને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે.

(4:52 pm IST)