Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ખાનગી શાળાઓમાં ફી અને દાદાગીરી સામે NSUI આક્રમકઃ DEO સમક્ષ બંગડીના ઘા

ખાનગી શાળાઓ સામે ડીઈઓનો કોઈ અંકુશ ન રહેતા એનએસયુઆઈનું ઉગ્ર આંદોલનઃ ડીઈઓના રાજીનામાની માંગઃ ફી પ્રશ્ને ઓનલાઈન કલાસ બંધ કરનારી શાળા સામે કડક કાર્યવાહી કરવા માંગઃ પાંચ કાર્યકર્તાઓની અટકાયત

રાજકોટઃ ખાનગી શાળાઓની ફી પ્રશ્ને અનેક રજૂઆત કરવા છતા કોઈ પ્રતિસાદ ન મળતા આખરે આજે એનએસયુઆઈએ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે શિક્ષણાધિકારી સમક્ષ બંગડી ફેંકી રાજીનામાની માંગ કરી હતી. કાર્યકર્તાઓએ શાળાઓની દાદાગીરી સામે શિક્ષણાધિકારીના પગ પકડી દરમિયાનગીરી માંગી હતી. અન્ય તસ્વીરમાં રામધૂન અને સૂત્રોચ્ચાર કરતા કાર્યકર્તાઓ નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૧ :. ખાનગી શાળાઓની ફી પ્રશ્ને તેમજ દાદાગીરી સામે આજે એનએસયુઆઈએ આક્રમક વલણ અપનાવી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ બંગડીના ઘા કરીને રાજીનામાની માંગ કરી છે. પોલીસે પાંચ એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

એનએસયુઆઈએ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે રાજકોટ શહેરની ખાનગી સ્કૂલો દિવસેને દિવસે વાલીઓ પર ફી ભરવા દબાણ કરીને જાત જાતની મુશ્કેલીઓ ઉભી કરી રહ્યુ છે. કોરોના મહામારીને લીધે લોકો આર્થિક મંદી, બેરોજગારી અને મોંઘવારી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે અમુક ખાનગી સ્કૂલોએ બેફામ દાદાગીરીએ હદ વટાવી છે. કોરોનાકાળને લીધે છેલ્લા એકાદ વર્ષથી વધુ સમયથી સ્કૂલો બંધ હોવાથી માત્ર ઓનલાઈન શૈક્ષણિક કાર્ય જ ચાલુ છે, પરંતુ રાજકોટની મોટાભાગની ખાનગી સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓની ફી બાકી છે તેમના ઓનલાઈન કલાસો બંધ કરી દેવામાં આવે છે અને વાલીઓને એડવાન્સ ફી ભરવા બાબતે દબાણ, ફી વધારાની જાણ સાથે ખુલ્લેઆમ પરીપત્રો મોકલી શિક્ષણના નામે ધંધો ખોલ્યાની સબુતી આપે છે.

એનએસયુઆઈએ આવેદનમાં વધુમા જણાવ્યુ છે કે એક તરફ રાજ્ય સરકાર એવું કહી રહી છે કે કોરોનાકાળને લીધે કોઈપણ ખાનગી સ્કૂલોને ફી વધારાની મંજુરી નહી મળે અને બીજી તરફ રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ જગજાહેર કહે છે કે અમુક સ્કૂલોએ ૧૦ ટકા - ૧૫ ટકા જેટલો ફી વધારો કર્યો તેમને ફી નિર્ધારણ કમિટીમાં મંજુરી માટે અરજી કરી છે. એટલે અહીં સવાલ  ઉભો થાય કે શું ખાનગી શાળા સંચાલકો હવે સરકારને પણ નથી ગાંઠતા ? જો ફી વધારાની મંજુરી આપવાના જ નથી તો અગાઉથી ૧૦ થી ૧૫ ટકાના વધારા સાથે ફી ઉઘરાણી કેમ થાય છે ? કે પછી સરકારની અને ખાનગી શાળા સંચાલકોની મીલીભગત છે? ફી વધારો કરવા માંગતી સ્કૂલોએ એફઆરસીમાં અરજી કરી હોય તો સૌરાષ્ટ્ર ઝોનની ફી નક્કી કરતી ફી નિર્ધારણ કમીટીના ચેરમેન જ નથી તો ફીની મંજુરી કે નામંજુરનું નક્કી કોણ કરશે ? ઉપરના તમામ સવાલોથી એ સ્પષ્ટ છે કે શિક્ષણ માફીયાઓ કહે તે જ શિક્ષણ વિભાગના નિયમો શિરોમાન્ય રહે છે એટલે જ કેટલાય વિદ્યાર્થીઓની ફી વાંકે કારકિર્દી જોખમાય રહી છે તે શરમજનક બાબત છે.

