Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

યોગ દિવસ શા માટે મનાવવામાં આવે છે અને વિશ્વ યોગ દિવસ ૨૦૨૧ની થીમ શું છે ?

યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ઘ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુકત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. ૨૧મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ ૨૧મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુકત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ ૨૦૧૫ થી ૨૧ મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ યોગ એટ હોમ એન્ડ યોગ વિથ ફેમિલીની થીમ સાથે ઉજવવામાં આવશે. ભારત સરકારે ૨૧મી જૂને યોગ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે પરંતુ આ વર્ષે અલગ રીતથી આ દિવસ યોજાશે. કેન્દ્રની થીમ યોગ એટ હોમ, યોગ વીથ ફેમિલી છે. ગુજરાત સરકારે પણ જાહેરમાં યોગ કરવા પર પ્રતિબંધ મૂકયો છે. લોકોને પોતાના ઘરે ફેમિલી સાથે યોગ માટે વિનંતી કરી છે. થીમ મુજબ દેશભરમાં આ દિવસ ઉજવીને કોરોના સંક્રમણ સામે પ્રત્યેક દેશવાસી આ યોગ-સાધનાથી રોગપ્રતિકારક શકિત વધારી રક્ષણ મેળવે, કોરોનાને યોગથી હરાવે.(૨૧.૨૭)

: સંકલન :

ડો. સચિન પીઠડીયા

માંગરોળ, જી. જૂનાગઢ

(3:31 pm IST)