Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

લોકસેવા અને વિકાસ - કલ્યાણ કાર્યોની માહિતી જન જન સુધી પહોંચાડવામાં મીડિયા સેલની ભુમિકા મહત્વની : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન અન્વયે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મીરાણી અને સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવની પ્રેરક ઉપસ્થિતિમાં મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીડિયા વર્કશોપમાં શહેરનાં તમામ ૧૮ વોર્ડના મીડિયા સેલ ના ઇન્ચાર્જ તથા સહઇન્ચાર્જએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે કાર્યકર્તાઓને આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રવાદને વરેલા જનસંઘ - ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાના ઇતિહાસની સંક્ષિપ્તમાં વિગતો વર્ણવવી હતી. આગામી વર્ષ ૨૦૨૨માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કરાયેલ અનેક અને અસંખ્ય વિકાસના કામોનું ભાથું લોકો સુધી પહોચાડવા કમર કસી પ્રતિબદ્ઘ થવા સાથે કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને સ્થાનિક સ્વરાજય દ્વારા થતા લોકકલ્યાણ યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચાડવા રાજુભાઇએ હાકલ કરી હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ મીડિયાનાં ઉપયોગ વિશે પક્ષનાં કાર્યકર્તાઓને પ્રચાર પ્રસારની કામગીરીમાં નિપુણતા હાંસલ કરવા જણાવી વૈચારિક રીતે સજ્જ થવા ઉપરાંત હકારાત્મક દ્રષ્ટિકોણથી અને મનન-ચિંતન અને વાંચન કરવા અનુરોધ કર્યો હતો. સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલના સહ ઇન્ચાર્જ સુરેશભાઈ માંગુકિયાએ પક્ષનાં મીડિયા સેલના કાર્યકરે કરવામાં આવતી કામગીરી, ચૂંટણી સમયે મીડિયા સાથે સંકલનમાં રહીને, પક્ષ તથા સરકારના વિકાસના કામોનો પ્રચાર-પ્રસાર, સમાચાર યાદીના પ્રકારો તેમજ લેખન સબંધી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ભાજપનો મીડિયા વિભાગનો કાર્યકર્તા આ અતિ મહત્વની જવાબદારી સારી રીતે અદા કરીને સરકાર તેમજ ભાજપ દ્વારા થતી કામગીરી મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડે તેવી હાકલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન રાજકોટ શહેર ભાજપ મીડિયા સેલના કન્વીનર નીતિનભાઈ ભૂતે કર્યું હતું અને મીડિયા વર્કશોપની ભૂમિકા સમજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજનભાઈ ઠક્કર અને કાર્યક્રમના અંતે આભાર દર્શન શહેર ભાજપના મીડિયા સેલના સહ ઇન્ચાર્જ તેજસભાઈ ગોરસિયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી મહાનગર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી અને રાજેનભાઈ ઠાકરે સાંભળી હતી.

(3:27 pm IST)