Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યાજ્ઞિક રોડ ઉપરના વેપારી વિરૂધ્ધ પાંચ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૨૧: રાજકોટના યાજ્ઞિક રોડ ઉપરના પ્રખ્યાત વેપારી વિરૂધ્ધ રૂ.૫,૦૦,૦૦૦ના ચેક રીર્ટન અંગેની ફોજદારી ફરિયાદ કોર્ટમાં થતાં અદાલતે આરોપીને સમન્સ ઇસ્યુ કરેલ છે.

રાજકોટમાં આશાપુરા રોડ / કરણપરા-૨૦, ચામુંડા પેલેસમાં રહેતા જયંતીભાઇ ધનજીભાઇ રાઠોડની પાસેથી સંબંધની રૂએ તથા જુના મકાનના માલીક હોવાના નાતે ઓળખાણ તથા સંબંધની રૂએ વર્ષિતભાઇ હરેશભાઇ મોરઝરીયાને તાત્કાલીક રૂ.૫,૦૦,૦૦૦ ની જરૂર પડતા, એટલે કે તેમના પિતાશ્રી હરેશભાઇ મોરઝરીયાની સખ્ત બીમારી અર્થે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરેલ હોય અને મેજર ઓપરેશન કરાવેલ હોય જેથી આર્થિક ભીંસમાં આવી ગયેલ હોય અને તાત્કાલીક રકમની જરૂર પડતા સંબંધની રૂએ આરોપી વર્ષિતભાઇ મોરઝરીયાએ ફરિયાદી જયંતિભાઇ રાઠોડને મદદરૂપ થવા વિનંતી કરેલ. જેથી ફરિયાદીએ આરોપીને રૂ.૫,૦૦,૦૦૦ સંબંધની રૂએ માનવતાના ધોરણે ૩ માસ માટે મદદરૂપ થવા માટે રકમ આપેલ.

ઉપરોકત વિગતે ૩ માસ બાદ સદરહુ રકમ પરત માંગતા આરોપીએ ફરિયાદી જોગ તેમની બેંક-આઇ.સી.આઇ.સી.આઇ. બેંક-પેલેસ રોડ શાખાના રૂ.૨,૫૦,૦૦૦ તથા રૂ.૨,૫૦,૦૦૦ના બે ચેકો લખી આપેલ સદરહુ બન્ને ચેક બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા-જયરાજ પ્લોટ શાખામાં રજુ રાખતા, બેલેન્સના અભાવે બન્ને ચેક રીર્ટન થયેલા જેથી રાજકોટની ફોજદારી અદાલતમાં ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ ચેક રીર્ટન થવા સબબની સ્પે. કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ છે. હકીકત તથા કાયદેસરના લેણા સબબ તથા સમય મર્યાદા અંગે તમામ હકીકતો ધ્યાને લઇ નામદાર કોર્ટે ફોજદારી કેસ રજીસ્ટરે લીધેલ છે. અને આરોપીને હાજર થવા માટે સમન્સ ઇસ્યુ કરી, પોલીસ દ્વારા બજવણી વાસ્તે મોકલવા અંગેનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરિયાદી-જયંતિભાઇ રાઠોડ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ.માણેક, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા રોકાયેલ છે.

(3:26 pm IST)