Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કોરોના-લેન્ડ ગ્રેબીંગ-દબાણ સામે સફળ કામગીરી કરનાર રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહનની ગાંધીનગર બદલી

રાજકોટમાં રાજય કક્ષાની ર૬ જાન્યુઆરીની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દિધાઃ સ્ટાફમાં ભારે લોકપ્રિય બન્યા :નેશનલ હેલ્થ મીશનમાં ડાયરેકટર તરીકે મૂકાયાઃ પોણા બે વર્ષમાં અનેક મહત્વના કામો કર્યા... : ૩-૯-ર૦૧૯ ના રોજ ચાર્જ સંભાળ્યો અને ૧૯-૬-ર૦ર૧ ના રોજ બદલીનો હુકમ

રાજકોટ તા. ૧૯ :.. આજે રાજય સરકારે ૭૦ જેટલા આઇએએસ ઓફીસરોની બદલીના હુકમો કર્યા છે. તેમાં રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહનની પણ બદલી થયાનું અને તેઓને ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મીશનમાં ડાયરેકટર તરીકે મૂકવામાં આવ્યા છે.

રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહને ૩-૯-ર૦૧૯ ના રોજ ચાર્જ લીધો અને આજે ૧૯-૬-ર૦ર૧ ના રોજ એટલે કે માત્ર પોણા બે વર્ષમાં તેમની બદલીનો હુકમ રાજય સરકારે કર્યો છે. તેમના સ્થાને અમદાવાદ ખાતે ફરજ બજાવતા ડીડીઓ શ્રી અરૂણ મહેશ બાબૂને મુકવામાં આવ્યા છે, તેઓ ર૦૧૩ ની બેચના આઇએએસ અધિકારી છે.

શ્રી રેમ્યા મોહને પોતાના પોણા બે વર્ષના કાળમાં ર૦ર૦ માં રાજકોટમાં રાજય કક્ષાની ર૬મી જાન્યુઆરીની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દિધા હતાં. તો હીરાસર એરપોર્ટ-એઇમ્સમાં ઝડપી કામગીરી અને રાજકોટમાં અમૂલ ડેરીનો પ્રોજેકટ લાવવામાં સફળ બન્યા હતાં.

ખાસ કરીને તેમની અગ્નિ પરીક્ષા માર્ચ-ર૦ર૦ થી સતત મે-ર૦ર૧ સુધી કોરોનાને કારણે ચાલુ રહી, તેઓ પોતે પણ કોરોનાગ્રસ્ત બન્યા, પરંતુ તેમાંથી હેમખેમ બહાર આવી. કોરોનામાં ૧૮-૧૮ કલાક સતત સફળ કામગીરી બજાવી હતી, આ ઉપરાંત લેન્ડગ્રેબીંગમાં ૧૭ સામે ફોજદારીના આદેશો અને કોરોનાની પહેલી લહેર બાદ રાજકોટ જીલ્લામાં ૪૦૦ કરોડથી વધુ સરકારી જમીનો ઉપરના દબાણો દૂર કરી ભૂમાફીયાઓમાં ફફડાટ ફેલાવ્યો હતો.

(11:31 am IST)