Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

લોકોની ફરિયાદ - મ.ન.પા.ની કામગીરી પર મેયરની સીધી નજર : ડેસ્ક બોર્ડનો પ્રારંભ

કોલ સેન્ટરમાં થતી ફરિયાદોનું સતત મોનીટરીંગ : ટેકસ આવક સહિતની બાબતો પર દરરોજ નજર રહેશે : પ્રદિપ ડવ કચેરીમાં બેઠા-બેઠા જ મ.ન.પા.ની દરેક ગતીવિધિ પર નજર રાખી શકશે : નાગરિકો પણ હોય તો વોટ્સએપ નં. ૯૦૩૩૦ ૧૧૧૧૧માં ફોટા સાથે ફરિયાદો મોકલી શકશે

સ્માર્ટ પ્રથમ નાગરિક : હાલના કોમ્પ્યુટર યુગમાં મ્યુ. કોર્પોરેશનની તમામ વિગતો આંગળીના ટેરવે મળી રહે તે માટે આજે બપોરે ૧૨ કલાકે મેયર ઓફિસમાં પ્રદિપ ડવના હસ્તે 'મેયર ડેસ બોર્ડ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા, પરેશભાઈ રબારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧ :  મ.ન.પા. દ્વારા હવેથી ફરીયાદ નિકાલ, જન્મ-મૃત્યુ નોંધ સર્ટી, વેરા બીલ, વેરો ભર્યાની રીસીપ્ટ વગેરે પ્રજાલક્ષી કામગીરીનું ડીજીટલાઇઝેશન કરવામાં આવનાર છે. આ ડીજીટલાઇઝેશનનાં ભાગરૂપે આજથી મેયરની ઓફીસમાં મેયર 'ડેસ્ક બોર્ડ' નો પ્રારંભ થયો છે. જયારે જૂલાઇ મહીનાથી કોલ સેન્ટરમાં નોંધાતી ફરીયાદનો નિકાલ અરજદારના ઓ. ટી. પી. થી જ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે. અને ઓગસ્ટ મહીનામાં વોટસ એપનાં માધ્યમથી જન્મ-મૃત્યુ નોંધતાં  સર્ટી, વેરા  બીલ, વેરો ભર્યાની પહોંચ નાગરીકોને મોબાઇલ પર જ મળવા લાગે તેવી સુવિધા શરૂ થશે.

આજે મહાનગરપાલિકાના નવનિયુકત મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આંતરિક વહીવટને વધુ સુદ્રઢ તેમજ પારદર્શી બનાવવા માટેનું એક અત્યંત મહત્વનું પગલું લેવામાં આવેલ છે. હાલના કોમ્પ્યુટર યુગમાં મહાનગરપાલિકાની તમામ વિગતો આંગળીના ટેરવે મળી રહે તે માટે મેયર ડેશબોર્ડ બનાવવાનો નિર્ણય આવેલ. જેના અનુસંધાને આજે તા.૨૧ સોમવાર ભિમ અગિયારસના શુભ દિને મેયર ડો.પ્રદિપ ડવના હસ્તે 'મેયર ડેશબોર્ડ'નું શુભારંભ કરાયો.

આ ડેશ બોર્ડમાં મકાન વેરા/પાણી વેરા, વોર્ડ વાઈઝ કલેકશનની વિગતો તેમજ ઓનલાઈન તેમજ ઓફલાઈન કલેકશનની તથા વાહન વેરા સહિતની સંપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકાની સૌથી વધુ લોક ઉપયોગી એવી જન્મ/મરણ/લગ્ન નોધણી ના પ્રમાણપત્રો અંગેની સુવિધા ઉપરોકત ડેશબોર્ડમાં આવરી લેવામાં આવેલ છે. લોકો દ્વારા ચાલુ સાલમાં કુલ ઈશ્યૂ કરવામાં આવેલ તેમજ જે-તે દિવસે ઈશ્યૂ કરવામાં આવેલ જન્મ/મરણ/લગ્ન નોધણીના પ્રમાણપત્રોની વિગતો સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.

મહાનગરપાલિકા દ્વારા ૨૦૦૮ ની સાલ થી અમીન માર્ગ ખાતે ૨૪*૭ કોલ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

ડેશબોર્ડ માં કોઈપણ ફરિયાદ ની સ્થિતિ ફરિયાદ લખાવનાર ના મોબાઈલ નંબર અથવા તો ફરિયાદ નંબર પરથી જાણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જો કોઈ ફરિયાદ લાંબા સમય થી વણઉકેલી હશે તો તેની વિગત પણ દેશબોર્ડ પર થી મેયરશ્રી તાત્કાલિક મળી શકશે.

મહાનગરપાલિકા ની વિવિધ શાખાઓ ને ફાળવવામાં આવેલ બજેટ અને શાખાએ કરેલ ખર્ચની વિગતોનો ડેશબોર્ડ માં સમાવેશ કરવામાં આવી છે.

આ તમામ પ્રક્રિયાને કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવેલ છે જેથી દરેક શાખા દ્વારા કરવામાં આવતા ખર્ચનું વિશ્લેષણ કરવામાં આવશે તેમજ દરેક ખર્ચની યોગ્યતા ચકાસી શકાશે.

સરકારની જુદી જુદી યોજનાની માહિતી

ઉપરાંત મેયરશ્રી દ્વારા હેલ્પલાઈન નંબર ૯૦૩૩૦ ૧૧૧૧૧ પરથી સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની માહિતી આ નંબર પર Hi લખી Message કરી આવકનું પ્રમાણપત્ર અને ડોમિસાઇલ સર્ટિફિકેટ, શિક્ષણ અંગેની યોજનાઓ, જાહેર આરોગ્ય અંગેની યોજનાઓ, મહિલા અને બાળવિકાસની યોજનાઓ, રેશનકાર્ડ અને NFSA દાવા અરજી, મતદારયાદીને લગતી કામગીરી, વિધવા સહાય/નિર્ધાર વૃધ્ધ/અનાથ બાળકો માટે, આવાસ અંગે યોજના, બક્ષીપંચ/SC/BC ના દાખલા અંગે યોજનાઓ, અનુસુચિત જાતિ/જનજાતિના દાખલાની માહિતી, બિનઅનામતનું પ્રમાણપત્ર અને યોજનાઓ, ઉદ્યોગ, રોજગાર અને કૌશલ્ય અંગેની યોજનાઓ, દિવ્યાંગ વ્યકિતઓ માટેની યોજનાઓ, જાહેર વીમા અંગેની યોજના વિષે માહિતી, ફરિયાદ ભૂગર્ભ/લાઈટ/વીજળી/ફરિયાદની સહિતની અલગ અલગ યોજનાની માહિતી મળી શકશે.(૨૧.૩૩)

ડેશ બોર્ડમાં કઇ કઇ સુવિધા

.  ટેકસ કલેકશનની વિગત

.  જન્મ/મરણ તેમજ લગ્ન નોંધણી સર્ટીફિકેટની વિગત

.  કોલ સેન્ટરમાં નોંધાયેલ ફરિયાદોની વિગત

.  મહાનગરપાલિકાના બજેટની વિગત

(3:04 pm IST)