Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રર થી ર૬ ઓગષ્ટ લોકમેળોઃ ગયા વર્ષે પ૬ાા લાખનો તોતીંગ નફોઃ આ વખતે સ્ટોલના ભાડા વધશે

કલેકટરના અધ્યક્ષપદે લોકમેળા કમીટીની મીટીંગ યોજાઇઃ વિવિધ નિર્ણયો લેવાયા : કંઇક યુનિક કરવા કલેકટરની ટકોરઃ આ વખતે પણ લોકમેળાના નામ માટે સ્પર્ધા થશે

રાજકોટ, તા., ૨૧: રાજકોટ કલેકટરના અધ્યક્ષપદે લોકમેળા કમીટીની મીટીંગ યોજાઇ હતી અને તેમાં વિવિધ નિર્ણયો લેવાયા હતા. ગયા વખતે લોકમેળાનું નામ ગોરસ રખાયું હતું અને તે નામ સુચવનારને રપ૦૦નું ઇનામ અપાયું હતું. આ વખતે પણ માહીતી ખાતા મારફત લોકમેળાનું શ્રેષ્ઠ નામ સુચવવા અંગે  સ્પર્ધા થશે.

ગયા વખતે લોકમેળામાં કલેકટર તંત્રને ૩ કરોડ ૮ લાખની આવક સામે ર કરોડ પર લાખ જેવો ખર્ચ થયો હતો અને તે બાદ કરતા કુલ પ૬ લાખનો નફો થયાનું અને આ હિસાબો આજની કમીટીમાં ફાઇનલ થયાનું કહેવાયું હતું.

કલેકટરે દરેક કમીટીના અધ્યક્ષને અને સીટી પ્રાંત-૧ શ્રી ચૌહાણને આ વખતે મેળામાં કંઇક યુનિક કરવા ટકોર કરી હતી.

આ વખતે લોકમેળામાં નાની ચકરડી, રમકડા, આઇસ્ક્રીમ, મોટી ખાણીપીણી-યાંત્રીક વિગેરે ૩પ૦ જેટલા સ્ટોલના ભાડામાં ૧૦ થી ૧પ ટકાનો વધારો થાય તેવી પુરી શકયતા છે. આ માટે કમીટી નિર્ણય લેશે.

મીટીંગમાં સીટી પ્રાંત-૧ શ્રી ચૌહાણે દરેક કમીટીને કામે લાગી જવા અને વ્યવસ્થિત લે-આઉટ પ્લાન ઘડી કાઢવા અનુરોધ કર્યો હતો.

ગાંધીનગર ઇન્ડેક્ષ સી પાસેથી પ૦ સ્ટોલ અંગે રૂ. ૧ લાખ વસુલાય છે તે ર લાખ કરવાની દરખાસ્ત થઇ હતી. તો મોટી ખાણી પીણીમાં એ અને એફ સ્ટોલ રાખવા અને બાકીના સ્ટોલ અંગે નાની ચકરડી માટે નિર્ણય લેવાવા અંગે નિર્દેશ અપાયો હતો.

આ ઉપરાંત જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ જે સ્ટોલ ફાળવાય છે તેમાં ગયા વર્ષે પણ દોઢ લાખની વસુલાત આવી ન હોય તે માંગવા અને આ વખતે એડવાન્સ નાણાકીય વસુલાત કરવા અંગે દરખાસ્ત થઇ હતી.

લોકમેળો રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે રર થી ર૬ ઓગષ્ટ એટલે કે ગુરૂવારથી સોમવાર દરમિયાન યોજાશે. આ વખતે બે રાંધણછઠ્ઠ છે. ર૧મીએ બપોરે બેસે છે અને રરમીએ બપોર સુધી રાંધણછઠ્ઠ હોય રરમીથી મેળો યોજવાનું ફાઇનલ કરાયું હતું.

* લોકમેળામાં પોલીસ તંત્ર સીસીટીવી કેમેરા ગોઠવશે, આયોજન માટે કુલ ૧૬  કમીટી ભાગ લેશે. ટ્રાફીક યોગ્ય કરવા રેસકોર્ષમાં આવેલ નહેરૂ ઉદ્યાનવાળી જગ્યા, ચૌધરી હાઇસ્કુલ મેદાન તથા પોલીસ હેડ કવાર્ટર ખાતે ફ્રી પાર્કીંગ રહેશે.

* આ વર્ષે પણ લોકમેળામાં ઉદઘાટન સમયે શહેરની પ સ્કુલના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે.

* મહિલા આર્થિક વિકાસ નિગમને ૬૦ *૭૦નો પ્લોટ ફીકસ ૧ લાખના ભાડાથી અપાશે.

* માહીતી નિયામક, પોલીસ, આરએમસી વિગેરે સહકારી સંસ્થા માટે મફત પ્લોટ ફાળવાશે. * લોકમેળામાં મેડીકલ ટીમની રચના કરી મેઇન સ્ટેજની બાજુમાં એરપોર્ટ ગેઇટ ખાતે અને પોલીસ હેડ કવાર્ટર ગેઇટ એમ કુલ ત્રણ સ્થળે ફાયર એમ્બ્યુલન્સ રાખવામાં આવશે.

(4:02 pm IST)