Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

વિજ્ઞાન જાથા વરસાદના વરતારાની હોળી કરી લોકજાગૃતિ કેળવશે

વિજ્ઞાન અને હવામાન ખાતુ જ સચોટ તારણ આપી શકે : ભડલી વાકય, ટીટોડીના ઇંડા, હોળીની જાળ વગેરે ફળકથનોને મિથ્યા ઠેરવતા જયંત પંડયા

રાજકોટ : વિજ્ઞાન અને નેનો ટેકનોલોજીથી દેશે અસાધારણ પ્રગતિ કરી છે, વિજ્ઞાન અને હવામાન ખાતુ જે તારણો આપે તે ખરા બાકી ભડલી વાકયો કે ટીટોડીના ઇંડા કે પછી હોળીની જાળના આધારે વરસાદ અંગેના કરાતા વરતારા મિથ્યા હોવાનું વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાએ જણાવેલ છે.

શ્રી પંડયાએ જણાવેલ છે કે જુનાગઢમાં વર્ષા પરિસંવાદમાં વરસાદના વરતારાઓનો પ્રથમ ચરણમાં જ કરૂણ રકાશ થયો. આ વર્ષે પણ મે-જુનમાં વાવાઝોડું, વાવણીલાયક વરસાદ સહીત નકારાત્મક આગાઓ થઇ પરંતુ તેનો કરૂણ રકાશ થયો. વરતારાઓને વિજ્ઞાનનો કોઇ આધાર હોતો નથી એટલે ખોટા પડે છે. આવા વરતારાઓની હાસ્યાસ્પદ બાબતમાં કયો વિસ્તાર, કઇ તારીખ, સ્થળ, ભારતમાં કે પૃથ્વી ઉપર ગમે ત્યાં સચોટતા નથી હોતી. માત્ર ને માત્ર ગપગોળા ચલાવાતા હોય છે જે અવૈજ્ઞાનિક હોય છે. ભડલી વાકયો, હોળીની જાળ, અખાત્રીજનો પવન, નક્ષત્ર, મેઘમાયા, દનૈયો, ટીટોડીના ઇંડા, કાગડાનો પૂર્વ દિશામાં માળો, ઋતુ પવન પ્રાણી- વનસ્પતના લક્ષણો, જયોતિષ, તાપમાન, છાયો વગેરે ઉપરના ફળકથનો ખોટા જ પડે છે. આવુ અવૈજ્ઞાનિક પધ્ધતીનું તિકડમ બંધ થવું જોઇએ. આવા વરતારાઓ સામે જાથાની ટીમ તા. ૩૦ જુન સુધી રાજયના જિલ્લા તાલકુા અને ગ્રામ્ય કક્ષાએ વિરોધ પ્રદર્શીત કરી વર્ષા પરિસંવાદ બંધ કરવા સંબંધી કાર્યક્રમો આપશે. તેમ જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ જણાવેલ છે.

(4:07 pm IST)