Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

વિજ કંપનીની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતીઃ અવાર-નવાર વિજળી ગુલઃ રાજાણી

ફરીયાદ ઉકેલવામાં પણ ઢીલાશઃ કોંગ્રેસ દ્વારા વિજ કંપનીના અધિક્ષક ઈજનેરને આવેદન પાઠવાયું

રાજકોટ, તા. ૨૧ :. શહેરના અનેક વિસ્તારોમાં અવારનવાર કલાકો સુધી વિજળી ગુલ થઈ જવાની ઘટના બની રહી છે. તેથી વિજ કંપનીની પ્રિ-મોન્સુન કામગીરીની પોલંપોલ છતી થઈ હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણી દ્વારા વિજ કંપનીના અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આ અંગેની વિગતો મુજબ રાજકોટ શહેરના સમગ્ર વિસ્તારનો સમુચૌ વિકાસ થાય અને પાયાની સુવિધાથી વંચીત ન રહે તે માટે સતત પ્રજા વચ્ચે રહેતા જાગૃત કોંગી કોર્પોરેટર અને દંડક અતુલ રાજાણી અને વોર્ડ નં. ૩ પ્રમુખ ગૌરવ પુજારા લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ હોય છે જે અનુસંધાને આજરોજ બહોળી સંખ્યામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડના અધિક્ષક ઈજનેરશ્રીને બન્ને આગેવાનો દ્વારા વારંવાર લાઈટ જવાથી લોકોને થતી હેરાનગતિ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જેમાં જણાવેલ કે પીજીવીસીએલ ગ્રાહકો પાસેથી વીજબીલની પઠાણી ઉઘરાણી કરે છે અને નાણા ચુકવવામાં વિલંબ થયે વીજ જોડાણ કપાત કરી નાખે છે, પરંતુ મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજકોટ શહેરમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાય જાય છે અને ફરીયાદો કરવા છતા કલાકો સુધી પૂર્વવત થતો નથી જેથી બાળકો, વયોવૃદ્ધો અને દર્દીઓની હાલત માઠી થઈ રહી છે.

પ્રિ-મોન્સુન કામગીરી કરાયાનું જાહેર કરાય છે છતા મોસમના પહેલા વરસાદ સાથે જ અનેક વિસ્તારોમાં ગઈકાલે વિજળી ગુલ થઈ ગઈ હતી. વીજ દરોડા પાડવામાં, વીજ જોડાણો કપાત કરવામાં માહિર ઈજનેરો વીજ ફોલ્ટ શોધવામાં વામણા સાબિત થઈ રહ્યા છે. અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગના નામે ભરઉનાળે અને હવે ચોમાસામાં રાજકોટ શહેરમાં મનફાવે તેમ વીજકાપ ઝીંકવામાં આવી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર લાઈટ લબુક-ઝબુક થતી હોય મતલબ કે વોલ્ટેજ ડીમ-ફુલ થતા હોય અનેક ઘરોમાં મહામહેનતે પરસેવાની કમાણીથી વસાવેલા ઉપકરણો બળી રહ્યા છે. ફરીયાદ નિકાલ વિભાગના ફોન સતત વ્યસ્ત આવે છે અથવા તો સતત નો-રિપ્લાય થાય છે. કયારેક તો એપ્રેન્ટીસ લોકો ફોન રીસીવ કરીને વ્યવસ્થિત ફરીયાદ પણ સાંભળતા નથી કે ફરીયાદીના નામ, સરનામુ અને મોબાઈલ નંબર નોંધાતા જ નથી અને જેના લીધે પણ ફરીયાદો ઉકેલવામાં અસહ્ય વિલંબ થાય છે. આવામાં નાગરીકોની સ્થિતિ કફોળી થઈ રહી છે. આ અંગે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં નહીં આવે તો લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારેલ.

આ આવેદન આપવા માટે કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી, વોર્ડ પ્રમુખ ગૌરવ પુજારાની આગેવાની હેઠળ કૃષ્ણકાંત ચોકસી, હિતેષભાઈ બગડાઈ, યતિનભાઈ વાઘેલા, જયેશભાઈ ટેકચંદાણી, નરેન્દ્રભાઈ આહીર, જેરામભાઈ (પપ્પુભાઈ) મદાણી, નિલેશભાઈ સેજપાલ, જયેશભાઈ ખંધેડીયા, ચેતનભાઈ પાટડીયા, ચંદ્રેશભાઈ ગજ્જર, અનીલભાઈ ગુટલા, કમલભાઈ કારીયા, દેવાંગભાઈ અજમેરા, દેવાંગભાઈ કોટક, મહેશભાઈ પરસાણા, પ્રતિક બોરીચા, શીવભદ્રસિંહ જાડેજા, રૂત્વીકસિંહ ચુડાસમા વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલ.

(4:00 pm IST)