Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મૌલાના તુર્કી, મૌલાના ઇસ્હાક સહિતના બુઝુર્ગ ઉલેમાઓની ગેરહાજરીનો આજે અહેસાસ છેઃ ઉસ્માનગનીબાપુ

ફાતેહ સૌરાષ્ટ્રનો રપમો સિલ્વર જયુબીલી ઉર્ષ ઉજવાયોઃ સૌરાષ્ટ્રના સુન્નીવડાએ બાવીસ : વર્ષ બાદ તકરીરનો લાભ આપ્યો : ધ્રોલ અમીનેશરીઅત એજયુકેશન ટ્રસ્ટના સ્થાપક ઉસ્માનગની બાપુનું સન્માન પત્ર અર્પણ કરી અદકેરૂ બહુમાન કરાયુ : સાદાતો, ઉલેમાઓ, અગ્રેસરોની મોટી માત્રામાં હાજરી : સુન્ની બંગાલી જમાઅતને પણ ટ્રસ્ટ દ્વારા શિલ્ડ આપી સન્માન કરાયુ : પોતાના ઉપકારક ઇસ્હાકબાપુને અંજલિ અર્પવા હકડેઠઠ મેદની ઉમટી પડી : ઘાંચી મસ્જીદમાં યોજાયેલ જશ્ને યૌમે રઝા અને ઉર્ષે ચિશ્તી, મુશાહીદી, હશમતીના જલ્સાને ભવ્ય સફળતા : કાર્યક્રમની આટલી સંખ્યાએ મૌલાના ઇસ્હાકની મઝહબી સેવાઓનું પરિણામ છેઃ બુઝૂર્ગોએ મસ્લકે આ'લા-હઝરતને હયાત રાખ્યો છે જેના ફળ આપણે ખાઇ રહ્યા છીએઃ તેઓએ થીંગડા લગાવીને પણ બતાવી દીધું કે અમો પ્રજાના ઇમામ છીએઃ તેઓના દિવસને મનાવવા જોઇએ, ઉપકાર ભૂલવો જોઇએ નહીં: ઉસ્માનગની બાપુને લોકોએ એક ધારા સાંભળ્યા

રાજકોટ તા. ર૧ :.. મૌલાના તુર્કી સાહેબ અને મૌલાના ઇસ્હાક સાહેબ સહિતના સૌરાષ્ટ્રના બુઝૂર્ગ ઉલેમાઓની ગેરહાજરીનો આજે અહેસાસ થઇ રહ્યો છે તેમ સૌરાષ્ટ્રના સુન્ની મુસ્લિમ સમાજના વડા હઝરત મૌલાના ઉસ્માનગની બાપુ (ધ્રોળ) એ જણાવ્યું હતું.

ગત રવિવારે રાત્રે રાજકોટમાં સુન્ની ઘાંચી મસ્જીદ ખાતે યોજાયેલ 'જશ્ને યૌમે રઝા' અને 'ઉર્ષે ચિશ્તી-મુશાહીદી-હશમતી' નામના જલ્સામાં મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહેલા અમીને શરીઅત એજયુકેશન ટ્રસ્ટ ધ્રોળના સ્થાપક મૌલાના ઉસ્માનગનીબાપુએ તકરીર કરતા ઉપરોકત રીતે જણાવ્યું હતું.

આ કાર્યક્રમ છેલ્લા ૧૪ વર્ષથી ઘાંચી મસ્જીદમાં નિયમિત, યોજાય છે જેમાં ખાસ કરીને આ વખતે સૌરાષ્ટ્રના જાણીતા ઉલેમા ખલીફાએ મુફતીએ આ'ઝમ હિન્દ ફાતેહ સૌરાષ્ટ્ર, હઝરત મૌલાના મુહંમદ ઇસ્હાક સાહેબ ખત્રી-હશમતી (રહે.)નો રપમો સિલ્વર જયુબીલી ઉર્ષ ઉજવાયો હતો.

આ  જલ્સામાં મોટી માત્રામાં ઉલેમાઓ અને સાદાતોની હાજરી નિહાળી  હાજી ઉસ્માનગનીબાપુએ આ અંગે હર્ષ વ્યકત કરતા કહયું કે, તે એક મકબૂલ બંદાની નિશાની છે. આટલી સંખ્યાએ મૌલાના ઇસ્હાકની મઝહબી સેવાઓનું પરિણામ છે કે, સૌરાષ્ટ્રમાં એ બુઝૂર્ગોએ મઝહબી સેવા કરી છે જેથી જ વર્ષો બાદ પણ તેઓની યાદ જીવંત છે.

