Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વિંછીયા પંથકના હત્યા અને હત્યાની કોશિષના ગુનામાં આરોપીના વચગાળાના જામીન રદ્દ

રાજકોટ તા. ૨૧ : વિંછીયા તાબેના પાટીયાળી ગામે ૨ વર્ષ પૂર્વે હત્યા કરવાના તથા ફરિયાદી અને સાહેદોને માથાના ભાગે ગંભીર ઇજામાં જેલ હવાલે રહેલા આરોપી ભનાભાઇ ઉર્ફે કાળુ રણછોડભાઇ તાવીયા એ સેશન્સ કોર્ટમાં ખેતીના કાર્ય માટે વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી. જે અરજીને અદાલતે નામંજૂર કરી છે.

આ કેસની વિગત મુજબ આરોપીએ કૌટુંબીક ઓધાભાઇ જેમાભાઇ તાવીયા પર કુહાડી, પાઇપથી હુમલો કરી હત્યા કરી હતી તથા ફરિયાદીને ગંભીર ઇજા પહોંચાડી હતી. જે અંગેની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. દરમિયાન જેલ હવાલે રહેલા આરોપીને ખેતીના કાર્ય અંગે ૯૦ દિવસના વચગાળામાં જામીન મેળવવા અરજી કરી હતી.

આ અરજીનો સરકારી વકીલ પરાગભાઇ શાહ તથા ફરીયાદીના વકીલ મેઘરાજસિંહ એમ. ચુડાસમાએ વિરોધ કરી આરોપી ખોટી રીતે કોર્ટને ગેરમાર્ગે દોરી કાયદાની છટકબારીનો ઉપયોગ કરી મુકત જીવન વિતાવવા માટે અરજી કરી છે.

 આરોપી તથા ફરીયાદી એક જ ગામના હોય તથા ફરીયાદી પર જીવનનું જોખમ હોવાથી દહેશત હોવાથી જામીન અરજી નામંજુર કરવા રજુઆત કરી હતી જે હકીકતને ધ્યાને લઇ કોર્ટે વચગાળાની જામીન અરજીને રદ્દ કરી હતી.

(4:49 pm IST)