એનએસયુઆઈએ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના જીલ્લાના પ્રતિનિધિ તરીકે જેમની તમામ જવાબદારીઓ હોય તેવા જીલ્લા શિક્ષણ અધિકારી ખુદ છેલ્લા ઘણા સમયથી મુકપેક્ષક બની ગયા હોય તેવુ વાલીજગતમાં ચર્ચા થઈ રહી છે. ખુલ્લેઆમ દાદાગીરી કરતી ખાનગી સ્કૂલોની ફરીયાદ કરવા જતા વાલીઓનું જાણે કોઈ સાંભળનાર કોઈ ના હોય તેવુ ચિત્ર સ્પષ્ટ ઉપજી આવ્યુ છે અને વાલીઓ હેરાન થઈ ત્રાસી ગયા છે. અમુક ફરીયાદોથી આવી સ્કૂલોને નોટીસો મોકલી તૈયાર જવાબથી સંતોષ માનીને જાણે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જાણે ખાનગી સંસ્થાઓની કચેરી હોય તેમ લાગી રહ્યુ છે. મસમોટી ફીના ઉઘરાણા કરતી ખાનગી સ્કૂલો પર જીલ્લા શિક્ષણ અધિકારીની કોઈપણ જાતની ભડક કે અંકુશ નથી તે સ્પષ્ટ છે, એટલે જ તેઓ બિન્દાસ નિયમ વિરૂદ્ધ ફી વધારાઓ કરી અને ફી વાંકે ઓનલાઈન કલાસો બંધ કરી રહ્યા છે.

એનએસયુઆઈએ આવેદનપત્રમાં જણાવેલ છે કે, રાજકોટના જીલ્લા અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી અમુક ખાનગી સ્કૂલોની દાદાગીરીથી ડરી રહ્યા છે તેમજ કડકાઈથી કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડયા તે સ્પષ્ટ હોવાથી એનએસયુઆઈની સ્પષ્ટ માંગ છે કે આપશ્રી સરકારને રાજીનામુ આપી દેવુ જોઈએ જેથી ઘણાખરા વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાતા અટકે અન્યથા બંગડીઓ પહેરીને એવુ જાહેર કરવુ જોઈએ કે આ 'શિક્ષણમાફિયાઓના રક્ષકની કચેરી' છે ! જે સ્કૂલો નિયમ વિરૂદ્ધ ફીઓના વધારા કર્યા છે તેમજ ફી વાંકે વિદ્યાર્થીઓના ઓનલાઈન કલાસો ખોટી રીતે બંધ કર્યા હશે તેવી સ્કૂલો પર કડકાઈપૂર્વક કાર્યવાહી કરવામાં નહી આવે તો એનએસયુઆઈ આવી સ્કૂલો પર હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરશે.

જીલ્લા શિક્ષણ અધિકારીના ટેબલ પર એનએસયુઆઇ દ્વારા બંગડીઓ ફેકી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આજદીન સુધી મળેલી ફરીયાદો અને તેમના પર કાર્યવાહી માહિતીના આપાતા ચેમ્બરમાં જોરશોરથી રામધૂન બોલાવી હતી. જો કે પોલીસે પ કાર્યકરોની અટકાયત કરી હતી.

આ કાર્યક્રમમાં એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, સેવાદળના પ્રમુખ મુંધવા, ભાવેશ પટેલ, એન.એસ.યુ.આઇ.ના અભિરાજ તલાટીયા, પાર્થ બગડા, મોહિલ ડવ, માનવ સોલંકી, જીલ ડાભી, હુસેન હીરાણી, પ્રશાંત રાઠોડ સહિત કાર્યકરો જોડાયા હતા.

(3:03 pm IST)