 ઉસ્માનગની બાપુએ તકરીર દરમિયાન  કહ્યું કે આજે અનેક મોટા મોટા ઉલેમાઓ હદીયા લીએ છે પણ એ સમયે તુર્કી સાહેબને માત્ર રૂ. ૧૬પ મળતા હતા અને તે પણ અન્ય લોકોમાં વિતરણ થઇ જતા હતાં. મઝહબની સેવા તો તેઓએ કરી છે આપણે તો માત્ર તેના ફળ ખાઇએ છીએ. તેઓએ મઝહબને મસ્લકને જીવંત રાખેલ છે મૌલાના ઇસ્હાકની જીંદગી પણ મેં જોઇ છે.

મૌલાના ઇસ્હાકએ મસ્લક કે આ'લા હઝરત માટે સેવા કરી અને શરીઅત ના તેઓ અમલી હતા તેઓએ થીંગડા લગાવીને પણ બતાવી દીધું કે અમો પ્રજાના ઇમામ છીએ.

મસ્લકે આ'લા-હઝરત વિશે બોલતા તેઓએ કહયું કે, મૌલાના તુર્કીસાહેબ અને મૌલાના ઇસ્હાકને શું જરૂર હતી કે એકજ ના'રો લગાવતાં હતા, શું એમને કોઇ પગાર મળતો હતો ? નહીં એમનો હરક્ષણેએ ધ્યેય હતો કે બિન સુન્નીઓને નાબૂદ કરી મસ્લકે આ'લા-હઝરતને હયાત રાખવો.

પૈગમ્બર સાહેબો આવ્યા અને તે પછી તેમના પ્યારા આવ્યા અને પ્રજાને અન્ય માર્ર્ગે ભટકવાથી બચાવતા રહ્યા એ જ કાર્ય મૌલાના ઇસ્હાક અને તુર્કી સાહેબએ કર્યુ છે. તેમ કહેતા ઉસ્માનગની બાપુએ વધુમાં કહયું કે,   ખ્વાજા ગરીબ નવાઝ આવ્યા અને ઇસ્લામ ધર્મને બળ મળ્યુ પણ જે તે સમયે ખુદાએ પોતાના નેક બંદાઓને મોકલ્યા અને બરૈલીમાં ઇમામ અહેમદ રઝાનો જન્મ થયો અને આજે પણ દુનિયાભરમાં સર્વત્ર 'મસ્લકે આ'લા-હઝરત'નો નારો ગૂંજે છે તે ખુદાએ આ'લા-હઝરતને આટલી મકબૂલીયત આપી છે.

મસ્લકે આ'લા-હઝરત ઉપર ભાર મુકતા તેઓએ શેરે-બે-શએ-સુન્નત અને હુઝૂર મુશાહીદે મિલ્લત સહિતના બુઝૂર્ગોની મઝહબી સેવાઓનો ઉલ્લેખ કરી કહયું હતું કે, તેઓએ સિદીકે અકબરની સુન્નતને અદા કરી છે.

અને એ જ મૌલાના ઇસ્હાક હતા કે જેઓનો આજે આ દીવસ મનાવવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્રમાં અનેક ઉલેમાઓ અને બુઝૂર્ગો છે કે જેમણે અમોને મસ્લકે આ'લા-હઝરત આપ્યું અને તેને જીવંત રાખ્યુ જેઓનો અમારી ઉપર ઉપકાર છે તેને ભૂલવો ન જોઇએ અને તેઓના વિસાલદિનને મનાવવા જોઇએ.

મૌલાના તુર્કી સાહેબ  સહિતના આ સર્વે આ'લા-હઝરતના સિંહો હતા આજે તેઓની ગેરહાજરીના અહેસાસ છે.

