Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રાજકુમાર કોલેજના યજમાનપદે યોજાયેલી શૂટિંગ ચેમ્પિયનશીપની પૂર્ણાહુતિ

પ્રથમ સ્થાને જોધપુરની રાજમાતા ક્રિષ્ના કુમારી ગર્લ્સ પબ્લિક સ્કૂલ વિજેતા જાહેર : ઇનામ વિતરણ

રાજકોટ : ભારતની અગ્રણી સ્કૂલો પૈકીની રાજકોટની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ધ રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે ઇન્ડિયન પબ્લીક સ્કૂલ કોન્ફરન્સ, 'શુટિંગ ચેમ્ચીયનશીપ અન્ડર-૧૪, અન્ડર-૧૭, અન્ડર-૧૯-ર૦૧૯'ની શરૂઆત ૧૭ જુનના રોજ થયેલ હતી, જેનું અંતિમ પરિણામ ૧૯ જૂને આવ્યું. ચેમ્પીયનશીપ અન્ડર-૧૪, અન્ડર-૧૭, અન્ડર-૧૯માં અલગ અલગ કેટેગરી જેવી કે 'પિપસાઇટ એર રાઇફલ', 'ઓપન સાઇટ એર રાઇફલ' તથા 'એર પિસ્તોલ' આવરી લેવામાં આવી હતી. સ્પર્ધામાં અત્યંત સ્પર્ધાત્મક અને ઉચ્ચ સ્કોર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ આગળ આવ્યા હતા. નિર્ણાયકોએ બધા જ પ્રતિસ્પર્ધીઓની પ્રતિભા અને અનુશાસનની પ્રશંસા કરી હતી. તમામ ૯ અલગ અલગ ભારત દેશની પ્રતિષ્ઠિત સ્કૂલોએ અને તેમના વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધાનો સમાપન સમારંભ તા. ૧૯ જૂનના બપોરે ૧રઃ૩૦ કલાકે થયો. રાજકુમાર કોલેજના ભાવસિંહજી હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકુમાર કોલેજના પ્રિન્સીપાલ શંકરસિંહ અધિકારીએ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ તથા મેડલ આપ્યા હતાં તથા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આર્શિવચન કહ્યા હતા. અન્ડર-૧૪, અન્ડર-૧૭ અને અન્ડર-૧૯માં અલગ અલગ કેટેગરી જેવી કે 'પિપસાઇટ એર રાઇફલ', 'ઓપન સાઇટ એર રાઇફલ' તથા 'અ.ેર પિસ્તોલ' દરેક વર્ગમાં વ્યકિતગત સ્થાન માટે અલગ અલગ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણ ટીમને ચેમ્પીયન ટીમ તરીકેના પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં રાજમાતા ક્રિષ્ના કુમારી ગર્લ્સ પબ્લીક સ્કૂલ-જોધપુરએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મોતીલાલ નહેરૂ સ્કૂલ-હરિયાણાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ડેલી કોલેજ-ઇન્દોરે તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું. અંતે તેમાંથી સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ રાજમાતા ક્રિષ્ના કુમારી ગર્લ્સ પબ્લીક સ્કૂલ-જોધપુરને આઇ.પી.એસ.સી.ની ચેમ્પીયન ટીમ જાહેર કરવામાં આવી હતી. રાજકુમાર કોલેજને રાષ્ટ્રીય કક્ષાની આ શૂટિંગ ચેમ્પીયનશીપના યજમાન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ હતું.

(3:43 pm IST)