Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રાજકોટના નવા કલેકટર સંભવતઃ ગુરૂવારે ચાર્જ સંભાળશે કોર્પોરેશનમાં હતા ત્યારે 'ચિત્રનગરી'માં હાથ અજમાવ્યો હતો

આવતા વેત નાયબ મામલતારોની બદલીનો ગંજીપો ચીપશેઃ અનેક ઉડશે :કલાના ભારે શોખીનઃ એક પણ ફાઇલ ટેબલ ઉપર ન જોઇએ ના આગ્રહી

રાજકોટના નવા કલેકટર અરૂણ મહેશ બાબૂ કોર્પોરેશનમાં ડે. કમિશનર હતા ત્યારે રાજકોટને ચિત્રનગરી બનાવવામાં તેમનો સિંહ ફાળો રહ્યો હતો, પોતે ડ્રોઇંગ ઉપર હાથ અજમાવ્યો હતો તે નજરે પડે છે.

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ શહેર - જીલ્લામાં જબરી સફળ કામગીરી કરનાર જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનની માત્ર પોણા બે વર્ષના ફરજ કાળ દરમિયાન જ બદલી થઇ છે, તેમના સ્થાને અમદાવાદ ડીડીઓ શ્રી અરૂણ મહેશ બાબૂની રાજકોટ કલેકટર તરીકે નિમણૂંક થઇ છે, નવા કલેકટર રાજકોટના પ૦મા કલેકટર તરીકે સંભવતઃ ગુરૂવારે ચાર્જ સંભાળે તેવી શકયતા હોવાનું ગાંધીનગરના સૂત્રોએ ઉમેર્યુ હતું.

રાજકોટના નવા કલેકટર રાજકોટથી ભારે પરિચિત છે, તો કલાના પણ ભારે શોખીન છે, રાજકોટ મહાનગરપાલિકામાં તેઓ ડે. કમિશનર હતા ત્યારે રાજકોટને ચિત્રનગરી બનાવવામાં તેમનો જબરો ફાળો રહ્યો હતો, ખૂદ પોતે કલાના જાણકાર હોય  દિવાલો ઉપર પેઇન્ટીંગ - કલર - ચીત્રો દોરવામાં હાથ અજમાવ્યો હતો.

અધિકારી સુત્રના ઉમેર્યા પ્રમાણે શ્રી અરૂણ મહેશ બાબૂ તુમારો સામે ભારે કડક અમલદાર ગણાય છે, એક પણ ફાઇલ પોતાના કે અન્ય અધિકારીઓના ટેબલ ઉપર ન  રહે તેના ખાસ આગ્રહી છે.

શ્રી અરૂણ મહેશ બાબૂ આવતા વેત નાયબ મામલદારોની બદલીના ગંજીપો ચીપે તો નવાઇ નહી, જો, આમ થશે તો અનેક ઉડશે તે પણ હકિકત છે. પોતાના વિશ્વાસુને મહત્વની કામગીરી સોંપશે તેમ જાણકારો ઉમેરી રહ્યા છે.

(12:29 pm IST)