અત્રે એ નોંધનીય છે કે, સુન્ની વિદ્યાપીઠો આજે અનેક ગામોમાં છે પણ તેમાં ગ્રેજયુએશન સુધીનું શિક્ષણ આપવાના સ્ત્રોતો ઉભા કરી વિદ્યાર્થીને જે તે ક્ષેત્રમાં નિપૂણ કરવાના ધ્યેય સાથે ધ્રોલમાં દારૂલ ઉલૂમ અન્વારે મુસ્તુફા રઝા સ્થાપિત કરી તેની અન્યત્ર શાખા ખોલનાર  હાજી ઉસ્માનગનીબાપુ તરીકે જાણીતા આ સુન્ની વડા અને પીઢ વકતા સતત કાર્યરત અને વ્યસ્ત રહેતા ખાસ કરીને 'ઉર્ષે મૌલાના ઇસ્હાક'  ના આમંત્રણને માન આપી  બાવીસ વર્ષ બાદ પોતાની તકરીર (વાઅઝ)નો લાભ રાજકોટવાસીઓને આપતા સુન્ની મુસ્લિમોમાં પણ હર્ષ વ્યાપી ગયો હતો.

આ પૂર્વે આ કાર્યક્રમમાં હાફિઝ આદમ સાહેબ પટેલ (ધ્રોળ) એ મન્કબત રજૂ કરી હતી. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખલીફા-એ-અઝહરીમીંયા  મૌલાના સૈયદ સિકંદરબાપુ (રાજકોટ) એ કરતા તેઓએ આ'લા-હઝરતના જન્મ દિવસ નિમિતે ના આ જલ્સા ઉપર પ્રકાશ પાડયો હતો અને મુખ્ય વકતાનો પરિચય આપતા જણાવ્યું હતું કે, ઉસ્માનગની બાપુ (ધ્રોલ) એ જે કાર્ય આજે સૌરાષ્ટ્રમાં કર્યુ છે તે સુન્ની મુસ્લિમ સમાજની જબરી સેવાનું બેનમૂન ઉદાહરણ છે અને તેઓની છત્ર છાયામાં આજે ૩ હજાર છોકરા-છોકરી વિના મુલ્યે શિક્ષણ મેળવી રહ્યા છે.

આ તકે હાજી ઉસ્માનગની બાપુને 'સન્માનપત્ર' આપી તેઓનું અદકેરૂ બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મૌલાના તુર્કી સાહેબ (રહે.) ની યાદગાર ઘાંચી મસ્જીદ વર્ષો પહેલાં નાની હતી જેને ઘાંચી જમાત અને સુન્ની બંગાલી જમાત એ સહકાર આપી વિશાળ કરતા આ મસ્જીદમાં જ ઇમામ રહેલા મૌલાના ઇસ્હાક સાહેબ (રહે.)ના રપ મા સિલ્વર જયુબીલી ઉર્ષના પ્રસંગે સુન્ની બંગાળી જમાઅતને શિલ્ડ આપી સુન્ની ઘાંચી મસ્જીદ ટ્રસ્ટ દ્વારા તેઓના સહકારને બિરદાવવામાં આવ્યો હતો.

બીજી તરફ ઉલેમાઓએ છેલ્લા ૧૪ વર્ષથી સુન્ની ઘાંચી મસ્જીદમાં યોજાતા આ રૂહાની જલ્સાને બેમિસાલ ગણાવ્યો હતો. આ કાર્યક્રમમાં સૈયદ મહેબુબમીંયા કાદરી, મૌલાના અ. રસીદ નૂરી, મૌલાના મો. જફર રઝવી મૌલાના દિલમુહંમદ મૌલાના ઝફીરૂદદીન મૌલાના આમિરૂદદીન, મૌલાના મો.નવાઝ, મૌલાના મો. હનીફનૂરી, કારી ઇરફાન નૂરી, મૌલાના મો. હુસેન રઝવી, મૌલાના મો. હનીફ બરકાતી, હાફિઝ ઇઝહારૂલ હકક,  સૈયદ સિકંદરબાપુ આરિફી, હાફિઝ તાલિબુદદીન મૌલાના હાજી સાબિર હુસેન, કારી મુસ્તાક અહેમદ, સૈયદ વઝીરઅલી બાપુ, મૌલાના અબ્બાસ રઝવી, મૌલાના કૈસર આલમ, હાફિઝ જાવેદ અખ્તર, મૌલાના બાબર (નૂરાનીપરા), મૌલાના ગુલામ મુસ્તુફા, હાફિઝ મો. રઇશ સહિતના ઉલેમા હાજર રહ્યા હતાં.

