Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રાજકોટમાં બે દિ'માં ૪II ઇંચ વરસાદ આજીમાં ૦II ફુટ નવુ પાણી

શનિ - રવિમાં સવારથી સાંજ સુધી સતત વરસાદના હળવા ભારે ઝાપટા : ગઇકાલે બપોરે ૧૨ વાગ્યાથી દે ધનાધન ૨ ઇંચ વરસાદથી ચોતરફ પાણી ફરી વળ્યા : વાતાવરણમાં ઠંડક : આજે સવારથી ઉઘાડ

રાજકોટ તા. ૨૧ : સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ છવાયો છે. સર્વત્ર વાવણી લાયક વરસાદ છે ત્યારે રાજકોટમાં પણ શનિ અને રવિવારે સતત બે દિવસ સુધી વરસાદ વરસતા છેલ્લા બે દિવસમાં ૪ાા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ફાયર બ્રિગેડમાં શનિવારે સાંજે ૬ાા વાગ્યા સુધીમાં ૨ાા ઇંચ અને ગઇકાલે બપોરે ૪ વાગ્યા સુધીમાં ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ઝોન વાઇઝ વરસાદ

શહેરમાં ઝોનવાઇઝ નોંધાયેલ વરસાદ મુજબ સૌથી વધુ ૫૧ મીમી વરસાદ વેસ્ટ ઝોનમાં નોંધાયો હતો. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૪૩ મી.મી. અને ઇસ્ટ ઝોનમાં ૩૪ મી.મી. વરસાદ ગઇકાલે બપોરે ૨ વાગ્યા સુધીમાં નોંધાયેલ. ગઇકાલે બપોરે ૧ વાગ્યાથી ધોધમાર વરસાદ સતત બે વાગ્યા સુધી વરસ્યો હતો અને ૧ કલાકમાં બે ઇંચ વરસાદ પડી જતાં નાળા - વોંકળા છલકાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા ત્યારબાદ વરસાદે ખમૈયા કર્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે આજે સવારથી ઉઘાડ નિકળ્યો હતો.

આજી-૧માં ૦ાા ફુટ નવુ પાણી

દરમિયાન રાજકોટ સિંચાઇ વિભાગે જાહેર કર્યા મુજબ આજે સવારે રાજકોટને પાણી પુરૂ પાડતા આજી ડેમમાં વરસાદથી નવું ૦ાા ફુટ આવતા આજી-૧નો જીવંત જળજથ્થો ૧૮.૧૦ ફુટ થયો છે.

જો કે મ.ન.પા.ના કંટ્રોલ રૂમમાં આજી-૧ ડેમમાં કોઇ જ નવા પાણીની આવક નથી નોંધાઇ. આમ બંને વિભાગો વચ્ચે ડેમમાં પાણીની આવક બાબતે અસમાનતા હોવાનું જાણવા મળ્યું છે.

(3:05 pm IST)