આ જલ્સાને સફળ બનાવવા મુતવલી મહેબુબભાઇ પરમાર, ઉપરાંત ઘાંચી જમાઅતના અગ્રેસરો -પ્રમુખ મહંમદભાઇ અગવાન, યાકુબભાઇ કલાડીયા, હાજી અલારખાભાઇ ઘોણીયા, ઉપપ્રમુખ લાલાભાઇ માડેકીયા, ઉપરાંત કાર્યકરો અસલમભાઇ કલાડીયા, મુસ્તાકભાઇ કરગથરા, અ. ગનીભાઇ લાખાણી, ગુલામ હુસેનભાઇ થઇમ, સલીમભાઇ થઇમ, જુસાભાઇ માજોઠી, જુસાભાઇ કરગથરા, કાસમભાઇ દાઉદાણી વિગેરે કાર્યરત રહ્યા હતાં.

આ માટે શબ્બીરભાઇ પરમાર, આર. કે. મેમન, રમઝાન કલાડીયા, અલ્ફાઝ કલાડીયા, હસનૈન કલાડીયા, અકરમ પરમાર, સોહિલ પરમાર, હુસેનભાઇ રાઠોડ, મુજસ્સમ રાઠોડ, અલબસ કલાડીયા, યુસુફ ખેરાણી, નાસિરભાઇ હેરંજા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

જયારે સાદાતોમાં  ડો.એમ.કે કાદરી, હાજી અલ્તાફબાપુ કાદરી, ઇકબાલ બાપુ કાદરી, ગુલામ રસુલમીયા બાપુ બુખારી, રફીકબાપુ કાદરી (રઝાનગર), રફીકબાપુ બુખારી ટેલીફોનવાળા,અ. રઝાકમીયા કાદરી (સદર), ડો. યુસુફબાપુ કાદરી, સૈયદ મો. ઝાકીરબાપુ, સૈયદ મુસ્તુફાબાપુ  નાગાણી, વિગેરે હાજર રહયા હતા.

આ ઉપરાંત સુન્ની બંગાલી જમાતના ઝૈનુલ આબેદીન (હિરાભાઇ), શાહજહાનભાઇ, આલીભાઇ, આકાશભાઇ, શબ્બીરભાઇ, નિઝામભાઇ, બબલુભાઇ બાંગી, અશરફભાઇ લાલન, અખ્તરભાઇ, બિલાલભાઇ, શૈફુલભાઇ સેટીંગવાલા, અસફુલભાઇ દરજી, સૈફુલભાઇ ચોૈધરી, મોઇનુદદીનભાઇ,  અનવરભાઇ, શાહીદભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમ સોૈરાષ્ટ્રના જાણીતા બુઝૂર્ગ  હાજી અબ્દુલ કાદીરબાપુ  રઝવી (રહે.), (નેશનલ હોટલ) ના સુપુત્ર હાજી નિઝામુદદીનબાપુ  નૂરીના વડપણ તળે અને ગુલામે ગૌષ કિબ્લા સૈયદ હાજી અબ્દુલ ખાલીદમીયા બાપુ કાદરી, રઝવીના પ્રમુખ સ્થાને ઉપરાંત કિબ્લા સૈયદ ઝાકીરબાપુ  કાદરી (ડેલાવારા) ની નિશ્રા અને હઝરત મોૈલાના તસ્લીમુદદીન  અઝહરીની દેખરેખમાં યોજાયો હતો.

દરવર્ષે સમય મર્યાદાની સાથે ઘાંચી મસ્જીદમાં યોજાતા જશ્ને  યોૈમે રઝાના આ એકમાત્ર જાહેર જલ્સામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા તો બીજી તરફ ગત રવિવારે જેમની વિદાયને ૨૫ વર્ષ પુરા થયા  તેવા ઉપકારક મૌલાના ઇસ્હાક સાહેબને ભવ્ય અંજલી અર્ર્પિત કરવા તેઓના અનુયાયીઓ,  શિષ્યો અને  પ્રશંસકોએ હાજરી આપતા ઘાંચી મસ્જીદમાં હકડેઠઠ મેદની ઉમટી પડી હતી અને બેસવાનો અભાવ સર્જાતા મસ્જીદ બહાર લોકોએ ઉભા રહી પણ આ જલ્સાને સફળતા અપાવી હતી.

(4:04 pm IST)